અમદાવાદ ક્રાઈમ: EDના જપ્ત કરેલા 11.10 કરોડ છોડાવવાની લાલચ આપી વેપારી સાથે 3.18 કરોડની મહાઠગાઈ

અમદાવાદના શાહીબાગના આંગડિયા વેપારીના ED દ્વારા જપ્ત કરાયેલા 11.10 કરોડ છોડાવવા 5 ગઠિયાઓએ 3.18 કરોડ પડાવ્યા. જાણો આ ચોંકાવનારા ક્રાઈમ કેસની પૂરી વિગત.

અમદાવાદ, મંગળવાર
અમદાવાદમાં એક ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક આંગડિયા પેઢી ચલાવતા વેપારીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના નામે છેતરીને 5 શખ્સોએ 3.18 કરોડનો ચૂનો ચોપડ્યો છે. આરોપીઓએ વેપારીના જપ્ત થયેલા રૂપિયા પરત અપાવવાની લાલચ આપી હતી, પરંતુ અંતે પૈસા પડાવીને ઊલટી કાનૂની નોટિસ ફટકારતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

EDના દરોડા અને કાવતરાની શરૂઆત
પ્રાપ્ત માહિતી અનુસાર, શાહીબાગમાં રહેતા 59 વર્ષીય સાંકળચંદ પટેલ નવરંગપુરામાં ‘વિષ્ણુ કાંતીલાલ’ નામની આંગડિયા પેઢી ચલાવે છે. ગત 6ઠ્ઠી ડિસેમ્બરે ED દ્વારા તેમની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ગ્રાહકોના 11.10 કરોડ રોકડા, મોબાઈલ અને DVR જપ્ત કરાયા હતા.

આ ઘટના બાદ 5 ભેજાબાજો – ચાંદલોડિયાનો વિજય પટેલ (મુખી), નવા વાડજનો દર્શન વેદ, ગોતાનો એડવોકેટ સુધાંશુ ઝા અને મુંબઈના પ્રવિણ ભાનુશાળી તેમજ વિરાટ સિંગે વેપારીનો સંપર્ક કર્યો અને જપ્ત થયેલા નાણાં પાછા અપાવવાની ગેરેન્ટી આપી હતી.

ઉચ્ચ એજન્સીઓની ઓળખ આપી 3.18 કરોડ પડાવ્યા
આરોપી વિજય મુખી અને એડવોકેટ સુધાંશુએ વેપારીને વિશ્વાસમાં લઈ કહ્યું કે, ED નો આ કેસ પતાવવા માટે કુલ રકમના 40 ટકા જેટલો ખર્ચ થશે. આ માટે તેમણે મુંબઈના પ્રવિણ અને વિરાટ સાથે ઓળખાણ કરાવી.

ઠગ ટોળકીએ ED મુંબઈ, દિલ્હી CBI અને પુણે ATS જેવી મોટી એજન્સીઓમાં પોતાનું સેટિંગ હોવાનો દાવો કરી ડમી વ્યક્તિઓના ટોકન પણ મોકલાવ્યા હતા. આ રીતે તેમણે ટુકડે-ટુકડે આંગડિયા અને રોકડા મારફતે વેપારી પાસેથી કુલ 3,18,65,900 પડાવી લીધા હતા.

બોગસ કરાર અને ઊલટા ચોર કોટવાલને દંડે
પૈસા પડાવ્યા બાદ ફેબ્રુઆરી 2025 માં વિજય મુખીએ ED માં ડોક્યુમેન્ટ રજૂ કરવાના બહાને એક નવું કાવતરું રચ્યું. તેણે દર્શન વેદની ‘અર્થ જ્વેલર્સ’ નામની કંપનીનું વેપારીની પેઢીમાં 13.20 કરોડનું રોકાણ હોવાનો એક બોગસ નોટરાઇઝડ કરાર (તારીખ 25 ફેબ્રુઆરી 2025) બનાવ્યો અને તેમાં ફરિયાદીની સહીઓ કરાવી લીધી. સાથે જ કોરા ચેક પણ લઈ લીધા.

હદ તો ત્યારે થઈ જ્યારે વેપારી અને દર્શન વચ્ચે કોઈ જ નાણાકીય વ્યવહાર ન હોવા છતાં, 10મી જાન્યુઆરીના રોજ આ જ બોગસ કરારના આધારે 9 ટકા વ્યાજ સાથે પૈસા માંગતી કાનૂની નોટિસ વેપારીને ફટકારી દેવાઈ.

અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો
મહિનાઓ વીત્યા છતાં કોઈ કામ ન થતાં અને સતત ખોટા બહાના સાંભળીને વેપારીને પોતાની સાથે થયેલી છેતરપિંડીનો અહેસાસ થયો. જ્યારે તેમણે પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે આરોપીઓએ ગલ્લાંતલ્લાં કરી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. આખરે કંટાળીને ભોગ બનનાર વેપારીએ પાંચેય આરોપીઓ સામે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ગુનો નોંધીને આ મહાઠગાઈ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!