પ્રેમી યુગલના મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળ્યા, હાથ પર ‘બાબુ’ અને ‘અંજલિ’ના ટેટૂ

દહેગામ નજીક નર્મદા કેનાલમાંથી એક પ્રેમી યુગલના મૃતદેહ મળી આવ્યા છે. યુવકના હાથ પર ‘બાબુ’ અને યુવતીના હાથ પર ‘અંજલિ’નું ટેટૂ હતું, અને બંનેના હાથ એક દુપટ્ટાથી બાંધેલા હતા. પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે.

દહેગામ, ગુરૂવાર
દહેગામ તાલુકાના ઝાંક-મોટા જલુંદરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી એક યુવક અને એક યુવતીના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. આ ઘટનાની સૌથી ચોંકાવનારી વાત એ છે કે મૃતદેહો એકબીજા સાથે એક દુપટ્ટાથી બાંધેલી હાલતમાં હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે મૃતક યુવકના હાથ પર ‘બાબુ’ અને યુવતીના હાથ પર ‘અંજલિ’ નામનું ટેટૂ કોતરાયેલું છે. આ ટેટૂ પરથી બંને એકબીજાને ઓળખતા હતા અને તેમની વચ્ચે પ્રેમ સંબંધ હોવાની શક્યતા છે.

આજરોજ બપોરે રાહુલ પટેલ નામના એક વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી. બહિયલ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે મહેનત બાદ ફાયરની ટીમે બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા.

હાલમાં બહિયલ પોલીસે અકસ્માતે મૃત્યુનો કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે છેલ્લા 4 દિવસમાં ગુમ થયેલા યુવક-યુવતીઓની વિગતો મેળવી રહી છે, જેથી મૃતકોની ઓળખ થઈ શકે.

આ ઘટના પાછળ પ્રેમ સંબંધ જવાબદાર છે કે પછી કોઈ અન્ય કારણ, તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. મૃતકોની ઓળખ થયા બાદ જ આ રહસ્ય પરથી પડદો ઊંચકાશે. આ સમગ્ર મામલે વધુ ડિટેઇલ્સ આવવાની બાકી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!