હિન્દુ ઉત્તરાધિકાર કાયદાની કલમ 15(1)(b)ને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. જાણો લગ્ન પછી મહિલાના ગોત્ર બદલવા અને તેની પ્રોપર્ટી પર પતિના વારસદારોના હક અંગે કોર્ટે શું કહ્યું.

નવી દિલ્હી, ગુરૂવાર
સુપ્રીમ કોર્ટમાં હાલ એક ખૂબ જ મહત્વના કેસ પર સુનાવણી ચાલી રહી છે, જે હિન્દુ મહિલાઓના પ્રોપર્ટી રાઇટ્સ સાથે જોડાયેલો છે. આ કેસ હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 ની કલમ 15(1)(b) ની બંધારણીયતાને પડકારે છે. આ કાયદા મુજબ, જો કોઈ હિન્દુ મહિલા વસિયત (Will) બનાવ્યા વગર મૃત્યુ પામે અને તેના પતિ કે બાળકો ન હોય, તો તેની પોતાની માલિકીની સંપત્તિ તેના પતિના વારસદારોને મળે છે, તેના પિયર પક્ષના લોકોને નહીં. આ લીગલ પ્રોવિઝનને કોર્ટમાં પડકારવામાં આવ્યું છે.
‘હિન્દુ સમાજની વ્યવસ્થા સમજવી જરૂરી’ – કોર્ટની ટિપ્પણી
આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ બી.વી. નાગરત્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે હિન્દુ સમાજની પરંપરાઓ પર કેટલીક મહત્વની કોમેન્ટ્સ કરી હતી. જસ્ટિસ નાગરત્નાએ ભારપૂર્વક કહ્યું, “આ હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ છે. ‘હિન્દુ’ શબ્દનો અર્થ શું છે અને આપણો સમાજ કઈ રીતે કામ કરે છે, તે સમજવું ખૂબ જ જરૂરી છે.”
કોર્ટે કન્યાદાન અને ગોત્ર જેવી પરંપરાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “હિન્દુ સમાજમાં જ્યારે દીકરીના લગ્ન થાય છે, ત્યારે ‘કન્યાદાન’ કરવામાં આવે છે. આ પછી સ્ત્રીનું ગોત્ર તેના પતિના ગોત્ર સાથે જોડાઈ જાય છે, તેનું નામ બદલાય છે અને તેની સંપૂર્ણ જવાબદારી તેના પતિ અને સાસરિયાંની બની જાય છે.” કોર્ટે સ્પષ્ટ કર્યું કે લગ્ન પછી મહિલા તેના પતિના પરિવારનો હિસ્સો બને છે અને ભરણપોષણ (Maintenance) નો દાવો પણ તે ફક્ત તેના પતિ પાસે જ કરી શકે છે, પોતાના ભાઈ કે પિતા પાસે નહીં.
અરજદારોની દલીલ અને કોર્ટનો જવાબ
આ કેસમાં અરજદારો તરફથી હાજર રહેલા સિનિયર વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે આ કાયદો મહિલાઓના ગૌરવની વિરુદ્ધ છે અને ભેદભાવપૂર્ણ છે. તેમણે સવાલ ઉઠાવ્યો, “જો કોઈ પુરુષ વસિયત વિના મૃત્યુ પામે, તો તેની સંપત્તિ તેના પોતાના પરિવારને મળે છે. તો પછી એક મહિલાની સંપત્તિ (જેના બાળકો ન હોય) કેમ ફક્ત તેના પતિના પરિવારને જ મળવી જોઈએ?”
જોકે, કોર્ટે હજારો વર્ષોથી ચાલી આવતી સામાજિક પ્રથાઓમાં સીધો ન્યાયિક હસ્તક્ષેપ કરવા સામે ચેતવણી આપી. કોર્ટે કહ્યું, “અમે નથી ઈચ્છતા કે હજારો વર્ષોથી ચાલી આવતી કોઈ વ્યવસ્થા અમારા એક નિર્ણયથી તૂટી જાય.” કોર્ટે એમ પણ ઉમેર્યું કે જો કોઈ મહિલા ઈચ્છે તો તે હંમેશા પોતાની પ્રોપર્ટી કોને આપવી તે માટે વસિયત બનાવી શકે છે.
મામલો મેડિએશન સેન્ટરમાં મોકલાયો
અંતે, સુપ્રીમ કોર્ટે આ મેટરને વધુ સુનાવણી માટે સુપ્રીમ કોર્ટના મેડિએશન સેન્ટર (મધ્યસ્થતા કેન્દ્ર) માં મોકલ્યો છે, જેથી બંને પક્ષો પરસ્પર સહમતિથી કોઈ સમાધાન શોધી શકે. જોકે, આ કાયદાના બંધારણીય મુદ્દાઓ પર કોર્ટની વિચારણા ચાલુ રહેશે. આ કેસનો ચુકાદો ભવિષ્યમાં હિન્દુ મહિલાઓના ઉત્તરાધિકારના કાયદા પર મોટી અસર કરી શકે છે.











