દિવાળી પહેલા ગુજરાત સરકારે ST નિગમના 36,000 થી વધુ કર્મચારીઓને મોટી ભેટ આપી છે. તમામ કર્મીઓને હવે 10,000 તહેવાર પેશગી એડવાન્સ મળશે. જાણો શું છે આખો નિર્ણય.

ગાંધીનગર, રવિવાર
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના કર્મચારીઓ માટે રાજ્ય સરકાર ખુશખબર લાવી છે. સરકારે ST નિગમના 36,000 થી વધુ કર્મચારીઓને દિવાળી ભેટ આપતા મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
હવે તમામ કર્મચારીઓને મળશે 10,000 એડવાન્સ
સરકારની જાહેરાત મુજબ, ST નિગમના તમામ કર્મચારીઓને આ દિવાળી પર 10,000 તહેવાર પેશગી એડવાન્સ તરીકે આપવામાં આવશે. આ નિર્ણયથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે. મહત્ત્વની વાત એ છે કે, આ પહેલા આ તહેવાર પેશગીનો લાભ માત્ર ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓને જ મળતો હતો, અને તે પણ માત્ર 5,000 સુધી સીમિત હતો. પરંતુ હવે સરકારે આ નિયમ બદલીને નિગમના કાયમી, હંગામી કે ફિક્સ પગારના ભેદભાવ વિના, તમામ 36,000 થી વધુ કર્મચારીઓને 10,000 એડવાન્સ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકો બાદ લેવામાં આવ્યો છે.
બસ સ્ટેશનો પર ચાલશે ખાસ સફાઈ અભિયાન
કર્મચારીઓને ભેટ આપવાની સાથે જ, સરકારે સ્વચ્છતા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આગામી 26થી 30 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં સ્વચ્છતા અને જળ બચાવો ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ડ્રાઈવ અંતર્ગત, રાજ્યની તમામ RTO કચેરીઓ અને તમામ ST બસ સ્ટેશનો પર વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. એટલું જ નહીં, પાણીનો બગાડ અટકાવવા માટે બસ સ્ટેશનો પર તૂટેલા કે લીકેજ થતા નળની મરામત કરવાની કામગીરી પણ તાત્કાલિક ધોરણે શરૂ કરાશે.











