મણિપુરમાં 28 દિવસથી ગુમ 6 નાગા લોકોની નિર્દયતાથી હત્યા થતાં ફરી ભારે તણાવ. નાગા સંગઠનો દ્વારા 24 કલાકનું બંધ, હોસ્પિટલ બહાર હોબાળો. તપાસ NIA ને સોંપવામાં આવી.

મણિપુર, ગુરૂવાર
મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો વચ્ચે ફરી એકવાર હિંસાની આગ ભભૂકી ઉઠી છે. રાજ્યના કાંગપોકપી જિલ્લાના લેઇલોન વૈફેઈ ગામમાંથી છ લોકોના અત્યંત ખરાબ અને સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાને કારણે આખા રાજ્યમાં ફરીથી મોટો તણાવ ઊભો થયો છે. પ્રાથમિક માહિતી મુજબ, આ મૃતદેહો ગત 13 મે 2026 ના રોજ કોન્શાખુલથી પાછા ફરતી વખતે અપહરણ કરાયેલા છ નાગા નાગરિકોના હોવાની પૂરી શક્યતા છે.
કેવી રીતે મળ્યા મૃતદેહ?
માહિતી મળ્યા બાદ મણિપુર પોલીસ, CRPF અને આસામ રાઇફલ્સના આશરે 450 જવાનોની 15 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ સ્નિફર ડોગ્સ અને ફોરેન્સિક એક્સપર્ટની મદદથી સતત 24 કલાક સુધી જંગલો અને ગામડાઓમાં મોટું સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આખરે બુધવારે બપોરે આ 6 લાશો મળી આવી હતી. મૃતદેહો એટલી હદે સડી ગયા છે કે તેમને માત્ર જોઈને ઓળખવા અશક્ય છે. મણિપુર પોલીસે સોશિયલ મીડિયા (X) પર આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. હાલ સાચી ઓળખ માટે તમામ મૃતદેહોને ઇમ્ફાલની JNIMS અને RIMS હોસ્પિટલમાં DNA ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
હોસ્પિટલ બહાર ભારે હોબાળો અને ટીયર ગેસ
જેવા આ સમાચાર વાયુવેગે ફેલાયા, નાગા સમુદાયના લોકો અને પીડિતોના સંબંધીઓ ઇમ્ફાલની JNIMS અને RIMS હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા. જોતજોતામાં ભીડ ઉગ્ર બની ગઈ અને હોસ્પિટલને ઘેરી લીધી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે તાત્કાલિક બેરિકેડ્સ ગોઠવી દીધા અને ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. આ ઘટનાના પડઘા સેનાપતિ જિલ્લામાં પણ પડ્યા, જ્યાં બુધવારે સાંજે એક ઉગ્ર ટોળાએ બે ટ્રકોને આગ ચાંપી દીધી હતી. સદનસીબે, આ આગજનીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
શું હતો 13 મે નો આખો મામલો?
પરિવારજનોના જણાવ્યા અનુસાર, જે છ નાગા પુરુષો લાપતા હતા તેમના નામ નીચે મુજબ છે:
મનુ થિયુમાઈ
કેનપીબૌ
ફેનરોન્ગવી થિયુમાઈ
દિલીપ થિયુમાઈ
કાલિવાન્ગબૌ અબોનમાઈ
સીએચ ફેનરીલુંગ
આ તમામ લોકો 13 મેના રોજ કોન્શાખુલથી પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક ગાયબ થઈ ગયા હતા. વાસ્તવમાં, 13 મેના રોજ નોની અને કાંગપોકપી જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં ત્રણ પાદરીઓ સહિત ચાર લોકોની હત્યા થઈ હતી. આ પછી નાગા અને કુકી સમુદાય વચ્ચે વિવાદ વધ્યો અને બંને પક્ષે સામસામે 44 થી 48 લોકોને બંધક બનાવી લીધા.
