મધ્ય પ્રદેશના છિંદવાડા અને બેતુલમાં ‘કોલ્ડરિફ’ કફ સિરપ પીવાથી કુલ 16 બાળકોના મોત થયા. સિરપમાં 48.6% ડાયથેનોલ મળતા SIT તપાસ માટે તમિલનાડુ ગઈ છે.

મધ્યપ્રદેશ, સોમવાર
મધ્ય પ્રદેશમાં એક જીવલેણ કફ સિરપે માસૂમ બાળકોનો ભોગ લીધો છે. છિંદવાડામાં 14 બાળકોના મોતની ચોંકાવનારી ઘટના બાદ હવે બેતુલ જિલ્લામાં પણ વધુ 2 ભૂલકાઓનાં મૃત્યુ થયા છે, જેનાથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 16 પર પહોંચ્યો છે.
બેતુલમાં મૃત્યુ પામેલા બંને બાળકોની કિડની સિરપ પીવાના કારણે ફેલ થઈ હતી. મળતી માહિતી મુજબ, તેમને ડૉ. પ્રવીન સોનીએ કોલ્ડરિફ કફ સિરપ આપી હતી. છિંદવાડાના પડોશી જિલ્લા હોવાથી બેતુલમાં પણ આ સિરપનો કેર જોવા મળ્યો છે.
તંત્ર એક્શનમાં
બાળકોના મોતના પગલે વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. છિંદવાડામાં 14 બાળકોના મૃત્યુની પુષ્ટિ થયા બાદ મૃતક પરિવારોને વળતર પણ ચૂકવી દેવાયું છે. હાલમાં છિંદવાડાના 8 બાળકો નાગપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે.
આ સિરપ ક્યાંથી આવી અને તેની ગુણવત્તા કેવી હતી તે જાણવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે, જે વધુ તપાસ માટે તમિલનાડુ જવા રવાના થઈ છે. જબલપુરમાં પ્રશાસને ત્વરિત કાર્યવાહી કરીને કાતારિયા ફાર્માસ્યુટિકલ્સના ડિસ્ટ્રીબ્યુટરનું ગોડાઉન સીલ કરી દીધું છે, કારણ કે આ સિરપનો સપ્લાય અહીંથી થતો હતો.
ડ્રગ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે કોલ્ડરિફ સિરપના સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા, જેમાં સિરપ હલકી ગુણવત્તાની હોવાનું સામે આવ્યું. આથી તાત્કાલિક ધોરણે રાજ્યભરમાં આ બ્રાન્ડની સિરપનું ટ્રેસિંગ અને જપ્તીનું કામ શરૂ છે.
સિરપમાં પ્રતિબંધિત કેમિકલનું પ્રમાણ મળ્યું
નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ આ ગંભીર મામલે સ્પષ્ટતા કરી. તેમણે જણાવ્યું કે તમિલનાડુની ફેક્ટરીમાંથી આવેલી આ સિરપના રિપોર્ટમાં 48.6 ટકા ડાયથેનોલનું પ્રમાણ મળી આવ્યું છે. ડાયથેનોલ એક સખ્ત પ્રતિબંધિત કેમિકલ છે અને તેના કારણે જ બાળકોના મોત થયા છે.
આ ઘટના બાદ, સમગ્ર મધ્ય પ્રદેશમાં આ કફ સિરપ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ મામલે સિરપનું પ્રિસ્ક્રિપ્શન લખનારા ડોક્ટરની પણ ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત, મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ ડ્રગ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનએ તમિલનાડુની જવાબદાર ફેક્ટરી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.










