ગાંધીનગરના સેક્ટર-16માં એક 27 વર્ષીય યુવકનું મર્ડર થયું છે. જૂની અદાવતમાં બે આરોપીઓએ ઘાતક હથિયારોથી હુમલો કરતાં યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. પોલીસ તપાસ, ગુનો અને આરોપીઓ વિશેની સંપૂર્ણ માહિતી વાંચો.

ગાંધીનગર, ગુરૂવાર
ગાંધીનગરના સેક્ટર-16 સરકારી દવાખાનાની પાછળ એક 27 વર્ષીય યુવક પર ઘાતકી હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકની બહેનની ફરિયાદના આધારે સેક્ટર-21 પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.
વહેલી સવારે મૃત્યુ થયું
મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે લગભગ 9:20 વાગ્યે કિરણ અશોકકુમાર ભટ્ટ (ઉંમર 27) નામનો યુવક સેક્ટર-16 સરકારી દવાખાના પાછળના ભાગે હાજર હતો. આ દરમિયાન બે અજાણ્યા ઈસમોએ તેની સાથે ઝઘડો કરીને લાકડી અને પાઈપ જેવા ઘાતક હથિયારોથી તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં કિરણને ગંભીર ઈજાઓ થઈ હતી.
હુમલા બાદ કિરણે પોતે જ 108 એમ્બ્યુલન્સને ફોન કરીને મદદ માગી હતી અને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, આજે વહેલી સવારે લગભગ 1 વાગ્યે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃતકના શરીર પર હાથ અને પગમાં માર માર્યાના નિશાન જોવા મળ્યા હતા.
જૂની અદાવતમાં મર્ડર
મૃતક કિરણ ભટ્ટની બહેન સ્વાતિ જોષી, જે સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે, તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતકના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ્સના આધારે બે આરોપીઓને આઇડેન્ટિફાય કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક કિરણને પેથાપુર અને વાવોલના બે શખ્સો સાથે અગાઉથી માથાકૂટ ચાલી રહી હતી. આ જૂની અદાવતના કારણે જ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે. પોલીસે આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.











