કેન્દ્ર સરકારે જૂની સ્કીમ બદલીને નવી ‘EPF સ્કીમ 2026’ લાગુ કરી છે. નોકરીયાત વર્ગના PF એકાઉન્ટ, કપાત અને UAN પર તેની શું અસર થશે? જાણો તમામ નવા નિયમો સરળ ભાષામાં.

નવી દિલ્હી, ગુરુવાર
નોકરીયાત વર્ગ માટે કેન્દ્ર સરકાર તરફથી એક ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે સત્તાવાર રીતે ‘કર્મચારી ભવિષ્ય નિધિ યોજના, 2026’ (EPF Scheme 2026) ની જાહેરાત કરી દીધી છે. સોશિયલ સિક્યોરિટી કોડ 2020 હેઠળ બનેલી આ નવી યોજના 29 જૂન 2026 ના રોજ સરકારી ગેઝેટમાં પ્રકાશિત થતાની સાથે જ સમગ્ર દેશમાં લાગુ થઈ ગઈ છે.
આ નવી યોજનાએ લગભગ 6 દાયકા જૂની ‘ઇપીએફ સ્કીમ 1952’ નું સ્થાન લીધું છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે તમારા પીએફ (PF) નું મૂળ માળખું અને ફાયદાઓ પહેલા જેવા જ રહેશે, પરંતુ આખી સિસ્ટમને આધુનિક અને ડિજિટલ બનાવી દેવામાં આવી છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ મોટા ફેરફારની તમારા ખાતા પર શું અસર પડશે.
PF એકાઉન્ટમાં શું નથી બદલાયું?
1. પીએફ કપાતનો દર યથાવત્: દર મહિને તમારા પગારમાંથી કપાતા પીએફના દરમાં કોઈ જ ફેરફાર થયો નથી. કર્મચારી અને કંપની બંનેનું યોગદાન પહેલાની જેમ જ બેસિક પગારના 12-12 ટકા રહેશે. સરકાર દ્વારા નક્કી કરાયેલી અમુક ખાસ કંપનીઓ માટે 10 ટકાનો દર પણ ચાલુ રહેશે.
2. તમારો UAN નંબર કાયમી રહેશે: તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર પહેલાની જેમ જ તમારી કાયમી ઓળખ બની રહેશે. નોકરી બદલવા પર પણ તમારું પીએફ એકાઉન્ટ સરળતાથી ટ્રાન્સફર (પોર્ટેબલ) થઈ જશે. જો કોઈ કર્મચારી પોર્ટલ પર જાતે UAN જનરેટ ન કરી શકે, તો તે જનરેટ કરાવવાની સંપૂર્ણ જવાબદારી કંપનીની રહેશે.
3. જૂનું બેલેન્સ એકદમ સુરક્ષિત: આ નવા નિયમથી જૂના ખાતાધારકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. જે લોકો 1952 ની સ્કીમમાં હતા, તેઓ ઓટોમેટિક નવી 2026 ની સ્કીમના સભ્ય બની જશે. તમારું અત્યાર સુધી જમા થયેલું બેલેન્સ અને રિટાયરમેન્ટ ફંડ 100 ટકા સુરક્ષિત છે.
શું બદલાયું છે? જાણવા જેવા મહત્વના નવા નિયમો
1. VPFમાં વધુ છૂટછાટ: નવા નિયમ મુજબ કર્મચારીઓ હવે પોતાની મરજીથી વૈધાનિક મર્યાદા કરતા વધુ રકમ VPF માં જમા કરાવી શકશે. આ માટે પહેલા કરતા વધુ સરળતા આપવામાં આવી છે. જો કંપની ઈચ્છે તો તે પણ કર્મચારીના આ વધારાના યોગદાન જેટલો જ હિસ્સો ઉમેરી શકે છે, પરંતુ કંપનીઓ માટે આમ કરવું કાયદાકીય રીતે ફરજિયાત નથી.
2. પ્રાઇવેટ પીએફ ટ્રસ્ટ માટે નિયમો કડક બન્યા: જે મોટી કંપનીઓ EPFO થી છૂટ મેળવીને પોતાનું અલગ ઇન-હાઉસ પીએફ ટ્રસ્ટ ચલાવે છે, તેમના માટે હવે નિયમો ખૂબ જ કડક કરવામાં આવ્યા છે.
આવા ટ્રસ્ટોએ હવે ફરજિયાતપણે ઈલેક્ટ્રોનિક રેકોર્ડ રાખવો પડશે.
કર્મચારીઓને ઓનલાઈન બેલેન્સ ચેક કરવાની સુવિધા અને દર વર્ષે એકાઉન્ટ સ્ટેટમેન્ટ ડિજિટલ રૂપે આપવું પડશે.પીએફ ઉપાડવા, ટ્રાન્સફર કરવા કે એડવાન્સ લેવા માટેના દાવાઓ (Claims) નું સેટલમેન્ટ હવે નક્કી કરેલી સમયમર્યાદામાં ફરજિયાત ઓનલાઈન જ કરવાનું રહેશે.
સામાન્ય કર્મચારીઓ માટે આનો શું અર્થ છે?
સામાન્ય પગારદાર વર્ગ માટે આ નોટિફિકેશનનો સીધો અર્થ એ છે કે તેમના ખિસ્સામાંથી કપાતા પીએફની રકમમાં કોઈ કાપ કે ફેરફાર થવાનો નથી. સરકારનો મુખ્ય હેતુ પીએફ સિસ્ટમને પારદર્શક, ઝડપી અને સંપૂર્ણ ડિજિટલ બનાવવાનો છે. આ નવા ફેરફારોથી ભવિષ્યમાં પીએફ એકાઉન્ટનું મેનેજમેન્ટ સરળ બનશે અને ક્લેમ પાસ થવામાં પડતી મુશ્કેલીઓ કે વિલંબમાંથી કાયમી છુટકારો મળશે.











