લૂંટારૂઓનું સરાજાહેર સરઘસ! અરવલ્લીનાં ધનસુરામાં ફાર્મ હાઉસ લૂંટના 6 બુકાનીધારી આરોપી ઝડપાયા, 3 લાખની રકમ જપ્ત

અરવલ્લીના ધનસુરામાં નવરાત્રિ દરમિયાન ફાર્મ હાઉસમાં 3 લાખની લૂંટ કરનારા 6 બુકાનીધારી આરોપીઓને LCB પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા. તમામ આરોપીઓ ધનસુરાના જ રહેવાસી છે. પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી કડક કાર્યવાહી કરી.

અરવલ્લી, બુધવાર
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાં તાજેતરમાં બનેલી લૂંટની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી હતી. જોકે, જિલ્લા પોલીસને આ કેસમાં મોટી સફળતા મળી છે. જિલ્લા LCB પોલીસે ગણતરીના દિવસોમાં જ આ લૂંટની ઘટનામાં સામેલ 6 આરોપીઓને ઝડપી પાડી, ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મળતી માહિતી અનુસાર, આ લૂંટની ઘટના નવરાત્રિના તહેવાર દરમિયાન બની હતી. તહેવારના માહોલનો લાભ લઈને બુકાનીધારી 6 લૂંટારૂઓએ ધનસુરાના વડાગામમાં આવેલા એક ફાર્મ હાઉસને નિશાન બનાવ્યું હતું અને ત્યાંથી રોકડા રૂ. 3 લાખની લૂંટ ચલાવી હતી.

લૂંટની રકમ જપ્ત, તમામ આરોપીઓ સ્થાનિક
પોલીસને લૂંટની જાણ થતાં જ આરોપીઓને પકડવા માટે ઝડપથી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા. સઘન શોધખોળ બાદ LCB પોલીસે આ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ પૂછપરછમાં એ વાત સામે આવી છે કે, ઝડપાયેલા તમામ 6 આરોપીઓ ધનસુરાનગરના જ રહેવાસી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી લૂંટની રકમ પણ જપ્ત કરી છે. આ કાર્યવાહીને કારણે પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી કડક સંદેશ આપ્યો
આ ગુનાહિત કૃત્ય બાદ પોલીસે એક કડક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આરોપીઓને પકડી પાડ્યા બાદ પોલીસે તેમને ઘટનાસ્થળ એટલે કે વડાગામ લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. આ દરમિયાન, પોલીસે આ લૂંટારૂઓનું સરાજાહેર સરઘસ કાઢ્યું હતું. આરોપીઓનું સરઘસ નીકળતા તેમને જોવા માટે વડાગામમાં લોકોનાં ટોળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોએ પોલીસની આ સમયસર અને કડક કાર્યવાહીને આવકારી, તેમની કામગીરીના વખાણ કર્યા હતા. પોલીસે આ પગલાથી ગુનેગારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુના આચરનારાઓને છોડવામાં નહીં આવે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!