કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય: ડોક્ટરો અને હોસ્પિટલોની નાની ભૂલો પર હવે જેલ નહીં, માત્ર દંડ ફટકારાશે

કેન્દ્ર સરકારે જન વિશ્વાસ અધિનિયમ-2026 હેઠળ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારો કર્યો છે. હવે હોસ્પિટલની નાની વહીવટી ભૂલ પર જેલ નહીં, માત્ર દંડ થશે. જાણો નવા નિયમો.

નવી દિલ્હી, ગુરૂવાર
દેશના હેલ્થ સેક્ટર, ખાસ કરીને ડોક્ટરો અને હોસ્પિટલ સંચાલકો માટે કેન્દ્ર સરકારે એક મોટી રાહત આપી છે. લેટેસ્ટ અપડેટ મુજબ, હવે હોસ્પિટલો કે નાના ક્લિનિકોમાં થતી કાગળિયાંની કે વહીવટી નાની ભૂલો માટે તબીબોએ જેલની સજા ભોગવવી નહીં પડે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 2010માં મોટો અને ઐતિહાસિક ફેરફાર કર્યો છે. જન વિશ્વાસ અધિનિયમ-2026 અંતર્ગત સરકારે આ કાયદાને વધુ સરળ અને વ્યવહારુ બનાવ્યો છે. આ નવા સુધારાથી બિનજરૂરી કાનૂની વિવાદોનો અંત આવશે.

કાયદાની 5 કલમોમાં થયા મહત્ત્વના ફેરફાર

સરકારે ડોક્ટરોને કનડગત ન થાય તે માટે કાયદાની મુખ્ય 5 કલમો 40, 41, 43, 44 અને 46 માં સુધારો કર્યો છે.

કોર્ટના ધક્કામાંથી મુક્તિ: કલમ 40, 43 અને 46 માંથી કોર્ટ દ્વારા અપાતી સજા કે દંડ શબ્દ કાઢીને તેની જગ્યાએ વહીવટી દંડ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. આનો સીધો અર્થ એ છે કે, નાની વહીવટી ભૂલો હવે ક્રિમિનલ કે ગુનાહિત શ્રેણીમાં નહીં આવે. આથી ડોક્ટરોએ કોર્ટના ધક્કા ખાવા નહીં પડે અને વહીવટી સ્તરે જ કેસ પૂરો થઈ જશે.

ભૂલ પ્રમાણે દંડ નક્કી થશે: કલમ 44 ના સુધારા મુજબ, હવે નિયમ તૂટવા પર સીધી કોઈ મોટી કાર્યવાહી નહીં થાય. પહેલા ભૂલ કેટલી મોટી છે તે તપાસવામાં આવશે. નાની ભૂલ અને મોટી ભૂલ વચ્ચે સ્પષ્ટ તફાવત રખાશે. કોઈ માનવીય કે નાની ભૂલ માટે હોસ્પિટલ પર તોતિંગ દંડ ઝીંકી શકાશે નહીં.

સુનાવણી અને અપીલની તક: કલમ 41 હેઠળ ઓથોરિટીની સત્તાઓ વધારાઈ છે. હવે કોઈપણ હોસ્પિટલ પર દંડ ફટકારતા પહેલા તેમને પોતાનો પક્ષ (બચાવ) રજૂ કરવાની પૂરી તક આપવામાં આવશે. તેમ છતાં જો હોસ્પિટલને નિર્ણય યોગ્ય ન લાગે, તો તેઓ ઉપલી કોર્ટમાં અપીલ કરી શકશે.

શું દર્દીઓની સુરક્ષા જોખમાશે?
આ સમાચાર સાંભળીને સામાન્ય નાગરિકોને સવાલ થાય કે શું આનાથી દર્દીઓની સુરક્ષા જોખમાશે? તો તેનો જવાબ છે- બિલકુલ નહીં. આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ છૂટછાટ માત્ર ડોક્યુમેન્ટેશન અને વહીવટી પ્રક્રિયાઓ પૂરતી જ છે. દર્દીઓની સારવાર, તેમની સુરક્ષા અને મેડિકલ ક્વોલિટી સાથે કોઈ જ બાંધછોડ કરવામાં આવી નથી. મેડિકલ સ્ટાન્ડર્ડનું પાલન પહેલાની જેમ જ કડકાઈથી થતું રહેશે.

સરકારના આ લેટેસ્ટ નિર્ણયથી દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં એક સકારાત્મક માહોલ બનશે. કોર્ટના કેસોનું ભારણ ઘટશે અને ડોક્ટરો કાનૂની ડર વગર દર્દીઓની સારવાર પર પોતાનું પૂરું ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!