અમદાવાદમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતાં હાહાકાર: ગોતા-થલતેજમાં 1000 થી વધુ લોકો બીમાર, AMCની ઘોર બેદરકારી

અમદાવાદના મુખ્યમંત્રીના મતવિસ્તાર ઘાટલોડિયા, ગોતા અને થલતેજમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતા 1000 થી વધુ લોકો ઝાડા-ઉલટીનો શિકાર બન્યા છે. AMC ની બેદરકારીથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ, બુધવાર
અમદાવાદ શહેરના વીઆઈપી ગણાતા અને ખુદ રાજ્યના મુખ્યમંત્રીના વિધાનસભા મતવિસ્તાર એવા ઘાટલોડિયામાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે. ઘાટલોડિયા વિસ્તારના ગોતા અને થલતેજ વોર્ડમાં પીવાના પાણીની લાઇનમાં ગટરનું ગંદુ પાણી ભળી જતાં વિસ્તારમાં ઝાડા-ઉલટીના કેસોનો રાફડો ફાટ્યો છે. ઘેર-ઘેર બીમારીના ખાટલા જોવા મળતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

આકાંક્ષા એપાર્ટમેન્ટમાં 700 લોકો બીમાર, હોસ્પિટલો ઉભરાઈ
ગોતા વોર્ડમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં સ્થિતિ સૌથી વધુ વણસી છે. અહીં એકસાથે અંદાજિત 700 જેટલા લોકોને ઝાડા-ઉલટી થઈ ગયા છે.સ્થિતિ એટલી ગંભીર બની કે સોસાયટીની બે મહિલાઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવી પડી. આ ઉપરાંત આસપાસની ખાનગી હોસ્પિટલોમાં પણ 30 થી 40 લોકો દાખલ છે.સ્થાનિકો હવે પીવા માટે બહારથી પાણીના બાટલા મંગાવવા મજબૂર બન્યા છે.

થલતેજ વોર્ડમાં પણ રોગચાળો વકર્યો
મેયરના પોતાના વિસ્તાર એવા થલતેજ વોર્ડમાં આવેલા નવરત્ન એવન્યુના રહીશોએ દાવો કર્યો છે કે છેલ્લા 4 દિવસથી આવતા દૂષિત પાણીના કારણે ત્યાં 200 જેટલા લોકો બીમાર પડ્યા છે. આ ઉપરાંત થલતેજમાં જ આવેલા વિનાયક બંગલોઝમાં પણ 50 લોકો ઝાડા-ઉલટીનો શિકાર બન્યા છે.

AMC ની ઘોર બેદરકારી: ફરિયાદ કરવા છતાં ફોન કાપી નાખ્યા
સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 4 દિવસથી કોર્પોરેશન (AMC) ને સતત ફરિયાદો કરવામાં આવી રહી હતી. પરંતુ અધિકારીઓ ‘ફરિયાદ નોંધીશું’ તેવું કહીને ફોન કાપી નાખતા હતા. સોસાયટીમાં આટલા બધા લોકો બીમાર હોવા છતાં AMC માંથી કોઈ ડોકિયું કરવા પણ આવ્યું ન હતું. વિસ્તારના 4 કોર્પોરેટરોમાંથી કોઈએ પણ લોકોની મુલાકાત લેવાની તસ્દી લીધી ન હતી.

જનતાનગર પાસે લીકેજ, છતાં AMC કહેતું હતું ‘બધું ઓલરાઇટ છે’
આકાંક્ષા ફ્લેટના સેક્રેટરી સનદભાઈએ તંત્રની પોલ ખોલતા જણાવ્યું હતું કે, શુક્રવારે પાણીમાં ગડબડ લાગતા ચેરમેન અને સેક્રેટરીએ જાતે ચેકિંગ કર્યું, જેમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાનું પકડાયું હતું.

તાત્કાલિક પાણી પુરવઠા વિભાગને જાણ કરાઈ, પરંતુ તેમણે બેજવાબદારીપૂર્વક કહ્યું કે “પાણી ઓલરાઇટ છે, કોઈ કમ્પ્લેન નથી.” શનિવારે બપોરે પણ AMC એ આવો જ ઉડાઉ જવાબ આપ્યો હતો.બાદમાં સ્થાનિકોને જ ખબર પડી કે જનતાનગર પાસે કોઈ ભંગાણ પડ્યું છે, જ્યાં નર્મદાના પાણી સાથે ગટરનું પાણી મિક્સ થઈ રહ્યું છે.ભારે દબાણ બાદ શનિવારે રાત્રે 12 થી 3 વાગ્યાની વચ્ચે AMC દ્વારા કામગીરી કરવામાં આવી હતી. છતાં રવિવારે સવારે જે પાણી આવ્યું તેમાં ભારે દુર્ગંધ આવતી હતી.

મેયર દોડી આવ્યા અને આપ્યું આશ્વાસન
સ્થિતિ હાથમાંથી જતી જોઈને અને લોકોનો રોષ પારખીને મેયર હિતેશ બારોટ આકાંક્ષા ફ્લેટ ખાતે દોડી આવ્યા હતા. તેમણે બીમાર લોકો અને સ્થાનિક રહીશો સાથે વાતચીત કરી હતી અને આ ગંભીર સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપ્યું હતું.

મુખ્યમંત્રી અને મેયરના વિસ્તારમાં જ જો લોકોને પીવાનું શુદ્ધ પાણી ન મળતું હોય અને 1000 થી વધુ લોકો બીમાર પડી જતા હોય, તો તે સ્માર્ટ સિટીના દાવાઓ પર એક મોટો સવાલ ઊભો કરે છે. લોકો હવે માંગ કરી રહ્યા છે કે બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!