ભારત-ફ્રાન્સ સંબંધો: PM મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે કરી વાતચીત, યુક્રેન સહિત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે તાજેતરમાં થયેલી વાતચીત રશિયા-યુક્રેન યુદ્ધ અને અમેરિકા-ભારત વચ્ચેના ટેરિફ તણાવ વચ્ચે શું મહત્વ ધરાવે છે? જાણો આ બન્ને નેતાઓ વચ્ચે થયેલી ચર્ચાની મુખ્ય વાતો અને તેના આંતરરાષ્ટ્રીય રાજનીતિ પરના સંભવિત પ્રભાવો વિશે.

નવી દિલ્હી, રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ટેલિફોન પર વાતચીત કરી. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને અમુક અંશે તણાવ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં, આ વાતચીતને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવે છે.

પીએમ મોદીએ પોતે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વાતચીત વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ મેક્રોન સાથેની તેમની વાતચીત ખૂબ જ સારી રહી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી અને તેનું સકારાત્મક મૂલ્યાંકન પણ કર્યું.

આ વાતચીતમાં સૌથી મહત્વનો મુદ્દો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હતો. પીએમ મોદીએ આ યુદ્ધનો જલ્દી અંત લાવવા પર ભાર મૂક્યો. આ બાબત દર્શાવે છે કે ભારત વૈશ્વિક શાંતિ અને સ્થિરતાને કેટલી ગંભીરતાથી જુએ છે. આ વાતચીતમાં બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.

ઉલ્લેખનીય છે કે, એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ છે અને બંને વખતે યુક્રેનનો મુદ્દો ચર્ચામાં રહ્યો. આ પહેલા, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ વાતચીત કરી ચૂક્યા છે. અલાસ્કામાં થયેલી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક બાદ આ રાજકીય ગતિવિધિઓ વધુ મહત્વપૂર્ણ બની જાય છે.

પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં ભાર-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વ પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આ ભાગીદારી વૈશ્વિક શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી રહેશે. આ સંજોગોમાં, ભારત માટે ફ્રાન્સ એક વિશ્વસનીય અને વ્યૂહાત્મક પાર્ટનર તરીકે ઉભરી રહ્યું છે, ખાસ કરીને જ્યારે અમેરિકા સાથેના સંબંધોમાં અમુક અંશે તણાવ જોવા મળી રહ્યો છે. આ વાતચીત ભારત અને ફ્રાન્સ વચ્ચેના મજબૂત સંબંધો અને પરસ્પર વિશ્વાસનું પ્રતિબિંબ છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!