વડોદરાનું આજવા સરોવર ફરી એકવાર છલોછલ ભરાતાં લાંબા ગાળાની પાણીની અછતની સમસ્યામાંથી રાહત મળવાની આશા જાગી છે.

વડોદરા,સોમવાર: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને કારણે રાજ્યના સરોવરો, જળાશયો અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે. ખાસ કરીને વડોદરાનું આજવા સરોવર ફરી એકવાર છલોછલ ભરાતાં લાંબા ગાળાની પાણીની અછતની સમસ્યામાંથી રાહત મળવાની આશા જાગી છે. ભારે વરસાદથી જળાશયો ભરાતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આજવા સરોવર અને તેના ઉપરવાસમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે સરોવરની જળસપાટી વધીને 211.55 ફૂટે પહોંચી છે. હાલમાં સરોવરના 62 દરવાજામાંથી 1100 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
આજવા સરોવરનું પાણીનું લેવલ 15 ઓગસ્ટ સુધી 211 ફૂટે જાળવી રાખવામાં આવશે, ત્યારબાદ તેને 212 ફૂટ સુધી ભરવાની યોજના છે. આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જળાશયનું સંચાલન કરવામાં આવશે.આ સાર્વત્રિક વરસાદથી ગુજરાતના અન્ય જળાશયો અને ડેમમાં પણ પાણીની આવક વધી છે, જે ખેતી, પીવાના પાણી અને સિંચાઈ માટે લાભદાયી સાબિત થશે.











