ગુજરાત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ગુજરાત પોલીસ દ્વારા વિશેષ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ગુજરાત પોલીસ દ્વારા વિશેષ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. 26 અને 27 નવેમ્બરના રોજ રાજ્યના 10 સિનિયર IPS અધિકારીઓ સરહદ પર આવેલા 20 ગામોની મુલાકાત લેશે. આ દરમિયાન અધિકારીઓ સ્થાનિક લોકોના ઘરે રાતવાસો કરશે અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કરશે.
કચ્છ, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના સરહદી વિસ્તારોમાં આ બે દિવસીય કાર્યક્રમ યોજાશે. તેનો મુખ્ય હેતુ સરહદની સુરક્ષા વ્યવસ્થાની સ્થળ પર સમીક્ષા કરવાનો અને સ્થાનિક લોકોની સમસ્યાઓ સમજવાનો છે.
અમિત શાહના ફોર ટિયર સિક્યુરિટી ગ્રિડ હેઠળ કવાયત
આ સમગ્ર કવાયત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ફોર ટિયર સિક્યુરિટી ગ્રિડના વિઝનને આગળ વધારવાના ભાગરૂપે હાથ ધરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની દેખરેખ હેઠળ આ કાર્યક્રમ યોજાશે.
અધિકારીઓ સરહદી વિસ્તારોમાં સુરક્ષા માળખું, સુરક્ષા એજન્સીઓની તૈયારીઓ અને 24 કલાક ચાલતી પેટ્રોલિંગ વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે. રાત્રિના સમયે પણ સમીક્ષા બેઠકો યોજવામાં આવશે.
કયા અધિકારી કયા ગામની મુલાકાત લેશે?
આ કાર્યક્રમમાં અધિકારીઓને અલગ-અલગ સરહદી ગામોની જવાબદારી સોંપવામાં આવી છે.
- પૂર્વ કચ્છ: IGP સંદીપ સિંહ કલ્યાણપર અને ભામણકા જશે. જામનગર SP રવિમોહન સૈની વરસારા અને ધાબડા ગામની મુલાકાત લેશે.
- પશ્ચિમ કચ્છ: JCP શરદ સિંઘલ સુમરાપોર અને મોટા પૈયા જશે. IGP એન.એન. ચૌધરી અટાડા અને લખાપર જશે. IGP મકરંદ ચૌહાણ મીઠડી અને ભગાડિયા જશે. ભરુચ SP અક્ષય રાજ રતાડાલ અને રોહતાલની મુલાકાત લેશે.
- વાવ-થરાદ: DIG વિધિ ચૌધરી કરેલી અને બરડવી જશે. SP યશપાલ જગાણીયા બુકણા અને નાડોદર જશે. SP એમ.જે. ચાવડા બોરુ અને નેસડા ગામની મુલાકાત લેશે.
- પાટણ: અમદાવાદ ઝોન-8ના DCP મયુર પાટીલ દાતરાણા અને બરારા ગામમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.
સરહદી લોકોની સમસ્યાઓ પણ જાણશે
અધિકારીઓ સ્થાનિક ગ્રામજનો અને સરહદ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સાથે ચર્ચા કરશે. સરહદી વિસ્તારોમાં લોકોને પડતી મુશ્કેલીઓ, સુરક્ષામાં રહેલી ખામીઓ અને જરૂરી સુવિધાઓ અંગે માહિતી મેળવશે.
આ મુલાકાત બાદ મળેલા પ્રતિસાદના આધારે સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓ ઓળખવામાં આવશે. સાથે જ સરહદી વિસ્તારોના સુરક્ષા અને વિકાસ માટે ભવિષ્યનો રોડમેપ તૈયાર કરવામાં મદદ મળશે.











