જાણો કેમ લિથુઆનિયાના Gen Z યુવાનો દુનિયામાં સૌથી ખુશ છે. શિક્ષણ, રોજગારી અને વાઇબ્રન્ટ કલ્ચરના કારણે કેવી રીતે આ દેશ યુવાનો માટે સફળતાનું મોડેલ બન્યો છે. આર્ટિકલ વાંચો અને લિથુઆનિયાની સફળતાના રહસ્યો જાણો.

લિથુઆનિયા, મંગળવાર
દુનિયાભરમાં Gen Z યુવાનોમાં નિરાશા, હતાશા અને એકલતા જેવી લાગણીઓ વધી રહી છે. મોટાભાગના દેશોમાં આ પેઢી પોતાના ભવિષ્યને લઈને ચિંતિત છે, ત્યારે નાનકડા દેશ લિથુઆનિયાની વાત જુદી છે. વર્લ્ડ હેપ્પીનેસ ઈન્ડેક્સના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, લિથુઆનિયાના 30 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો દુનિયામાં સૌથી વધુ ખુશ છે. આ યુવાનોએ પોતાના જીવનને 10 માંથી સરેરાશ 8 ગુણ આપ્યા છે. તો આવું શા માટે છે?
Gen Zના અસંતોષનું કારણ અને લિથુઆનિયાની સફળતા
આધુનિક ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના કારણે મનોરંજન તો મળે છે, પણ તેની સાથે જ સ્પર્ધા અને એકલતાનો ભય પણ વધ્યો છે. અમેરિકા જેવા સમૃદ્ધ દેશોમાં પણ યુવાનો અસંતોષ અનુભવી રહ્યા છે. નેપાળમાં તો યુવા અસંતોષના કારણે સરકારનું પતન પણ થયું. આવી પરિસ્થિતિમાં લિથુઆનિયાએ પોતાના યુવાનોને કેન્દ્રમાં રાખીને કેટલીક પોલિસીઓ બનાવી, જેના કારણે તેમને સકારાત્મક પરિણામ મળ્યું.
શિક્ષણ વ્યવસ્થા જે તણાવ ઘટાડે
લિથુઆનિયાએ પોતાના યુવાનો માટે સ્ટ્રેસ-ફ્રી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી છે.
ફ્રી એજ્યુકેશન: અહીં સરકારી શિક્ષણમાં ટ્યુશન ફી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે, જ્યારે પ્રાઇવેટ ઈન્સ્ટિટ્યૂટમાં પણ ફી ઘણી ઓછી છે. આના કારણે વિદ્યાર્થીઓ પર એજ્યુકેશન લોનનો બોજ રહેતો નથી.
કામની સ્વતંત્રતા: વિદ્યાર્થીઓને ભણવાની સાથે પાર્ટ-ટાઇમ જોબ કરવાની છૂટ છે, જેથી તેઓ પોતાના ખર્ચ જાતે કાઢી શકે.
રહેઠાણની સુવિધા: ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓ માટે ઓછાં ભાડે રહેઠાણની વ્યવસ્થા છે. જો કોઈ વિદ્યાર્થી લાંબા સમય માટે પોતાના રૂમમાં ન હોય, તો તે તેને સબલેટ કરી શકે છે, જેથી ભાડાનો ખર્ચ પણ ઓછો થાય.
આ બધી વ્યવસ્થાના કારણે વિદ્યાર્થીઓને ભણતર દરમિયાન કોઈ નાણાકીય દબાણ અનુભવાતું નથી અને આત્મહત્યા જેવા કિસ્સાઓમાં ઘટાડો થયો છે.
એક જીવંત સમાજ અને વાઇબ્રન્ટ કલ્ચર
લિથુઆનિયાની રાજધાની વિલ્નિયસ સહિતના મોટા શહેરોમાં વાઇબ્રન્ટ નાઇટલાઇફ છે. થિયેટર, આર્ટ ગેલેરી, લાઇવ કોન્સર્ટ અને ઇન્ટરનેશનલ થીમના રેસ્ટોરન્ટ્સ યુવાનોને આકર્ષિત કરે છે. વિલ્નિયસનો જૂનો વિસ્તાર યુનેસ્કો હેરિટેજ સાઇટ પણ છે, જે યુવાનોને ઇતિહાસ અને કલ્ચર સાથે જોડે છે. આ પોઝિટિવ માહોલના કારણે Gen Z ને અહીં જીવન બોજારૂપ લાગતું નથી.
રોજગારી અને ઘરવાપસીનું વધતું ચલણ
અન્ય યુરોપિયન દેશોની સરખામણીમાં લિથુઆનિયામાં બેરોજગારીનો દર ઓછો છે. આ દેશમાં છેલ્લાં થોડાં વર્ષોમાં અમેરિકા ગયેલા ઘણા યુવાનો પોતાના વતન પાછા ફર્યા છે. સરકાર દ્વારા આ યુવાનોને સ્ટાર્ટઅપ્સ અને નવા પ્રોજેક્ટ્સ માટે આર્થિક સહાય પણ આપવામાં આવે છે. આના કારણે યુવાનોને લાગે છે કે તેઓ પોતાના દેશ માટે કંઈક કરી શકે છે.