મહિલાઓ અને બાળકોને પહેલા જ છોડી દેવાયા હતા. ત્યારબાદ, સરકારે મધ્યસ્થી કરીને નાગા લોકોને સુરક્ષિત પાછા લાવવાનો ભરોસો આપ્યો હતો. આ ભરોસાને માન આપીને નાગા સંગઠનોએ મંગળવારે 14 કુકી લોકોને મુક્ત કરી દીધા હતા. પરંતુ, દગો એ થયો કે તેના બીજા જ દિવસે (બુધવારે) આ 6 નાગા લોકોના મૃતદેહ મળી આવ્યા. લિયાન્ગમાઈ નાગા કાઉન્સિલના પ્રમુખ ટિમોથીએ આ ક્રૂર હત્યાકાંડ પર ભારે દુઃખ અને આઘાત વ્યક્ત કર્યો છે.
UNC દ્વારા 24 કલાકનું મણિપુર બંધનું એલાન
આ નિર્દયી હત્યાકાંડના વિરોધમાં નાગા સમુદાયની સર્વોચ્ચ સંસ્થા યુનાઇટેડ નાગા કાઉન્સિલ (UNC) એ ભારે રોષ સાથે નાગા પ્રભુત્વવાળા વિસ્તારોમાં 24 કલાકના બંધનું એલાન આપ્યું છે.
મુખ્ય માંગણીઓ: UNC એ રાજ્યના ડેપ્યુટી સીએમ નેમચા કિપગેનને તાત્કાલિક પદ પરથી હટાવવાની માંગ કરી છે. સંગઠનનો આરોપ છે કે ડેપ્યુટી સીએમ એ કુકી નેશનલ ફ્રન્ટ-પી (KNF-P) ના પ્રમુખ સેમટિનથાંગ કિપગેનના પત્ની છે. સંગઠનને શંકા છે કે આ હત્યાકાંડમાં KNF-P ની મિલીભગત છે. UNC એ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય, તેઓ મૃતદેહો સ્વીકારશે નહીં. સાથે જ કુકી બળવાખોરો સાથેના સરકારના તમામ SoO (સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ) કરાર રદ કરવાની પણ માંગ ઉઠી છે.
મુખ્યમંત્રી દ્વારા કેસની તપાસ NIA ને સોંપાઈ
મણિપુરના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે આ હત્યાઓની કડક શબ્દોમાં નિંદા કરી છે. તેમણે કહ્યું કે સરકાર આવા જઘન્ય અપરાધોને ક્યારેય ચલાવી લેશે નહીં. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ આખો કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ને સોંપવાનો મોટો નિર્ણય લીધો છે. આ સાથે જ તેમણે તમેઈ પોલીસ સ્ટેશન હદમાં લાન્સન કુકી ગામના એક નિર્દોષ ખેડૂતની હત્યાની પણ નિંદા કરી હતી.
મેઘાલયના મુખ્યમંત્રીની પ્રતિક્રિયા
આ મુદ્દે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એક દિવસ પહેલા જ નાગાલેન્ડના સીએમ નેફિયુ રિયો અને ચર્ચ સંગઠનો સાથે મળીને 14 કુકી લોકોની મુક્તિ કરાવી હતી. સંગમાએ કહ્યું કે, “જ્યારે નાગા સમુદાયે શાંતિ માટે સારી ભાવના દાખવી, ત્યારે તેની સામે આવું ક્રૂર કૃત્ય થવું તે અત્યંત કમનસીબ અને અસ્વીકાર્ય છે.” બીજી તરફ, શીર્ષ કુકી સંગઠન કુકી ઇનપી મણિપુર (KIM) એ પણ આ ઘટના પર શોક વ્યક્ત કરી નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે.
મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે બંને સમુદાયો વચ્ચે વિશ્વાસ ઊભો કરવો જરૂરી છે, પરંતુ આવી ઘટનાઓ તે પ્રયાસો પર પાણી ફેરવી દે છે. હવે તમામની નજર NIA ની તપાસ અને રાજ્ય સરકારના આગામી પગલાં પર ટકેલી છે.











