Art of Living: શું તમે પણ સતત ચિંતામાં રહો છો? તો આ 5 આદતો અપનાવો, જિંદગી બની જશે ખુશનુમા

શું તમે નાની-નાની વાતોમાં ચિંતા કરો છો? બીજાને ખુશ રાખવામાં થાકી ગયા છો? તો આ આર્ટિકલ તમારા માટે છે. જાણો સુખી થવાની અને તણાવમુક્ત રહેવાની 5 સરળ ચાવીઓ, જે તમારું જીવન બદલી નાખશે.

અમદાવાદ, બુધવાર
આજના સમયમાં આપણું જીવન એટલું ઝડપી બની ગયું છે કે આપણે આપણી જાતને જ ભૂલી ગયા છીએ. આપણે આપણો કિંમતી સમય બીજાને ખુશ કરવામાં, નાની-નાની વાતો પર પસ્તાવો (ગિલ્ટ) કરવામાં અને ભવિષ્યની નકામી ચિંતાઓમાં વેડફી નાખીએ છીએ. ઘણીવાર જીવનના છેલ્લા તબક્કે આપણને સમજાય છે કે જે લોકો કે જે બાબતો માટે આપણે આપણી ખુશીઓનું બલિદાન આપ્યું, તેનું ખરેખર કોઈ ખાસ મહત્ત્વ જ નહોતું.

ખાસ કરીને યુવાનો, જેમનામાં ભરપૂર એનર્જી હોય છે, તેઓ પણ આજે જવાબદારીઓના બોજ અને લોકો શું કહેશે ના ડર નીચે દબાઈને માનસિક તણાવનો ભોગ બની રહ્યા છે. જો તમે પણ આવી જ સ્થિતિનો સામનો કરી રહ્યા હોવ, તો તમારે આર્ટ ઓફ લિવિંગ એટલે કે જીવવાની સાચી કળા શીખવાની જરૂર છે. અહીં અમે તમને એવી 5 સરળ બાબતો જણાવીશું, જેને જીવનમાં ઉતારવાથી તમે હંમેશા ખુશ રહી શકશો.

1. નકામી દલીલો અને માથાકૂટથી દૂર રહો
શાંતિથી જીવવા માટેનો પહેલો નિયમ એ છે કે દરેક દલીલ જીતવી જરૂરી નથી. ઘણીવાર લોકો કોઈ તર્ક વગર માત્ર પોતાના અહંકારને સંતોષવા માટે દલીલો કરતા હોય છે. આવી ચર્ચાઓમાં ઉતરવાથી તમારો સમય બગડે છે અને મગજની શાંતિ હણાય છે. ખુશ રહેવું હોય તો ઇગ્નોર કરતા શીખો. નાની વાતોને જતી કરો અને મને કોઈ ફરક નથી પડતો એવો અભિગમ અપનાવો. દલીલ કરવાને બદલે જ્યાં અર્થપૂર્ણ ચર્ચા થતી હોય ત્યાં જ ધ્યાન આપો.

2. તમારી મૌલિકતા જાળવી રાખો
દુનિયાને બતાવવા માટે કે બીજાને ગમવા માટે દેખાવ કરવો એ સૌથી વધુ થકવી દેતું કામ છે. તમે જેવા છો, તેવા જ રહો. જો કોઈ તમને અજીબ કે અલગ માને, તો તેની ચિંતા ન કરો. તમારી અસલિયત એ જ તમારી તાકાત છે. યાદ રાખો, જે લોકો તમને સાચા દિલથી પ્રેમ કરે છે, તેઓ તમને ક્યારેય બદલવાનો પ્રયત્ન નહીં કરે. તેઓ તમારી ખામીઓ અને ખૂબીઓ સાથે તમને સ્વીકારશે.

3. લોકો શું વિચારશે? – આ વિચારવાનું કામ તેમનું છે!
આપણા દુઃખનું સૌથી મોટું કારણ એ છે કે આપણે સતત એ વિચાર્યા કરીએ છીએ કે બીજા મારા વિશે શું વિચારશે?. લોકોની ગેરસમજ દૂર કરવા માટે વારંવાર સ્પષ્ટતા આપવાનું બંધ કરો. શરૂઆતમાં બીજાની પરવા કર્યા વગર જીવવું અઘરું લાગશે, પણ ધીરે-ધીરે આ આદત તમને સાચી આઝાદી અને ખુશી આપશે. તમારી જિંદગી તમારા નિયમો પર જીવો, બીજાના અભિપ્રાયો પર નહીં.

4. વગર વાંકે માફી માંગવાનું બંધ કરો
ઘણા લોકોને આદત હોય છે કે ભૂલ ન હોય તો પણ સંબંધ સાચવવા માફી માંગી લે છે. પરંતુ યાદ રાખો, વારંવાર વગર વાંકે માફી માંગવી એ પોતાની નજરમાં ઈજ્જત ગુમાવવા બરાબર છે. જ્યાં તમારી ભૂલ નથી, ત્યાં દ્રઢતાથી પોતાની વાત રજૂ કરો. ના પાડતા શીખો. દરેક વ્યક્તિને પોતાની વાત તર્ક સાથે મૂકવાનો અને જ્યાં અયોગ્ય લાગે ત્યાં સ્પષ્ટ ના કહેવાનો અધિકાર છે.

5. દરેકને ખુશ રાખવા શક્ય નથી
તમે ગમે તેટલું સારું કરશો, તો પણ કોઈ ને કોઈ તો નારાજ થશે જ. તેથી બધાને ખુશ રાખવાની કોશિશ છોડી દો. પોતાની ખુશીને પ્રાધાન્ય આપવું એ સ્વાર્થ નથી, પણ સેલ્ફ લવ (સ્વ-પ્રેમ) છે. જે લોકો તમને પસંદ નથી કરતા અથવા જેમના સંગાથથી તમને નેગેટિવ ફીલ થાય છે, તેમનાથી યોગ્ય અંતર જાળવો.

જીવન ખૂબ ટૂંકું છે, તેને ચિંતામાં વિતાવવાને બદલે ચિંતન અને ખુશીમાં વિતાવો. ઉપર આપેલી આ 5 બાબતોને જો તમે તમારા રોજિંદા જીવનમાં વણી લેશો, તો તમે જોશો કે તણાવ આપોઆપ દૂર થઈ જશે અને તમે એક હળવાફૂલ વ્યક્તિત્વ બની જશો. ખુશ રહો અને પોતાની મરજી મુજબ જીવો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!