વિશ્વ સિંહ દિવસ: ૧૦ ઓગસ્ટે જ કેમ ઉજવાય છે? જાણો ઇતિહાસ અને ગુજરાત સાથેનો ખાસ સંબંધ

10 ઓગસ્ટના રોજ ઉજવાતા વિશ્વ સિંહ દિવસનો ઇતિહાસ, તેનો ગુજરાતના ગીરના જંગલો સાથેનો સંબંધ, અને સિંહ સંરક્ષણમાં થયેલી પ્રગતિ વિશેની સંપૂર્ણ માહિતી અહીં મેળવો.

અમદાવાદ, રવિવાર
દુનિયાભરમાં ૧૦ ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવણી થાય છે. આ દિવસ સિંહના સંરક્ષણ અને તેમની ઘટતી સંખ્યા વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે. પરંતુ શું તમને ખબર છે કે આ દિવસ ૧૦ ઓગસ્ટે જ કેમ ઉજવવામાં આવે છે? આની પાછળ એક રસપ્રદ ઇતિહાસ છે.

વિશ્વ સિંહ દિવસનો ઇતિહાસ
વર્લ્ડ લાયન ડેની શરૂઆત વર્ષ ૨૦૧૩માં બિગ કેટ રેસ્ક્યુ દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થા સિંહો માટે વિશ્વનું સૌથી મોટું સેન્ચ્યુરી છે. આ સંસ્થાના સહ-સ્થાપક ડેરેક જોબર્ટ અને બેવર્લી જોબર્ટ હતા. તેઓએ સિંહોની ઘટતી સંખ્યા અને તેમના નેચરલ હેબિટેટ્સમાં થતા જોખમોને ધ્યાનમાં રાખીને આ દિવસની શરૂઆત કરી હતી.

જોબર્ટ દંપતીએ નેશનલ જિયોગ્રાફિક સાથે મળીને વર્ષ ૨૦૦૯માં બિગ કેટ ઇનિશિયેટિવ (BCI) પણ શરૂ કર્યું હતું. ત્યારબાદ, ૨૦૧૩માં આ બંને સંસ્થાના પ્રયત્નોને એક કરીને વિશ્વભરમાં સિંહના સંરક્ષણ માટે ૧૦ ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો. ત્યારથી આ દિવસ જંગલના રાજા ગણાતા સિંહને સમર્પિત છે.

ગુજરાત અને એશિયાટિક સિંહ
એક સમય હતો જ્યારે એશિયાટિક સિંહ વિશ્વની લુપ્તપ્રાય પ્રજાતિઓમાં સામેલ હતો. જોકે, આ એશિયાટિક સિંહ હવે માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે, જે આપણા બધા માટે ગૌરવની વાત છે. સિંહના સંરક્ષણ માટે જૂનાગઢના તત્કાલીન નવાબ રસુલ ખાને શિકાર પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના પરિણામે, એક સમયે માત્ર ૧૯ સિંહની સંખ્યા વધીને આજે આશરે એક હજારની નજીક પહોંચી ગઈ છે.

ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અવિરત પ્રયાસોથી સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

* વર્ષ ૨૦૦૧માં સિંહોની સંખ્યા ૩૨૭ હતી.
* વર્ષ ૨૦૧૧માં આ આંકડો ૪૧૧ સુધી પહોંચ્યો.
* ૨૦૨૦માં આ સંખ્યા ૬૭૪ થઈ.
* ૨૦૨૫ના લેટેસ્ટ આંકડા મુજબ, ગીરમાં સિંહોની સંખ્યા વધીને ૮૯૧ થઈ ગઈ છે.

આ ઉપરાંત, ગુજરાત સરકારે સિંહો માટે વૈકલ્પિક નિવાસસ્થાન તૈયાર કરવાના પ્રયાસો પણ શરૂ કર્યા છે. જેના ભાગરૂપે બરડા પંથક હવે સિંહો માટે એક નવું અને સશક્ત રહેઠાણ બની ગયું છે. ૨૦૨૫ની ગણતરી મુજબ, બરડામાં ૧૭ સિંહોની હાજરી નોંધાઈ છે.

આજે, ગીરના જંગલો દેશ-વિદેશના ટુરિસ્ટ્સ માટે એક મોટું એટ્રેક્શન બની ગયું છે, જ્યાં વર્ષે દસ લાખથી વધુ લોકો સિંહને જોવા આવે છે. સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્ક પણ સિંહ સંરક્ષણ અને સંવર્ધનમાં મહત્વનો રોલ ભજવે છે. ત્યાંથી જન્મેલા સિંહ ભારતના અને વિદેશના પ્રાણીસંગ્રહાલયોની શોભા વધારે છે.

એશિયાટિક સિંહ એ ગુજરાતની શાન અને ઓળખ છે, અને એટલા માટે જ વર્લ્ડ લાયન ડે આપણા બધા માટે એક મહત્વપૂર્ણ દિવસ બની રહે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!