‘10 દિવસમાં નાગરિકતા સાબિત કરો, નહીં તો…’ આસામ સરકારનો શંકાસ્પદ વિદેશીઓને આદેશ

આસામની ભાજપ સરકારે શંકાસ્પદ વિદેશીઓ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. હવે તેઓને માત્ર 10 દિવસમાં જ પોતાની નાગરિકતા સાબિત કરવી પડશે, નહીં તો ડિપોર્ટ કરવામાં આવશે. જાણો આ નવા નિયમ વિશેની સંપૂર્ણ વિગતો.

આસામ, ગુરૂવાર
આસામમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રોકવા માટે એક મોટો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાની સરકારે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) ને મંજૂરી આપી છે, જે મુજબ શંકાસ્પદ વિદેશીઓને 10 દિવસની અંદર પોતાની નાગરિકતા સાબિત કરવી પડશે. જો કોઈ વ્યક્તિ આમ કરવામાં નિષ્ફળ જાય, તો તેને તત્કાલ ડિપોર્ટ કરવાનો આદેશ જારી કરવામાં આવશે.

આ નવો નિયમ પ્રવાસી અધિનિયમ, 1950 હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. આ એક્ટને નેહરુ સરકારે પૂર્વ પાકિસ્તાનથી થઈ રહેલા ઇમિગ્રેશનને રોકવા માટે બનાવ્યો હતો, પણ બાદમાં લિયાકત-નેહરુ સમજૂતી પછી તેને સસ્પેન્ડ કરી દેવાયો હતો. હવે આસામ સરકારે તેને ફરીથી એક્ટિવ કરી દીધો છે.

વિદેશી ટ્રિબ્યુનલની ભૂમિકા ઘટશે
નવા SOP મુજબ, જિલ્લા કમિશનરોને શંકાસ્પદ વિદેશીઓને નોટિસ આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. અત્યાર સુધી આવા કેસ વિદેશી ટ્રિબ્યુનલ્સ દ્વારા હેન્ડલ થતા હતા. પણ હવે આ SOP લાગુ થવાથી, આવા કેસ સીધા જિલ્લા ડેપ્યુટી કમિશનરો પાસે જ જશે, જેના કારણે ટ્રિબ્યુનલની ભૂમિકા ઓછી થઈ જશે.

જો કોઈ વ્યક્તિને વિદેશી જાહેર કરવામાં આવે, તો ડેપ્યુટી કમિશનર તેને 10 દિવસની અંદર નાગરિકતા સાબિત કરવા માટે નોટિસ આપશે. જો વ્યક્તિ નાગરિકતા સાબિત ન કરી શકે, તો તાત્કાલિક ડિપોર્ટેશનનો ઓર્ડર આપવામાં આવશે અને તેને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવશે. ત્યાંથી, બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) તે વ્યક્તિને બાંગ્લાદેશ કે પાકિસ્તાન મોકલી દેશે.

આ નિર્ણય સુપ્રીમ કોર્ટના ઓક્ટોબર ૨૦૨૪ના ચુકાદાના સંદર્ભમાં લેવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ૨૪ માર્ચ, ૧૯૭૧ પછી જે કોઈ પણ વ્યક્તિ આસામમાં પ્રવેશ કરશે, તેને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ માનવામાં આવશે. આ SOP નો મુખ્ય હેતુ ગૂંચવણભર્યા કેસોનો ઝડપી અને અસરકારક રીતે નિકાલ કરવાનો છે, જેથી રાજ્યમાં ગેરકાયદેસર ઇમિગ્રેશનને કાબૂમાં રાખી શકાય.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!