સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ચૂંટણી પંચની ‘SIR’ પ્રક્રિયા સંપૂર્ણપણે કાયદેસર, જાણો વોટર લિસ્ટ અને નાગરિકતા પર કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની SIR પ્રક્રિયાને કાયદેસર ગણાવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે વોટર લિસ્ટ અપડેટ કરવું નિષ્પક્ષ ચૂંટણીનો આધાર છે. જાણો ચુકાદાની મોટી વાતો.

નવી દિલ્હી, બુધવાર
ભારતની સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના SIR કરવાના અધિકાર પર એક મોટો અને મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, બંધારણ અને જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ ચૂંટણી પંચને SIR પ્રક્રિયા હાથ ધરવાનો પૂરો અધિકાર છે.

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાન્ત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે અરજીઓની સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે તપાસ્યું કે શું ચૂંટણી પંચ પાસે બંધારણની કલમ 326 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 હેઠળ આ પ્રક્રિયા કરવાની સત્તા છે કે નહીં. ચુકાદાની સાથે કોર્ટે ચૂંટણી પંચને એવો પણ આદેશ આપ્યો છે કે, ‘શંકાસ્પદ નાગરિકતા’ ના આધારે જે લોકોના નામ વોટર લિસ્ટમાંથી (મતદાર યાદી) હટાવવામાં આવ્યા છે, તેમનું લિસ્ટ 4 અઠવાડિયાની અંદર કેન્દ્ર સરકારને મોકલવામાં આવે.

આવો જાણીએ સુપ્રીમ કોર્ટના આ મોટા ચુકાદાની મુખ્ય વાતો:

વોટર લિસ્ટ અપડેટ કરવું એ બંધારણીય ફરજ છે
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, SIR પ્રક્રિયા દ્વારા ચૂંટણી પંચે પોતાની મર્યાદા બહાર જઈને કામ કર્યું છે તેવું કહેવું બિલકુલ ખોટું છે. મતદાર યાદીને સતત અપડેટ કરતા રહેવું એ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીનો એક ભાગ છે અને તે પંચની બંધારણીય ફરજ છે. માત્ર પ્રક્રિયા અલગ હોવાના કારણે તેને કાયદાની વિરુદ્ધ ગણી શકાય નહીં.

દસ્તાવેજો માંગવાનો અર્થ નાગરિકતા છીનવવી નથી
કોર્ટે કહ્યું કે SIR પ્રક્રિયામાં કોઈ જ ખામી નથી. લોકોને પોતાની માહિતી આપવા, સુધારવા અને વાંધો ઉઠાવવાની પૂરતી તક આપવામાં આવે છે. જો મતદાતાઓ પાસે કોઈ દસ્તાવેજ માંગવામાં આવે, તો તેનો અર્થ એવો નથી થતો કે તેમને દેશના નાગરિક નથી માનવામાં આવતા. ચૂંટણી માત્ર વોટ આપવા પૂરતી સીમિત નથી, પરંતુ સાચું અને ભરોસાપાત્ર વોટર લિસ્ટ તેનો મુખ્ય પાયો છે.

ચૂંટણી પંચ પાસે નામ કાપવા કે ઉમેરવાનો અધિકાર
જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 ની કલમ 16 હેઠળ ચૂંટણી પંચને મતદાર યાદી સુધારવાનો પૂરો અધિકાર છે. જો હાજર દસ્તાવેજોના આધારે કોઈની નાગરિકતા પર શંકા જાય, તો પંચ તેનું નામ વોટર લિસ્ટમાંથી કાઢી શકે છે. જોકે, આ સમગ્ર પ્રક્રિયા ન્યાયિક સમીક્ષાના દાયરામાં આવે છે.

નાગરિકતા નક્કી કરવાનું કામ ચૂંટણી પંચનું નથી
સુપ્રીમ કોર્ટે બહુ મોટી વાત કરતા કહ્યું કે, ચૂંટણી પંચનું કામ માત્ર મતદાર યાદીને સાચી અને શુદ્ધ રાખવાનું છે. કોઈ વ્યક્તિ દેશનો નાગરિક રહેશે કે નહીં, તે નક્કી કરવાનું કામ ચૂંટણી પંચનું નથી. વોટર લિસ્ટથી કોઈની નાગરિકતા નક્કી થતી નથી.

આધાર કાર્ડને લઈને અપાયો હતો મહત્વનો નિર્દેશ
ગયા વર્ષે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો હતો કે, વોટર લિસ્ટમાં નામ નોંધાવવા માટે આધાર કાર્ડને ઓળખના ’12મા દસ્તાવેજ’ તરીકે માન્ય રાખવામાં આવે. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આધાર કાર્ડ એ નાગરિકતાનો પુરાવો નથી અને અધિકારીઓ તેની સત્યતાની તપાસ કરી શકે છે.

ક્યાં ક્યાં પૂરી થઈ ચૂકી છે SIR પ્રક્રિયા?
નોંધનીય છે કે, કોર્ટે 29 જાન્યુઆરીના રોજ આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ પ્રક્રિયા પર કોઈ રોક લગાવી નથી. હાલમાં બિહાર, કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. જ્યારે ગુજરાત, રાજસ્થાન અને યુપી જેવા રાજ્યોમાં તે ચાલી રહી છે.

જૂન 2025 માં બિહારમાં SIR કરવાના ચૂંટણી પંચના નિર્ણય બાદ આ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીકર્તાઓમાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR), યોગેન્દ્ર યાદવ, મહુઆ મોઇત્રા, મનોજ ઝા, કેસી વેણુગોપાલ અને સુપ્રિયા સુલે જેવા મોટા રાજકીય નામો સામેલ હતા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!