FSSAI એ એક મોટો આદેશ જારી કરીને WHOના ધોરણોનું પાલન ન કરતા પીણાં પર ORS લેબલ વાપરવા પર પ્રતિબંધ મૂક્યો છે. હૈદરાબાદના ડૉ. શિવરંજની સંતોષની 8 વર્ષની લડત બાદ આ નિર્ણય આવ્યો છે, જે ભ્રામક જાહેરાતોથી બાળકોના સ્વાસ્થ્યને થતા ગંભીર જોખમને અટકાવશે.

નવી દિલ્હી, રવિવાર
ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણો સત્તામંડળ (FSSAI) એ તાજેતરમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે, જેની સીધી અસર તમારા અને મારા જેવા સામાન્ય ગ્રાહકો, ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર પડશે. આ નવા આદેશ મુજબ, જે ખાદ્ય અને પીણા બનાવતી કંપનીઓના ઉત્પાદનો વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા નિર્ધારિત માપદંડો પૂરા નથી કરતા, તેઓ તેમના લેબલ પર ORS (ઓરલ રિહાઈડ્રેશન સૉલ્ટ) શબ્દનો ઉપયોગ નહીં કરી શકે.
આ મોટો નિર્ણય એક જ રાતમાં નથી આવ્યો. તેની પાછળ હૈદરાબાદના એક બાળરોગ ચિકિત્સક ડૉ. શિવરંજની સંતોષની 8 વર્ષની અથાક લડત રહેલી છે.
સમસ્યા શું હતી?
ORS એ કોઈ સાધારણ એનર્જી ડ્રિંક નથી. તે ઝાડા (ડાયરિયા) ને કારણે શરીરમાં પાણી અને જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ ઘટી જાય એટલે કે ડિહાઇડ્રેશન તેની સારવાર માટેની એક જીવરક્ષક દવા છે. WHO એ આના માટે એક ચોક્કસ ફોર્મ્યુલા નક્કી કરી છે, જેણે 1969થી અત્યાર સુધીમાં લાખો બાળકોના જીવ બચાવ્યા છે.
પરંતુ, ડૉ. શિવરંજનીએ જોયું કે બજારમાં ORS ના નામે વેચાતા ઘણા એનર્જી ડ્રિંક્સ અને પીણાં આ ફોર્મ્યુલાનું પાલન નહોતા કરતા. આ પીણાંઓમાં WHOના સ્ટાન્ડર્ડ કરતાં અનેકગણી વધારે ખાંડ (કેટલાકમાં તો 120 ગ્રામ પ્રતિ લિટરથી પણ વધુ!) અને ઇલેક્ટ્રોલાઇટ્સનું ખોટું પ્રમાણ હતું.
જ્યારે કોઈ માતાપિતા પોતાના બીમાર બાળક માટે મેડિકલ સ્ટોરમાંથી ORS લેવા જાય, ત્યારે તેઓ ભૂલથી આ ભ્રામક લેબલવાળું પીણું લઈ આવતા. આનાથી બાળકની સ્થિતિ સુધરવાને બદલે વધુ ગંભીર બની શકતી હતી, કારણ કે વધુ પડતી ખાંડ ડાયરિયાને વધુ વકરાવી શકે છે.
ડોક્ટરની 8 વર્ષની લાંબી લડાઈ
ડૉ. શિવરંજનીએ આ ગંભીર મુદ્દા સામે 8 વર્ષ પહેલાં અભિયાન શરૂ કર્યું. તેમણે સોશિયલ મીડિયા દ્વારા જાગૃતિ ફેલાવવાથી માંડીને FSSAI અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સુધી રજૂઆતો કરી. 2022 માં તેમણે આ મામલે તેલંગાણા હાઈકોર્ટમાં જનહિત અરજી પણ દાખલ કરી.
શરૂઆતમાં FSSAI એ પ્રતિબંધ મૂક્યો, પરંતુ જુલાઈ 2022માં એક વિવાદાસ્પદ નિર્ણય લેતા કંપનીઓને એક નાનકડા ડિસ્ક્લેમર સાથે નામ વાપરવાની છૂટ આપી દીધી. આ ડિસ્ક્લેમરમાં લખ્યું હતું કે, આ ઉત્પાદન WHO દ્વારા ભલામણ કરાયેલ ORS ફોર્મ્યુલા નથી. ડૉ. સંતોષે આ સગવડિયો ઉકેલ સ્વીકાર્યો નહીં અને તેમણે ફરીથી કોર્ટમાં અરજી કરી.
આખરે સત્યનો વિજય થયો
8 વર્ષની લાંબી કાનૂની અને નૈતિક લડાઈ બાદ, 14 ઓક્ટોબરના રોજ FSSAI એ સ્પષ્ટ અને કડક આદેશ જારી કરવો પડ્યો. આ નવા આદેશ મુજબ, જે ઉત્પાદનો WHO ના ધારાધોરણોને પૂર્ણ નથી કરતા, તેમણે તેમના નામ, બ્રાન્ડ કે ટ્રેડમાર્કમાંથી ORS શબ્દ સંપૂર્ણપણે દૂર કરવો પડશે.
ડૉ. શિવરંજનીની આ જીત એ વાતની સાબિતી છે કે એક વ્યક્તિની નિષ્ઠા અને દ્રઢ સંકલ્પ સિસ્ટમમાં મોટો અને સકારાત્મક બદલાવ લાવી શકે છે. આ નિર્ણયથી હવે એ સુનિશ્ચિત થશે કે જ્યારે કોઈને ખરેખર ORS ની જરૂર હોય, ત્યારે તેને સાચી અને સુરક્ષિત દવા જ મળે, કોઈ ભ્રામક એનર્જી ડ્રિંક નહીં.











