હોર્મુઝની ખાડીમાંથી દુશ્મનોને ચકમો આપી મુંબઈ પહોંચ્યું શેનલોંગ જહાજ: દેશમાં LPG અને પેટ્રોલ-ડીઝલની અછત થશે દૂર

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે સાઉદીથી 1,35,335 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને શેનલોંગ જહાજ મુંબઈ પહોંચ્યું. આનાથી ભારતમાં LPG અને પેટ્રોલ-ડીઝલની અછત દૂર થશે.

નવી દિલ્હી, શનિવાર
28 ફેબ્રુઆરીથી અમેરિકા અને ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની સીધી અસર દુનિયાભરના તેલ પુરવઠા પર પડી છે. પરંતુ, આ વૈશ્વિક ટેન્શન વચ્ચે ભારત માટે એક ખૂબ જ સારા અને રાહત આપનારા સમાચાર આવ્યા છે. સાઉદી અરેબિયાથી 1,35,335 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ (કાચું તેલ) ભરીને નીકળેલું લાઈબેરિયન જહાજ શેનલોંગ (Shenlong) હેમખેમ મુંબઈ બંદરે પહોંચી ગયું છે.

દુશ્મનોને ચકમો આપીને ભારત પહોંચ્યું જહાજ
આ જહાજની સફર ખૂબ જ રોમાંચક અને જોખમી હતી. છેલ્લા 2 અઠવાડિયાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની ખાડી) પાર કરવી જીવના જોખમ સમાન હતી. આ સંકટમાંથી બચવા માટે ભારતીય કેપ્ટન સુક્ષાંત સિંહ સંધુ અને તેમના 29 ક્રૂ મેમ્બરોએ સ્માર્ટ પ્લાન બનાવ્યો. હુમલાખોરો તેમને ટ્રેક ન કરી શકે તે માટે તેમણે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થતી વખતે જહાજની ટ્રેકિંગ સિસ્ટમ જ બંધ કરી દીધી હતી. જોખમી વિસ્તાર પાર કરીને આ જહાજ હવે મુંબઈના જવાહર દ્વીપ પર સુરક્ષિત રીતે લાંગરવામાં આવ્યું છે.

દેશમાં LPG અને ઇંધણની સમસ્યા ઉકેલાશે
આ ક્રૂડ ઓઇલ ભરેલા જહાજના આવવાથી દેશના સામાન્ય નાગરિકોને મોટો ફાયદો થશે. હાલમાં જે તેલ અને ખાસ કરીને રાંધણ ગેસ (LPG) સિલિન્ડરના સપ્લાયમાં અછતનો ડર હતો, તેમાં મોટી રાહત મળશે. જવાહર દ્વીપ પરથી આ કાચું તેલ મુંબઈના માહુલ વિસ્તારમાં આવેલી રિફાઇનરીમાં મોકલવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યાં પ્રોસેસિંગ કરીને તેમાંથી પેટ્રોલ, ડીઝલ અને ગેસ બનાવવામાં આવશે, જેથી દેશની ઊર્જા સુરક્ષા જળવાઈ રહે.

કંડલા આવતા જહાજ પર હુમલો અને 28 જહાજો ફસાયા
જોકે, એક તરફ રાહતના સમાચાર છે, તો બીજી તરફ કેટલીક ચિંતાજનક બાબતો પણ સામે આવી છે, એક તરફ શેનલોંગ સુરક્ષિત પહોંચ્યું છે, પરંતુ હજુ પણ ભારતના 28 જેટલા જહાજો આ ખતરનાક યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા છે. આ દરમિયાન એક ચિંતાજનક ઘટના બની છે. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) થી ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહેલા થાઈલેન્ડના જહાજ મયુરી નારી પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાને ભારત સરકારના વિદેશ મંત્રાલયે ખૂબ જ ગંભીરતાથી લીધી છે. મંત્રાલયે વ્યાપારી જહાજો પર થતા આવા હુમલાઓની આકરી નિંદા કરી છે.

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને હિંસા વચ્ચે ભારત સરકાર સંપૂર્ણ એલર્ટ છે અને પોતાના અન્ય ફસાયેલા જહાજોની સુરક્ષા માટે સતત નજર રાખી રહી છે. હાલ પૂરતું, શેનલોંગ જહાજ સુરક્ષિત ભારતમાં આવી જવાથી દેશની ઇંધણ જરૂરિયાતોને મોટો ટેકો મળ્યો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!