કેન્દ્ર સરકારના અર્બન ચેલેન્જ ફંડ (UCF) હેઠળ અમદાવાદના ડ્રેનેજ, વોટર મેનેજમેન્ટ અને હાઇટેક પબ્લિક ટ્રાન્સપોર્ટના 6 સ્માર્ટ પ્રોજેક્ટ્સને મળી મંજૂરી.

ઝડપથી વિસ્તરી રહેલા અમદાવાદ શહેરની ઓળખ હવે માત્ર ઐતિહાસિક વારસા કે ઉદ્યોગો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ આ મહાનગર હવે વૈશ્વિક ફલક પર એક ટકાઉ (Sustainable) સ્માર્ટ સિટી તરીકે આકાર લઈ રહ્યું છે. વધતી જતી વસ્તીના દબાણ અને શહેરીકરણના આધુનિક પડકારોનો સામનો કરવા માટે પરંપરાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટૂંકું પડી રહ્યું છે. આવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી ‘અર્બન ચેલેન્જ ફંડ’ (UCF) થકી અમદાવાદને એક જબરદસ્ત આર્થિક બૂસ્ટર મળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા અમદાવાદની કાયાપલટ કરવા માટે 6 જેટલા ડ્રીમ પ્રોજેક્ટ્સ અંતર્ગત કુલ રૂપિયા 2719.60 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
ડ્રેનેજ અને વોટર નેટવર્કનું થશે ડિજિટલ મોનિટરિંગ
ચોમાસા દરમિયાન ગટર ઉભરાવાની કે જૂની પાઈપલાઈનો લીક થવાની સમસ્યા અમદાવાદના કેટલાક વિસ્તારો માટે લાંબા સમયથી માથાનો દુખાવો બનેલી છે. આ પ્રશ્નને જડમૂળથી નાબૂદ કરવા માટે મંજૂર થયેલા ફંડનો સૌથી મોટો હિસ્સો ફાળવવામાં આવ્યો છે. પશ્ચિમ અને પૂર્વ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના આધુનિકીકરણ માટે અનુક્રમે રૂપિયા 852.93 કરોડ અને રૂપિયા 551.13 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જ્યારે અન્ય જૂના વિસ્તારોના ડ્રેનેજ નેટવર્ક માટે રૂપિયા 290.24 કરોડ ફાળવાયા છે. આ આખી વ્યવસ્થાને અપગ્રેડ કરવાની સાથે રૂપિયા 215 કરોડના ખર્ચે ‘ઈન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ’ અમલી બનશે, જેનાથી પાણી અને ગટરની લાઈનોનું રિયલ-ટાઇમ ડિજિટલ મોનિટરિંગ કરવું શક્ય બનશે.
કચરામાંથી ગ્રીન એનર્જી અને સર્ક્યુલર ઈકોનોમીનું મોડલ
શહેરમાંથી દરરોજ નીકળતા ટનબંધ ગંદા કાદવ-કચરા (સ્લજ)નો પર્યાવરણને અનુકૂળ નિકાલ કરવા માટે પણ એક મોટો પ્લાન તૈયાર કરાયો છે. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં રૂપિયા 479.25 કરોડના ખર્ચે 125 TPD (ટન પ્રતિ દિન)ની ક્ષમતા ધરાવતી ‘ઈન્ટીગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ ફેસીલીટી’ સ્થાપવામાં આવશે. આ અત્યાધુનિક પ્રોજેક્ટના માધ્યમથી કચરામાંથી બાયોગેસ અને ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવામાં આવશે. આ નવીન પહેલ અમદાવાદને વેસ્ટ-ટુ-વેલ્થ એટલે કે કચરામાંથી કંચન બનાવવાની દિશામાં આગળ ધપાવીને દેશમાં સર્ક્યુલર ઈકોનોમીનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડશે.
વન કાર્ડ સિસ્ટમ અને એઆઈ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ
શહેરના જાહેર પરિવહનને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવા માટે રૂપિયા 331.03 કરોડના ખર્ચે ઈન્ટીગ્રેટેડ ટ્રાન્ઝીટ મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) અને ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમ (AFCS) લાગુ કરાશે. આ ટેક્નોલોજીના આગમન બાદ અમદાવાદીઓ AMTS, BRTS અને મેટ્રો ટ્રેનમાં માત્ર એક જ ‘કોમન મોબિલિટી કાર્ડ’ ની મદદથી મુસાફરી કરી શકશે. આ ઉપરાંત, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને બસોના રૂટનું આયોજન વધુ સચોટ બનાવાશે અને મુસાફરોની, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે બસોમાં હાઇટેક સર્વેલન્સ સિસ્ટમ ગોઠવવામાં આવશે.
પ્રોજેક્ટનું આર્થિક ગણિત અને ફંડિંગ પેટર્ન
કેન્દ્ર સરકારની આ મહત્વકાંક્ષી યોજના મુખ્યત્વે માર્કેટ આધારિત ધિરાણ પર કેન્દ્રિત છે, જેમાં દેશભરમાં 5 વર્ષ માટે રૂપિયા 1 લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ યોજના હેઠળ ગુજરાતને કુલ રૂપિયા 6475 કરોડની કેન્દ્રીય સહાય મળી છે, જેના આધારે સમગ્ર રાજ્યમાં રૂપિયા 25900 કરોડના વિકાસકામો હાથ ધરાશે. અમદાવાદના આ 6 પ્રોજેક્ટ્સ માટે 25:25:50 નું આર્થિક મોડલ નક્કી કરાયું છે, જે મુજબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અનુક્રમે રૂપિયા 679.95 કરોડ અને રૂપિયા 679.95 કરોડની સહાય આપશે, જ્યારે બાકીના 50 ટકા એટલે કે અંદાજે રૂપિયા 1359.90 કરોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મ્યુનિસિપલ બોન્ડ, લોન અથવા પીપીપી (PPP) મોડલ દ્વારા એકત્ર કરાશે.
ભવિષ્યના પડકારો સામે સજ્જ થતું ફ્યુચર-રેડી સિટી
આ પ્રોજેક્ટ્સ માત્ર કાગળ પરના આંકડા નથી, પરંતુ અમદાવાદના નાગરિકોના રોજિંદા જીવનધોરણને વૈશ્વિક કક્ષાનું બનાવવાની એક મજબૂત બ્લુપ્રિન્ટ છે. ‘ક્રિએટિવ રિડેવલપમેન્ટ ઓફ સીટીઝ’ અને ‘વોટર એન્ડ સેનિટેશન’ જેવા ક્ષેત્રો હેઠળ મંજૂર થયેલા આ કામો પારદર્શિતા અને આધુનિક ટેક્નોલોજીનો અદ્ભુત સંગમ સાબિત થશે. જ્યારે આ તમામ વિકાસકામો જમીની સ્તરે પૂર્ણ થશે, ત્યારે અમદાવાદ રિયલ-ટાઇમ ડેટા કલેક્શન, ગ્રીન એનર્જી અને એઆઈ-સંચાલિત ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી સજ્જ એક અત્યાધુનિક ‘ફ્યુચર-રેડી સિટી’ તરીકે દેશભરમાં નાગરિક કેન્દ્રિત વિકાસ (Citizen-Centric Development) નું નવું મોડલ સ્થાપિત કરશે.











