સરકારની જાહેરાતને છ મહિના વીતી ચૂક્યા છે, અને આગામી છ મહિનામાં એટલે કે જાન્યુઆરી, 2026થી આઠમું પગારપંચ લાગુ થવાની શક્યતા છે, કારણ કે ત્યારે સાતમું પગારપંચ સમાપ્ત થશે. તેમ છતાં, અત્યાર સુધી 8મા પગારપંચને લઈને ન કોઈ સ્પષ્ટતા છે કે ન તો કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

અમદાવાદ, ગુરૂવાર
કેન્દ્ર સરકારના કર્મચારીઓ આઠમા પગારપંચની જાહેરાતને લઈને ભારે ચિંતામાં છે. ગત 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વહેલી તકે આયોગના ચેરમેન અને બે અન્ય સભ્યોની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી. જોકે, આ જાહેરાતને આજે 160 દિવસ લગભગ ૬ મહિના વીતી ગયા હોવા છતાં 1 જુલાઈ 2025 સુધી આયોગના સભ્યોની નિમણૂક અંગે કોઈ અપડેટ આવ્યું નથી. આ વિલંબને કારણે સરકારી કર્મચારીઓમાં અનિશ્ચિતતા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
જાહેરાતના 6 મહિના વીત્યા, છતાં કોઈ સ્પષ્ટતા નહીં
સરકારની જાહેરાતને છ મહિના વીતી ચૂક્યા છે, અને આગામી છ મહિનામાં એટલે કે જાન્યુઆરી, 2026થી આઠમું પગારપંચ લાગુ થવાની શક્યતા છે, કારણ કે ત્યારે સાતમું પગારપંચ સમાપ્ત થશે. તેમ છતાં, અત્યાર સુધી 8મા પગારપંચને લઈને ન કોઈ સ્પષ્ટતા છે કે ન તો કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આયોગની રચના અંગે પણ સરકાર તરફથી કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી. આ જાહેરાત પછી થઈ રહેલો આ વિલંબ સરકારી કર્મચારીઓ અને તેમના સંગઠનો માટે ચિંતાનો વિષય બન્યો છે.
શું 7મા પગારપંચ જેવી સ્થિતિ સર્જાશે?
જાહેરાતના 160 દિવસ બાદ પણ 8મા પગારપંચમાં કોઈ અપડેટ ન આવવાથી, એવી શક્યતાઓ વધી રહી છે કે ક્યાંક 7મા પગારપંચ જેવી સ્થિતિ ન સર્જાય. વર્ષ 2013માં 25 સપ્ટેમ્બરના રોજ 7મા પગારપંચની જાહેરાત કરવામાં આવી હતી અને કેન્દ્ર સરકારે 156 દિવસ પછી 28 ફેબ્રુઆરી 2014ના રોજ તેને જાહેર કર્યું હતું. જોકે, આ વખતે જાહેરાતથી અત્યાર સુધી 160 દિવસ થઈ ચૂક્યા છે, જ્યારે નવું પગારપંચ લાગુ થવામાં માત્ર 180 દિવસનો સમય બચ્યો છે. આ સમયગાળો ટાઈમલાઈનની દ્રષ્ટિએ અત્યંત ઓછો હોવાનું જણાઈ રહ્યું છે.
કર્મચારી સંગઠનો દ્વારા કેબિનેટ સચિવને પત્ર
પગારપંચની રચનામાં વિલંબને લઈને કર્મચારી સંગઠનોની ચિંતાઓ વધી રહી છે. JCM સચિવ શિવ ગોપાલ મિશ્રાએ તાજેતરમાં કેબિનેટ સચિવને પત્ર લખીને પગારપંચની રચના અને શરતો અંગે સ્પષ્ટતાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, આ બાબતે તમામ પ્રકારની વાતચીત હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. કર્મચારી સંગઠનોએ પણ તેમના તમામ સૂચનો રજૂ કર્યા છે. પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, આ બાબતે સમયસર વાતચીતનો અભાવ પણ છે.
સરકાર ટાઈમલાઈનનો ખ્યાલ રાખે તેવી માંગ
કર્મચારી સંગઠને કેબિનેટ સચિવને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વિલંબની સાથે બધા હિતધારકોમાં મૂંઝવણ પેદા થઈ રહી છે. તેમણે માંગ કરી છે કે, વહેલી તકે પગારપંચની રચનાને લઈને સ્પષ્ટ ગાઈડલાઈનની જાહેરાત કરવામાં આવે, જેથી જાન્યુઆરી 2026ની ટાઈમલાઈનનો ખ્યાલ રાખી શકાય. પત્રમાં લખવામાં આવ્યું છે કે, એમ માનવામાં આવતું હતું કે, ફેબ્રુઆરી 2025માં જ આયોગને લઈને બધું જ સ્પષ્ટ કરી દેવામાં આવશે, પરંતુ હજુ સુધી આવું કંઈ જ થયું નથી.











