છત્તીસગઢના કબીરધામ જિલ્લામાં રવિવારે એક મોટો અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને પાંચ અન્ય લોકો ઘાયલ થયા હતા

છત્તીસગઢ: છત્તીસગઢના કબીરધામ જિલ્લામાં રવિવારે એક મોટો અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને પાંચ અન્ય લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત એક સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV-બોલેરો) અને ટ્રક વચ્ચેની જોરદાર ટક્કરના કારણે થયો હતો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા પાંચ લોકોમાં ત્રણ મહિલાઓ અને એક સગીર વયની છોકરીનો સમાવેશ થાય છે. અકસ્માતમાં જાન ગુમાવનાર તમામ લોકો મૂળરૂપે પશ્ચિમ બંગાળના રહેવાસી હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, આ લોકો પડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં આવેલા કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધા બાદ, કોલકાતા જતી ટ્રેન પકડવા માટે બિલાસપુર તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. પોલીસે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.










