ગાંધીનગરમાં ઘરફોડ ચોરીના કેસમાં બે શખ્સ ઝડપાયા : સેક્ટર-21 પોલીસની કાર્યવાહી

નંબર પ્લેટ પર સેલોટેપ લગાવેલું એક્ટિવા લઈને ફરતા બે શંકાસ્પદોને પોલીસે ઝડપી પાડ્યા : ચોરીનો મુદ્દામાલ સાથે છરા, પક્કડ, પાના, મોજાં અને સેલોટેપ સહિતની વસ્તુઓ મળી

ગાંધીનગર, બુધવાર : ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં સેક્ટર-21 પોલીસની સર્વેલન્સ ટીમે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી અને નાયબ પોલીસ અધિક્ષક ડી.ટી. ગોહિલની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી. દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધવા કામગીરી કરી રહી હતી.

આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર વિનોદચંદ્ર અને મહાવીરસિંહ કુબેરસિંહને ખાનગી બાતમી મળી હતી કે સેક્ટર-21 માર્કેટમાં અંબે માતાજીના મંદિર પાસે સફેદ રંગના એક્ટિવા પર બે શખ્સ શંકાસ્પદ હાલતમાં ઊભા છે. એટલું જ નહીં, એક્ટિવાની આગળ અને પાછળની નંબર પ્લેટ પર ખાખી રંગની સેલોટેપ લગાવવામાં આવી હતી.

બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બંને શખ્સોને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. પોલીસની પૂછપરછમાં બંનેની ઓળખ કિશન ભરતભાઈ નિનામા, ઉંમર 36, રહે. સેક્ટર-5C, ગાંધીનગર અને પારસ મલ્કેશભાઈ પટેલ, ઉંમર 23, રહે. રૂપાલ ગામ, ગાંધીનગર તરીકે થઈ હતી. એક્ટિવાની તપાસ કરતાં અલગ અલગ નાસ્તાના પડીકા અને વિવિધ બ્રાન્ડની ચોકલેટ મળી આવી હતી. જ્યારે એક્ટિવાની ડેકીમાંથી એક બેગમાં અલગ અલગ છરા, લોખંડની પક્કડ, બે પાના, ખાખી અને સફેદ સેલોટેપ, કાળા મોજાં તેમજ દોરીના ટુકડા સહિતની વસ્તુઓ મળી આવી હતી.

પોલીસે મળી આવેલા મુદ્દામાલ અંગે બંને પાસે આધાર-પુરાવા માંગીને યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં ચોરીની હકીકત સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે રેકોર્ડ તપાસ કરતાં આ મુદ્દામાલ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુના સાથે સંબંધિત હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે પોલીસે મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MITUFAB SOLANKI
Author: MITUFAB SOLANKI

Leave a Comment

Read More

error: Content is protected !!