સતત બનતી ઘટનાઓ એર ઇન્ડિયાની ફ્લાઇટ સલામતી અને જાળવણી પ્રણાલી પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે. મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને કડક પગલાં લેવા અત્યંત જરૂરી છે.

અમદાવાદ, શુક્રવાર
12 જૂનના રોજ અમદાવાદ ખાતે થયેલા ભયાવહ પ્લેન ક્રેશના માત્ર ચાર દિવસ બાદ એર ઇન્ડિયાના 112 પાયલોટ મેડિકલ લીવ પર ઉતરી ગયા હતા, જેમાંથી 260 લોકોના કરુણ મોત થયા હતા. આ ચોંકાવનારી માહિતી નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે સંસદમાં આપી હતી, જેનાથી એરલાઇન ક્ષેત્રમાં ગંભીર ચિંતાઓ જાગી છે.
પાયલોટ્સના માનસિક સ્વાસ્થ્ય પર અસર
રાજ્યમંત્રી મોહોલે લોકસભામાં જણાવ્યું હતું કે, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના ગંભીર આઘાતને કારણે 51 કમાન્ડર અને 61 ફ્લાઇટ ઓફિસરનું માનસિક સ્વાસ્થ્ય યોગ્ય ન હોવાથી તેમને મેડિકલ લીવ લેવાની ફરજ પડી હતી. આ ઘટનાએ એરલાઇન્સ ક્રૂના માનસિક સ્વાસ્થ્યની સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો છે.
આ સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ અને એરપોર્ટ સત્તાધીશોને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે. તેમણે ફ્લાઇટ ક્રૂ અને એર ટ્રાફિક કંટ્રોલર્સ માટે “સ્ટેન્ડઅલોન અને કસ્ટમાઇઝ્ડ ટ્રેનિંગ કેપ્સ્યુલ્સ” રજૂ કરવાની ભલામણ કરી છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય સંભવિત માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું સંચાલન કરવાનું અને તેમને ઓળખીને તેનો સામનો કરવામાં મદદ કરવાનો છે. વધુમાં, ફ્લાઇટ ક્રૂ અને ATCOsને મદદ અને સમર્થન પૂરું પાડવા માટે પીઅર સપોર્ટ ગ્રુપ્સ બનાવવાની પણ સલાહ આપવામાં આવી છે.
DGCAની એર ઇન્ડિયાને નોટિસ
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનએ એર ઇન્ડિયાને ક્રૂની ચિંતા, ગભરાટ અને તાલીમના સંચાલન સંબંધિત સલામતીના માપદંડોનું ઉલ્લંઘન કરવા બદલ બુધવારે ચાર શો-કોઝ નોટિસ પાઠવી છે. આ નોટિસમાં છેલ્લા 12 મહિનામાં એરલાઇન દ્વારા સ્વૈચ્છિક ખુલાસાઓ, તાલીમના ધોરણો અને ઓપરેશનલ પ્રક્રિયાઓને સુનિશ્ચિત કરવામાં થયેલા ભંગને આવરી લેવામાં આવ્યા છે.
એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે આ નોટિસનો સ્વીકાર કરીએ છીએ. છેલ્લા એક વર્ષમાં કરવામાં આવેલા કેટલાક સ્વૈચ્છિક ખુલાસાઓ સાથે સંબંધિત ઉપરોક્ત નોટિસોનો અમે જવાબ આપીશું. એર ઇન્ડિયા પોતાના ક્રૂ અને મુસાફરોની સલામતી માટે પ્રતિબદ્ધ છે.” જોકે, આ ઘટનાક્રમ એર ઇન્ડિયાની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.
એર ઇન્ડિયાની સતત ટેકનિકલ ખામીઓ અને દુર્ઘટનાઓ
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદથી એર ઇન્ડિયા અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. છેલ્લા છ મહિનામાં એરલાઇનને સુરક્ષાના માપદંડોનું વિવિધ પ્રકારે ઉલ્લંઘન તેમજ દુર્ઘટનાઓના કારણે કુલ 13 નોટિસ પાઠવવામાં આવી છે.
તાજેતરના કિસ્સાઓ આ ચિંતાને વધુ ગાઢ બનાવે છે. મંગળવારે જ હોંગકોંગથી દિલ્હી આવતી એરબસ A321ના પાવર યુનિટમાં આગ લાગી હતી. સદભાગ્યે, જાનહાનિ ટળી હતી. 24 કલાક પહેલાં કોચી-મુંબઈ ફ્લાઇટ રનવે પર ભટકાઈ હતી, જેના કારણે એન્જિન કવરને નુકસાન થયું હતું. છેલ્લી ઘડીએ અન્ય એક દિલ્હી-કોલકાતા ફ્લાઇટને ટેકનિકલ ખામીને કારણે સ્થગિત કરવામાં આવી હતી. તો દિલ્હી-મુંબઈ એર ઇન્ડિયા એક્સપ્રેસ પ્લેનની ડિસ્પ્લે સ્ક્રીનમાં સમસ્યા આવતા ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.










