કૈલાશ માનસરોવર યાત્રામાં મુંબઈના ટૂર ઓપરેટર રવિ મોદીની ક્રિમિનલ બેદરકારીથી એક યાત્રીનું મોત નિપજ્યું. ઓક્સિજન ચેક ન કરાયું અને મૃત્યુ છુપાવ્યું. વાંચો ભોગ બનેલા યાત્રીઓની હચમચાવી દેતી આપવીતી.

મુંબઈ, બુધવાર
કૈલાશ માનસરોવરની 24 મે 2026ની યાત્રા (જમીન માર્ગે) માં મુંબઈની ‘ઈનાયા જર્નીઝ’ અને તેના સંચાલક રવિ મોદીએ 185 યાત્રીઓ સાથે જે છેતરપિંડી કરી, તે માત્ર આર્થિક કે માનસિક નહોતી, પણ તે જીવલેણ સાબિત થઈ. હોટેલ અને સુવિધાઓના અભાવે પરિક્રમા તો રઝળી જ પડી, પરંતુ ઓપરેટરની મેડિકલ બાબતો પ્રત્યેની ક્રિમિનલ બેદરકારીએ એક નિર્દોષ યાત્રીનો ભોગ લઈ લીધો.
એક યાત્રીનું કરુણ મોત અને માનવ જીવ પ્રત્યે ક્રૂરતા
આ યાત્રા 4600 મીટરથી વધુ ઊંચાઈ પર થાય છે, જ્યાં ઓક્સિજનનું સ્તર ખૂબ ઓછું હોય છે અને ‘ઊંચાઈની બીમારી’ (Altitude Sickness) નો જીવલેણ ખતરો રહે છે. આવા સમયે ટૂર ઓપરેટરે નિયમિતપણે યાત્રીઓનું ઓક્સિજન સ્તર તપાસવું ફરજિયાત છે. પરંતુ રવિ મોદી અને તેની ટીમે યાત્રા શરૂ કરતા પહેલા કાઠમંડુમાં માત્ર એક જ વાર ઓક્સિજન ચેક કરવાની ફોર્માલિટી કરી હતી.
આ બેજવાબદારીનું પરિણામ એ આવ્યું કે 57 વર્ષીય શ્રી રાજેશ ભુરા આબોહવા સામે ટકી ન શક્યા અને ચીનના સાગા વિસ્તારમાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો. રવિ મોદીની ક્રૂરતા અને અસંવેદનશીલતા તો જુઓ કે, લોકો ગભરાઈ ન જાય તે માટે તેણે આ મોતના સમાચાર આખા ગ્રુપથી છુપાવી રાખ્યા! એક યાત્રીનું મોત નીપજવા છતાં આ ઓપરેટરે અન્ય કોઈ યાત્રીઓનું ઓક્સિજન ચેક કરવાની કે જોખમ વિશે માહિતગાર કરવાની તસ્દી લીધી નહીં. આ બેદરકારીનું સર્વોચ્ચ અને ગુનાહિત સ્તર હતું.
સોશિયલ મીડિયા પર ભ્રામક પ્રચાર: “મહાદેવ કા લાડલા”નો દંભ

