અમદાવાદ વિમાન દુર્ઘટના: FSL ગાંધીનગર ખાતે DNA મેચિંગ પ્રક્રિયા 24 કલાક કાર્યરત

આ આઇસોલેટ કરાયેલા DNAની ક્વોન્ટિટી અને ક્વોલિટી RTPCR મશીન દ્વારા તપાસવામાં આવે છે. જો DNA યોગ્ય જણાય તો જ તેની એકથી વધુ કોપી તૈયાર કરવામાં આવે છે.

ગાંધીનગર, રવિવાર : અમદાવાદ ખાતે થયેલી દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે FSL ગાંધીનગર ખાતે DNA પ્રોફાઇલિંગ અને મેચિંગની પ્રક્રિયા યુદ્ધના ધોરણે, સતત 24 કલાક ચાલી રહી છે. FSLના ડાયરેક્ટર શ્રી એચ.પી. સંઘવીએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આ જટિલ પ્રક્રિયા દ્વારા મૃતદેહોની તેમના પરિવારજનો સાથે ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે.

DNA સેમ્પલ મેળવવાની પદ્ધતિઓ
શ્રી સંઘવીએ સમજાવ્યું કે DNA સેમ્પલ મેળવવાની મુખ્યત્વે બે પદ્ધતિઓ છે: તાજા લોહીમાંથી સેમ્પલ, આ પદ્ધતિ પ્રમાણમાં સરળ છે અને ઓછા સમયમાં સેમ્પલ મેળવી શકાય છે. મૃતદેહના અવશેષોમાંથી સેમ્પલ: આ પ્રક્રિયા ઘણી જટિલ અને વધુ ચોકસાઈ માંગી લે તેવી છે. દુર્ઘટનાગ્રસ્ત મૃતદેહોના કિસ્સામાં આ પદ્ધતિનો જ મોટાભાગે ઉપયોગ થાય છે. અવશેષોમાંથી લીધેલા સેમ્પલને કોઈપણ બાહ્ય અશુદ્ધિઓથી મુક્ત કરવા માટે ખૂબ જ ચીવટપૂર્વક સાફ કરવામાં આવે છે.

DNA આઇસોલેશન અને એક્સ્ટ્રેકશનની જટિલ પ્રક્રિયા
DNA આઇસોલેશન અને એક્સ્ટ્રેકશનની પ્રક્રિયા વિશે વાત કરતા શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, જો સેમ્પલમાં હાડકાં હોય તો તેનો પાવડર કરવામાં આવે છે. દાંતના સેમ્પલ હોય તો તેને નાના ટુકડા કરીને પાવડર બનાવવામાં આવે છે. ત્યારબાદ, ખાસ મશીનોનો ઉપયોગ કરીને ચોક્કસ તાપમાને DNA ને આઇસોલેટ કરવામાં આવે છે.

આ આઇસોલેટ કરાયેલા DNAની ક્વોન્ટિટી અને ક્વોલિટી RTPCR મશીન દ્વારા તપાસવામાં આવે છે. જો DNA યોગ્ય જણાય તો જ તેની એકથી વધુ કોપી તૈયાર કરવામાં આવે છે. આ કોપીમાંથી DNAની બંને સ્ટ્રેન્ડ્સ ને અલગ કરવામાં આવે છે અને તેને સિક્વન્સિયર મશીન પર ચલાવીને DNA પ્રોફાઇલ પ્રાપ્ત કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ટેકનિકલ અને સમય માંગી લેનારી છે. જો પૂરતી માત્રામાં DNA એલિમેન્ટ્સ ન મળે તો આખી પ્રક્રિયા ફરીથી કરવામાં આવે છે.

DNA મેચિંગ અને ઓળખ પ્રસ્થાપિત કરવી
પ્રાપ્ત થયેલા DNA પ્રોફાઇલને મૃતકોના પરિવારજનોના DNA એલિમેન્ટ્સ સાથે સરખાવવામાં આવે છે. શ્રી સંઘવીએ સ્પષ્ટ કર્યું કે, જ્યારે 23 DNA એલિમેન્ટ્સ મેચ થાય, ત્યારે જ મૃતક અને તેના પરિવારજનની સાચી ઓળખ પ્રસ્થાપિત થાય છે. પિતા-પુત્રના કિસ્સામાં ખાતરી કરવા માટે ‘Y’ ક્રોમોઝોમ નું પણ ટેસ્ટિંગ કરવામાં આવે છે.

સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું કે, આ પ્રોસેસ અત્યંત જટિલ અને લાંબી હોવા છતાં FSL ગાંધીનગરની ટીમે ખૂબ જ ચોકસાઈપૂર્વક અને ઝડપી કાર્ય કરીને ટૂંકા ગાળામાં મોટાભાગના મૃતકોની ઓળખ તેમના પરિવારજનો સાથે સફળતાપૂર્વક પ્રસ્થાપિત કરી દીધી છે. FSL દ્વારા કરવામાં આવેલ આ કાર્ય દુર્ઘટનાના ભોગ બનેલા પરિવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!