રાષ્ટ્રપતિ શાસનનો અંત! યુમનામ ખેમચંદ સિંહ બનશે મણિપુરના નવા મુખ્યમંત્રી, દિલ્હીમાં લેવાયો મોટો નિર્ણય

મણિપુરમાં એક વર્ષના રાષ્ટ્રપતિ શાસન બાદ નવા મુખ્યમંત્રી નક્કી થયા છે. ભાજપે યુમનામ ખેમચંદ સિંહને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા છે. જાણો તેમની રાજકીય સફર અને મણિપુર વિધાનસભાનું ગણિત.

મણિપુર, બુધવાર
મણિપુરના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયની અટકળો અને રાષ્ટ્રપતિ શાસન બાદ હવે રાજ્યને નવા મુખ્યમંત્રી મળવા જઈ રહ્યા છે. દિલ્હીમાં મળેલી ભારતીય જનતા પાર્ટી (BJP) ની મહત્વની બેઠકમાં યુમનામ ખેમચંદ સિંહના નામ પર મહોર મારવામાં આવી છે. તેમને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે, જેનો સીધો અર્થ છે કે તેઓ હવે મણિપુરના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

દિલ્હીમાં યોજાઈ મહત્વની બેઠક
આજે સાંજે 5 વાગ્યે દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં મણિપુરના ધારાસભ્યોની એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં તમામની નજર એ વાત પર હતી કે રાજ્યની કમાન કોને સોંપવામાં આવશે. ચર્ચાઓના અંતે યુમનામ ખેમચંદ સિંહને સર્વાનુમતે ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ નિર્ણય સાથે જ મણિપુરમાં રાજકીય અનિશ્ચિતતાનો અંત આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં ફેબ્રુઆરી 2025 થી રાષ્ટ્રપતિ શાસન લાગુ હતું. લગભગ એક વર્ષથી મુખ્યમંત્રીનું પદ ખાલી હોવાથી વહીવટી તંત્ર રાષ્ટ્રપતિ શાસન હેઠળ ચાલી રહ્યું હતું. હવે નવા સીએમની વરણી સાથે રાજ્યમાં ફરી લોકશાહી ઢબે સરકાર કાર્યરત થશે.

કોણ છે યુમનામ ખેમચંદ સિંહ?
યુમનામ ખેમચંદ સિંહ મણિપુર ભાજપના એક પીઢ અને અનુભવી નેતા છે. તેમની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો:

ધારાસભ્ય: તેઓ બે વખત (વર્ષ 2017 અને 2022) ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ સિંગજામેઈ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે, જે પાટનગર વિસ્તારમાં આવે છે અને ત્યાં તેમનું પ્રભુત્વ ઘણું મજબૂત માનવામાં આવે છે.
વિધાનસભા અધ્યક્ષ: વર્ષ 2017 માં જ્યારે ભાજપ સરકાર બની ત્યારે તેમને મણિપુર વિધાનસભાના અધ્યક્ષ (સ્પીકર) બનાવવામાં આવ્યા હતા. તેમણે 2022 સુધી આ જવબદારી ખૂબ જ સારી રીતે નિભાવી હતી.
કેબિનેટ મંત્રી: સ્પીકર પદ સંભાળ્યા બાદ, બીરેન સિંહની સરકારમાં તેમને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું હતું. તેમણે પંચાયતી રાજ, શહેરી અને ગ્રામીણ વિકાસ તેમજ શિક્ષણ જેવા મહત્વના વિભાગો સંભાળ્યા હતા. તેમનો આ બહોળો અનુભવ હવે મુખ્યમંત્રી તરીકે કામ આવશે.

મણિપુર વિધાનસભાનું ગણિત
રાજ્યમાં સરકાર બનાવવા માટે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે. મણિપુર વિધાનસભામાં કુલ 60 બેઠકો છે, જેમાંથી હાલ એક બેઠક ધારાસભ્યના નિધનને કારણે ખાલી છે. બાકીની બેઠકોની સ્થિતિ નીચે મુજબ છે:
ભાજપ: 37
નેશનલ પીપલ્સ પાર્ટી (NPP): 6
કોંગ્રેસ: 5
નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF): 5
કુકી પીપલ્સ એલાયન્સ: 2
જનતા દળ યુનાઇટેડ (JDU): 1
અપક્ષ: 3

આમ, 37 બેઠકો સાથે ભાજપ મજબૂત સ્થિતિમાં છે અને હવે યુમનામ ખેમચંદ સિંહના નેતૃત્વમાં નવી સરકાર રાજ્યના વિકાસ માટે કામ કરશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!