અંબાજી ગબ્બર પર યોજાશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ, 30 જાન્યુઆરીથી શરૂ થશે ભક્તિનો મહાકુંભ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

અંબાજી ગબ્બર ખાતે આગામી 30 જાન્યુઆરી 2026થી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થશે. જાણો 3 દિવસના કાર્યક્રમો, વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા અને મશાલ યાત્રાની સંપૂર્ણ વિગત.

અંબાજી, ગુરૂવાર
યાત્રાધામ અંબાજી એ ગુજરાત જ નહીં પણ દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે માઈભક્તો માટે એક મોટા અને આનંદના સમાચાર આવ્યા છે. આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2026 દરમિયાન અંબાજીના ગબ્બર ખાતે ભવ્ય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી ટ્રસ્ટ દ્વારા આ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

એક જ જગ્યાએ 51 શક્તિપીઠના દર્શનનો અનોખો લ્હાવો
સામાન્ય રીતે તમામ 51 શક્તિપીઠના દર્શન કરવા ખૂબ મુશ્કેલ હોય છે કારણ કે આ મંદિરો ભારત સિવાય પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં પણ આવેલા છે. પરંતુ અંબાજીમાં ગબ્બરની ફરતે 2.5 કિલોમીટરના પરિક્રમા માર્ગ પર આ તમામ મંદિરોની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 62 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવ દરમિયાન ભક્તો અહીં પરિક્રમા કરીને એક સાથે તમામ શક્તિપીઠના દર્શનનું પુણ્ય મેળવી શકશે.

ત્રણ દિવસ સુધી ચાલશે ભક્તિનો ઉત્સવ: જાણો કાર્યક્રમની રૂપરેખા
આ મહોત્સવ પૂરા ત્રણ દિવસ સુધી ચાલશે, જેમાં દરરોજ અલગ-અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાશે:

પહેલો દિવસ (30 જાન્યુઆરી 2026): મહોત્સવની શરૂઆત સવારે 9:30 વાગ્યે ભવ્ય પાલખી યાત્રા અને ધજા યાત્રાથી થશે. આ દિવસે સાધુ-સંતો ભક્તોને આશીર્વાદ આપશે અને આનંદ ગરબાની રમઝટ બોલાવવામાં આવશે.
બીજો દિવસ (31 જાન્યુઆરી 2026): બીજા દિવસે ત્રિશુલ યાત્રા અને પાદુકા યાત્રાનું આયોજન છે. આ ઉપરાંત, શક્તિપીઠ સંકુલમાં પવિત્ર શક્તિ યાગ એટલે કે યજ્ઞ કરવામાં આવશે અને પરિક્રમા સ્પર્ધા પણ યોજાશે.
ત્રીજો દિવસ (01 ફેબ્રુઆરી 2026): મહોત્સવના છેલ્લા દિવસે જ્યોત યાત્રા, ચામર યાત્રા અને ભવ્ય મશાલ યાત્રા નીકળશે, જેની સાથે આ ધાર્મિક ઉત્સવનું સમાપન થશે.
યાત્રાળુઓ માટે ખાસ સુવિધાઓ

લાખોની સંખ્યામાં આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મફત ભોજન: શ્રદ્ધાળુઓ માટે અંબિકા ભોજનાલય, GMDC ગ્રાઉન્ડ, માંગલ્યવન, RTO સર્કલ અને આર્ટસ કોલેજ ખાતે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા રહેશે.
રોશનીનો શણગાર: રાત્રિના સમયે ગબ્બર પર્વત અને પરિક્રમા માર્ગ રોશનીથી ઝળહળી ઉઠશે, જે નજારો જોવા જેવો હશે.
સાંસ્કૃતિક કાર્યક્રમો: ગુજરાતની પરંપરાને ઉજાગર કરતા આદિવાસી નૃત્યો, ઢોલ-નગારા અને લોક કલાકારોના કાર્યક્રમો ભક્તોનું મનોરંજન કરશે.
વડાપ્રધાન મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ

તમને જણાવી દઈએ કે, આ શક્તિપીઠ પરિક્રમા પ્રોજેક્ટનું ભૂમિપૂજન વર્ષ 2008માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું અને 2014માં તેનું લોકાર્પણ થયું હતું. આજે આ સ્થળ દુનિયાભરના પ્રવાસીઓ અને ભક્તો માટે એક મોટું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. તો જો તમે પણ મા અંબાના આશીર્વાદ લેવા માંગતા હોવ, તો આ તારીખો નોંધી લેજો અને અંબાજી આવવાનું ચૂક્શો નહીં.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!