અમદાવાદમાં 16 જુલાઈએ નીકળનારી 149મી રથયાત્રામાં ગત વર્ષે બેકાબૂ બનેલો ‘બાબુ’ હાથી ફરી જોડાશે. જાણો ગજરાજોની સુરક્ષા, ટ્રેનિંગ અને રથયાત્રાનો રોમાંચક ઇતિહાસ

અમદાવાદમાં આગામી 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રા નીકળવા જઈ રહી છે. આ પરંપરાગત યાત્રામાં રૂપા અને રૂપકલી સહિત કુલ 15 જેટલી હાથણીઓ અને ગત વર્ષે ચર્ચામાં આવેલો ‘બાબુ’ નામનો નર હાથી પણ જોડાશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025ની રથયાત્રા દરમિયાન ખાડિયા ચાર રસ્તા પાસે સિસોટીઓ અને ડીજેના ઘોંઘાટના કારણે ‘બાબુ’ હાથી અચાનક બેકાબૂ બન્યો હતો. તેણે બેરિકેડ્સ તોડીને 100 મીટર જેટલી દોટ મૂકતા અફરાતફરી મચી ગઈ હતી અને 2 થી 3 લોકોને સામાન્ય ઈજા થઈ હતી, જોકે અન્ય બે માદા હાથણીઓએ તેને સમયસર કાબૂમાં લીધો હતો.
હાથીઓને ભયમુક્ત કરવા માટે જનતા વચ્ચે રાખવાનો નવો પ્રયોગ
ગત વર્ષની ઘટનામાંથી પાઠ ભણીને આ વર્ષે તંત્ર અને મંદિર પ્રશાસને નવો કીમિયો અપનાવ્યો છે. ગજરાજોની સંભાળ રાખતા જગદીશ બાપુના જણાવ્યા અનુસાર, ‘બાબુ’ સહિતના હાથીઓને ભયમુક્ત કરવા અને વાહનો કે સાઉન્ડ સિસ્ટમના અવાજથી તેઓ ટેવાઈ જાય તે માટે તેમને ખાસ જનતાની વચ્ચે રાખવામાં આવી રહ્યા છે. લોકો પ્રેમથી તેમની પાસે આવીને તેમને ખવડાવે છે, જેથી હાથીઓ સમજી શકે કે આ બધી પરિસ્થિતિ સામાન્ય છે. હાથીઓની ટ્રેનિંગ બારેમાસ ચાલતી હોય છે અને તેઓ વર્ષમાં 5થી 7 વખત ધાર્મિક આયોજનોમાં ભાગ લેતા હોવાથી મનુષ્યોની ભીડથી સારી રીતે પરિચિત છે અને તમામ ગજરાજોનું બિહેવિયર એકદમ નોર્મલ છે.
રથયાત્રાના રૂટ પર વીઆઈપી સારવાર અને કડક સુરક્ષા વ્યવસ્થા
ચોમાસાની ગરમી અને થાકને ધ્યાનમાં રાખીને ગજરાજોની ઊર્જા જળવાઈ રહે તે માટે સરસપુરમાં હાથીઓને 1 કલાકનો ખાસ આરામ આપવામાં આવશે. આ દરમિયાન તેમને શેરડી, ગોળ, જુવારના પોળા અને ફ્રુટ્સનું ભરપેટ ભોજન કરાવાશે, તેમજ રૂટ પર પીવાના પાણીની પરબોની વ્યવસ્થા પણ છે. આ વર્ષે રથયાત્રામાં અંદાજિત 16 થી 17 હાથીઓ જોડાશે, જેમનો મેડિકલ ટેસ્ટ એડવાન્સમાં કરવામાં આવશે અને સુરક્ષાના ભાગરૂપે આ વખતે દરેક હાથી પર CCTV કેમેરા અને ડેસિબલ મીટર લગાવવામાં આવશે. જો કોઈ કારણોસર હાથી બેકાબૂ થાય તો તેને નિયંત્રિત કરવા પશુપાલન વિભાગ, કાંકરિયા ઝૂ, ઇન્દ્રોડા ગીર ફાઉન્ડેશન અને સક્કરબાગની નિષ્ણાત ટીમો પણ સાથે હાજર રહેશે.

કોમી રમખાણો વચ્ચે પણ હાથીઓએ જાળવી રાખેલી ઐતિહાસિક પરંપરા
અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં ગજરાજોનું મહત્વ અનેરું રહ્યું છે અને કપરા સમયમાં પણ હાથીઓએ પરંપરા તૂટવા દીધી નથી. વર્ષ 1985માં શહેરમાં ભયંકર કોમી રમખાણો ફાટી નીક્યા હતા, જેમાં 220થી 275 લોકોના મોત થયા હતા અને તત્કાલીન સરકારે મંજૂરીના આપી હોવા છતાં, ‘સરજુપ્રસાદ’ નામના હાથીએ મંદિરના દરવાજા આગળ આડશ બનેલી પોલીસ વાનને પોતાની સૂંઢથી ફંગોળી દીધી હતી અને કર્ફ્યૂ વચ્ચે પણ યાત્રા સંપન્ન થઈ હતી. આ જ રીતે વર્ષ 1946 અને 1992ના રમખાણો વખતે પણ ભારે તણાવ હોવા છતાં ગજરાજો ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા અને યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવી હતી.
આ ગજરાજા વધારશે રથયાત્રાની શોભા
આ વર્ષે જગન્નાથજીની રથયાત્રામાં ગજરાજોના કાફલામાં બાબુલાલ, જોયમાલા, રાની, લક્ષ્મી, સુરતમાલા, ગુલાબકલી, રૂપકલી, પહાડી, સંતોષી, ચાંદની, જોયમાલા,2, રૂપા, લાલી, લખું, રાની2 અને પાર્વતીનો સમાવેશ થાય છે, જેઓ રથયાત્રામાં સાથે ચાલીને શોભા વધારશે.











