અમદાવાદ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકની ઝંઝટ ખતમ, રાજ્યનો પહેલો 8 લેન હાઈવે મંજૂર, કલોલ પર બનશે 6 કિમી લાંબો સ્પેશિયલ બ્રિજ

અમદાવાદ અને ઉત્તર ગુજરાત વચ્ચેની મુસાફરી હવે બનશે સુપરફાસ્ટ! રાજ્ય સરકારે રૂ. 2630 કરોડના ખર્ચે અમદાવાદ-મહેસાણા હાઈવેને 8 લેન બનાવવાની મંજૂરી આપી છે. જાણો ક્યાં બનશે નવા ફ્લાયઓવર અને અંડરપાસ.

ગાંધીનગર, ગુરૂવાર
અમદાવાદ અને ઉત્તર ગુજરાત વચ્ચે રોજબરોજ મુસાફરી કરતા લાખો વાહનચાલકો માટે રાજ્ય સરકાર તરફથી એક મોટા રાહતના સમાચાર આવ્યા છે. વારંવાર સર્જાતા ટ્રાફિક જામ અને અકસ્માતોની સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ-મહેસાણા હાઈવેને 8 લેન (આઠ માર્ગીય) બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ રાજ્યનો સૌથી પહેલો 8 લેન હાઈવે બનશે.

રૂ. 2630 કરોડના ખર્ચે હાઈવેનું નવિનીકરણ
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કેબિનેટ બેઠક બાદ માહિતી આપતા જણાવ્યું હતું કે, અડાલજથી શરૂ કરીને મહેસાણાના પાલાવાસણા સર્કલ સુધીના 51.60 કિલોમીટર લાંબા રોડને પહોળો કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે સરકારે રૂ. 2630 કરોડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ રોડ 1999માં ફોર લેન (ચાર માર્ગીય) બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે રોજના 1 લાખથી વધુ વાહનોની અવરજવરને કારણે અહીં ટ્રાફિકની ગંભીર સમસ્યા રહે છે.

કલોલની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ: 6 કિમી લાંબો એલિવેટેડ કોરિડોર
અમદાવાદથી મહેસાણા જતા વાહનચાલકોને સૌથી વધુ સમય કલોલ ક્રોસ કરવામાં લાગે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે કલોલ શહેરમાંથી પસાર થતા ટ્રાફિક માટે એક ખાસ આયોજન કર્યું છે. કલોલના ટ્રાફિકને બાયપાસ કરવા માટે 6.10 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર (લાંબો બ્રિજ) બનાવવામાં આવશે. જેથી હાઈવે પર જતાં વાહનો સીધા બ્રિજ ઉપરથી પસાર થઈ જશે અને તેમને કલોલના લોકલ ટ્રાફિકનો સામનો કરવો નહીં પડે. આ ઉપરાંત હાઈવેની બંને બાજુએ 7 મીટર પહોળા સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે.

ક્યાં બનશે નવા બ્રિજ અને અંડરપાસ?
મુસાફરીને નોન-સ્ટોપ બનાવવા માટે આખા રૂટ પર કુલ 8 ફ્લાયઓવર અને 8 અંડરપાસ બનાવવામાં આવશે. તેનું આયોજન નીચે મુજબ છે:
ફ્લાયઓવર: શેરથા ખાતે 2, રાજપુર ભાસરીયા, જગુદણ અને મેવડ ખાતે 1-1 નવો ફ્લાયઓવર બનશે. જ્યારે કલોલ-છત્રાલના હયાત ફ્લાયઓવરને પહોળો કરીને 8 લેન કરવામાં આવશે.
અંડરપાસ: શેરથા પાસે 2, ઈફકો કલોલ પાસે 1, કલોલ શહેરમાં 2, છત્રાલ પાસે 1 અને નંદાસણ-ગણેશપુરા પાસે 1-1 અંડરપાસ તૈયાર કરવામાં આવશે.
આ ઉપરાંત કલોલમાં રેલવે ઓવર બ્રિજ (ROB)ની બાજુમાં નવો 4 લેન બ્રિજ પણ બનાવવામાં આવશે.

પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે?
માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામ શરૂ થશે અને અંદાજે 2 વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પૂરો થવાથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના વેપાર અને પરિવહનને મોટો વેગ મળશે. રાજ્યસભા સાંસદ મયંક નાયકે પણ આ પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો છે.

અન્ય મહત્વના નિર્ણયો
કેબિનેટ બેઠકમાં હાઈવે ઉપરાંત બીજા પણ કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા:
ગામડાના રસ્તા: પ્રધાનમંત્રી ગ્રામ વિકાસ યોજના હેઠળ રાજ્યમાં 2000 કિમીના નવા રોડ બનાવવામાં આવશે, જેના માટે અંદાજે રૂ. 2600 કરોડનો ખર્ચ થશે.
સહકારી મંડળી ચૂંટણી: રાજ્યમાં અત્યારે SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન) પ્રક્રિયા ચાલુ હોવાથી સહકારી મંડળીઓની ચૂંટણીઓ હાલ પૂરતી 6 મહિના માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!