અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા માટે IIT ગાંધીનગર દ્વારા ડિમોલિશન મેથડોલોજીને મંજૂરી મળી ગઈ છે. મુંબઈની કંપની દ્વારા 3.90 કરોડના ખર્ચે આ કામગીરી હાથ ધરવામાં આવશે. જાણો સંપૂર્ણ પ્લાન અને લેટેસ્ટ અપડેટ.

અમદાવાદ, ગુરૂવાર
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા અને લાંબા સમયથી વિવાદનું કેન્દ્ર બનેલા હાટકેશ્વર બ્રિજ (છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવર)ને તોડી પાડવાનો રસ્તો હવે સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. શહેરના નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપતા, આખરે IIT ગાંધીનગર દ્વારા બ્રિજના ડિમોલિશન માટેની મેથડોલોજીને સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામાં આવી છે.
આધુનિક ટેકનોલોજીથી થશે ડિમોલિશન
આ સમગ્ર કામગીરીનો કોન્ટ્રાક્ટ મુંબઈ સ્થિત શ્રી ગણેશ કન્સ્ટ્રકશનને 3.90 કરોડ રૂપિયાના ખર્ચે સોંપવામાં આવ્યો છે. IIT ગાંધીનગર દ્વારા મંજૂર કરાયેલ પ્લાન મુજબ, બ્રિજને તોડવા માટે અત્યાધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે.
ડિમોલિશન પ્રક્રિયામાં, સૌ પ્રથમ બ્રિજના મુખ્ય સ્પાન (ગાળા) નીચે ક્રિબ્સ અને ટ્રેસલ્સ જેવી ટેમ્પરરી સપોર્ટ સિસ્ટમ ગોઠવવામાં આવશે. ત્યારબાદ, કેન્ટીલેવર ભાગોને અલગ-અલગ સેગમેન્ટમાં કાપવા માટે ડાયમંડ કટર મેથડનો ઉપયોગ કરાશે, જેથી આસપાસના વિસ્તારમાં કોઈ નુકસાન ન થાય અને કામગીરી સલામત રીતે પૂર્ણ કરી શકાય.
કામગીરી ચાલુ, ટ્રાફિક ડાયવર્ટ કરાયો
ડિમોલિશનની કામગીરી હાલમાં પ્રગતિમાં છે. કોન્ટ્રાક્ટર દ્વારા અત્યાર સુધીમાં બ્રિજ પરથી 8590 ચોરસ મીટર જેટલો બીટુમીન વેરીંગ કોટ (ડામરનું પડ) હટાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ખોખરા તરફના ભાગમાં આવેલી આશરે 35 મીટર લાંબી RCC વોલ અને CTM તરફના રસ્તા પર 20 મીટર જેટલું ક્રેશ બેરિયર પણ તોડી પાડવામાં આવ્યું છે.
નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, બ્રિજ અને તેની આસપાસના રસ્તાઓ વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. વાહનચાલકોને કોઈ અગવડ ન પડે તે માટે વૈકલ્પિક રૂટ સૂચવતા દિશાસૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આસપાસના રહેવાસીઓ અને વેપારીઓની સલામતી માટે સર્વિસ રોડ પર બેરિકેડિંગ અને ગ્રીન નેટ લગાવીને કામગીરી કરવામાં આવી રહી છે.