વાસ્તવિકતામાં આખી યાત્રા નરક સમાન રહી અને એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, છતાં રવિ મોદીની બેશરમીની હદ નથી. આટલી આપત્તિજનક ટૂર હોવા છતાં, આ ટૂર ઑપરેટર સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ વગેરે) પર ખોટી માહિતી ફેલાવવાનું ચાલુ રાખે છે. તે ભ્રામક અને ખોટા ફોટાઓ મૂકીને આ યાત્રાને ‘સફળ’ બતાવી રહ્યો છે. એટલું જ નહીં, તે પોતાની જાતને “મહાદેવ કા લાડલા” તરીકે પ્રમોટ કરે છે. આ દંભી પ્રચાર ભોગ બનેલા 185 યાત્રીઓના જખમો પર મીઠું ભભરાવવા સમાન છે.
યાત્રીઓનો આક્રોશ: તેમના જ શબ્દોમાં હચમચાવતી આપવીતી
જે લોકોએ આ યાતનાઓ સહન કરી છે, તેમના શબ્દો આ મહા-છેતરપિંડીની સાક્ષી પૂરે છે:
1. પારસ શાહ
“મારા અત્યંત નજીકના મિત્ર રાજેશ ભુરાએ સાગામાં જીવ ગુમાવ્યો. તેમના નશ્વર દેહને ભારત પાછો લાવવાનો હતો. પરંતુ રવિ મોદી અને તેની ટીમે નેપાળમાં અમને કોઈ જ મૂળભૂત સહાય પૂરી પાડી નહીં. મારા મિત્રના શરીરને ઘરે પાછા લાવવામાં મને લગભગ 60 કલાક લાગ્યા. રવિ મોદી અને તેની ટીમે તો મારા કોલનો જવાબ આપવાનું અને મને મદદ કરવાનું જ બંધ કરી દીધું હતું. અંતે વિદેશ મંત્રી શ્રી એસ. જયશંકર સાહેબની મદદ મળી ત્યારે કામ પાર પડ્યું.”

2. ડો. સી. ડી. શેલત (નિવૃત્ત જોઈન્ટ કમિશનર, ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, ગુજરાત રાજ્ય)
“અમારે યાત્રા દરમિયાન પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
1. એમણે જણાવેલું કે સારામાં સારી હોટેલ મળશે, પરંતુ મોટાભાગની હોટેલોમાં ગંદકી અને દુર્ગંધ હતી.
2. જમવાનું ક્યારેય સમયસર મળતું ન હતું.
3. રાત્રે 12 વાગ્યે પહોંચીને 1 વાગ્યે જમવાનું અને 1-2 કલાક સુધી રૂમ ન ફાળવાતા અમારે માનસિક તણાવનો ભોગ બનવું પડ્યું.
4. રસ્તામાં કોઈ પણ પ્રકારની પ્રાથમિક સારવાર, હુફાળું પાણી, પ્રાણવાયુ (ઓક્સિજન) સિલિન્ડર કે ગાઈડ ન હતા.
5. સહાયક સ્ટાફ ઓછો હોવાને કારણે સમયસર ડફલ થેલી પણ મળતી ન હતી.
અમને ખબર હતી કે મુશ્કેલી પડશે, પણ ઓપરેટર દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી જ ન હતી.”
3. કવિતા રાવલ
“આખી યાત્રા દરમિયાન અમે ફક્ત રૂમ, ભોજન વગેરે મેળવવા માટે જ સંઘર્ષ કરી રહ્યા હતા. અમે પૂરતા પૈસા ચૂકવ્યા હોવાથી તે પ્રદાન કરવાની ટુર ઓપરેટરની ફરજ હતી. પરંતુ આ બધી પ્રક્રિયામાં… હું ફક્ત પવિત્ર સ્થળ સાથે જોડાઈ જ શકી નહીં… જે કૈલાશ માનસરોવર જવાનો મારો આખો હેતુ હતો તે જ ખતમ થઈ ગયો.”
કૈલાશ માનસરોવરની યાત્રા શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે, પણ ઈનાયા જર્નીઝ અને રવિ મોદી જેવા લેભાગુ ઓપરેટરો માટે તે માત્ર લૂંટ ચલાવવાનો ધંધો છે. ક્ષમતા કરતા પાંચ ગણા લોકોનું બુકિંગ લેવું, જીવલેણ બેદરકારી દાખવવી, મોત છુપાવવું અને પાસપોર્ટ પડાવી લેવા – આ બધું ખુલ્લી છેતરપિંડી અને વિશ્વાસઘાત છે. ભવિષ્યમાં કૈલાશ યાત્રા પર જનાર તમામ શ્રદ્ધાળુઓએ આવા ઓપરેટરોથી ચેતવું જોઈએ. સરકારે પણ તાત્કાલિક ધોરણે આવા ફ્રોડ ટૂર ઓપરેટરો સામે આકરા પગલાં લેવા જોઈએ જેથી કોઈ નિર્દોષ યાત્રીનો જીવ ન જાય અને તેમની આસ્થા મજાક ન બનીને રહી જાય.











