ગાંધીનગરના બહિયલ ગામમાં ‘I love Mohmand’ સામે ‘I love Mahadev’ લખેલી સોશિયલ મીડિયા પોસ્ટને કારણે બે કોમ વચ્ચે થયેલી બબાલ અને પથ્થરમારાની ઘટના. પોલીસે 60 લોકોની અટકાયત કરી. ગાંધીનગર SP રવિ તેજા વાસમશેટ્ટીનું નિવેદન અને સમગ્ર ઘટનાનો વિગતવાર રિપોર્ટ.

દહેગામ, ગુરૂવાર
દહેગામના બહિયલ ગામમાં એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે બે કોમ વચ્ચે વાતાવરણ ડહોળાયું હતું. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ‘I love Mohmand’ ટ્રેન્ડના જવાબમાં એક હિન્દુ યુવક દ્વારા ‘I love Mahadev’ લખીને એક વિવાદાસ્પદ શબ્દનો ઉપયોગ કરવામાં આવતા મામલો બિચક્યો હતો. આ ઘટનાને પગલે ઉશ્કેરાયેલા એક કોમના ટોળાએ હિન્દુ વિસ્તારમાં પથ્થરમારો કર્યો હતો, જેના કારણે ગામમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી.
એસપી રવિ તેજા વાસમશેટ્ટીએ આપી માહિતી
ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) રવિ તેજા વાસમશેટ્ટીએ આ ઘટના અંગે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, “એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વાંધાજનક શબ્દના ઉપયોગને કારણે મુસ્લિમ સમાજના લોકોની લાગણી દુભાઈ હતી અને તેઓ ઉશ્કેરાયા હતા. ત્યારબાદ, મુસ્લિમ લોકોના એક ટોળાએ હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તાર, ખાસ કરીને ગરબાના સ્થળ અને પટેલ વિસ્તાર પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કેટલીક દુકાનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.”
પોલીસની તાત્કાલિક કાર્યવાહી, 60 લોકો ડિટેન
ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. SPના જણાવ્યા અનુસાર, આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 60 લોકોની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, પોલીસ પાસે અન્ય 20 શંકાસ્પદ વ્યક્તિઓના નામ પણ છે, જેમના વિરુદ્ધ ટૂંક સમયમાં એક્શન લેવામાં આવશે.
હાલમાં ગામમાં સંપૂર્ણ શાંતિ છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે લોકોને શાંતિ જાળવવા અને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. આ ઘટનાએ સોશિયલ મીડિયાના દુરુપયોગ અને તેના ગંભીર પરિણામોને ફરી એકવાર ઉજાગર કર્યા છે.










