વોટ્સએપે મોબાઈલ નંબર વિના વાત કરવા માટે નવું યુઝરનેમ ફીચર લોન્ચ કર્યું છે. પરંતુ આનાથી ઓનલાઈન ફ્રોડ અને ફેક આઈડીના કિસ્સા વધવાની આશંકા છે. જાણો શા માટે કેન્દ્ર સરકારે આ મામલે તપાસ શરૂ કરી છે.

અમદાવાદ, બુધવાર
વોટ્સએપ આજે આપણા રોજિંદા જીવન અને કમ્યુનિકેશનનો સૌથી મહત્વનો હિસ્સો બની ગયું છે. યુઝર્સના અનુભવને બહેતર બનાવવા કંપની સતત નવા અપડેટ્સ લાવતી રહે છે. તાજેતરમાં જ વોટ્સએપે એક નવું યુઝરનેમ ફીચર લોન્ચ કર્યું છે, જેનાથી તમે મોબાઈલ નંબર શેર કર્યા વિના જ અન્ય લોકો સાથે વાતચીત કરી શકશો. કંપનીનો દાવો છે કે આનાથી લોકોની પ્રાઈવસી વધુ મજબૂત થશે, પરંતુ કેન્દ્ર સરકાર આ નવા ફીચરને લઈને એલર્ટ મોડમાં આવી ગઈ છે.
શા માટે કેન્દ્ર સરકારે શરૂ કરી તપાસ?
સરકારને આશંકા છે કે વોટ્સએપના આ નવા ફીચરથી ઓનલાઈન છેતરપિંડી અને ફેક આઈડીના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર એ બાબતની ઝીણવટભરી તપાસ કરી રહી છે કે ક્યાંક આ સુવિધા સાયબર અપરાધીઓ માટે છેતરપિંડી કરવાનું નવું હથિયાર તો નહીં બની જાય ને. જો આ તપાસ દરમિયાન સુરક્ષામાં કોઈ મોટી ખામી જણાશે, તો વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા (Meta) ને સરકાર દ્વારા કડક નોટિસ પણ મોકલવામાં આવી શકે છે.
ટેલિગ્રામની જેમ જ કામ કરશે નવું ફીચર
વોટ્સએપનું આ નવું યુઝરનેમ ફીચર જાણીતી મેસેજિંગ એપ ટેલિગ્રામની જેમ જ કામ કરે છે. અત્યાર સુધી વોટ્સએપ પર મેસેજ કરવા માટે સામેવાળી વ્યક્તિનો મોબાઈલ નંબર હોવો જરૂરી હતો. હવે યુઝર્સ માત્ર યુઝરનેમ સેટ કરીને એકબીજા સાથે ચેટિંગ કરી શકશે. આનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે તમારે અજાણ્યા લોકો સાથે તમારો પર્સનલ નંબર શેર કરવો નહીં પડે અને તમારી ઓળખ છુપાયેલી રહેશે.
ફેક પ્રોફાઈલથી સાયબર ફ્રોડનો ખતરો
એક તરફ પ્રાઈવસીનો ફાયદો છે, તો બીજી તરફ ફ્રોડનો મોટો ખતરો પણ છે. સરકારી અધિકારીઓનું માનવું છે કે સાયબર ગઠિયાઓ કોઈ બીજાની ઓળખ ચોરીને અથવા ફેક યુઝરનેમ બનાવીને સામાન્ય લોકોને ટાર્ગેટ કરી શકે છે. ભૂતકાળમાં ટેલિગ્રામ પર પણ નકલી પ્રોફાઈલ દ્વારા લોકોને જાળમાં ફસાવવાના અનેક કિસ્સાઓ નોંધાઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર પણ યુઝર્સ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે કોઈ સ્કેમર મોટી કંપની કે સેલિબ્રિટીના નામ સાથે મળતું આવતું યુઝરનેમ બનાવીને લોકોને આસાનીથી ભ્રમિત કરી શકે છે.
વોટ્સએપે સુરક્ષા અંગે શું સ્પષ્ટતા કરી?
સરકાર અને લોકોની ચિંતા વચ્ચે વોટ્સએપે પોતાના બચાવમાં સુરક્ષા અંગે કેટલાક મહત્વના દાવા કર્યા છે, કંપનીના જણાવ્યા અનુસાર દરેક યુઝરનેમ એકદમ યુનિક (Unique) હશે. કોઈ સ્કેમર જાણીતી વ્યક્તિના નામનો દુરુપયોગ ન કરી શકે તે માટે કેટલાક હાઈ-પ્રોફાઈલ નામો અને બ્રાન્ડ્સને પહેલેથી જ સુરક્ષિત (Reserve) રાખવામાં આવશે. આ ઉપરાંત, વોટ્સએપ કોઈ પબ્લિક યુઝરનેમ ડિરેક્ટરી બનાવવાનું નથી. એટલે કે, જ્યાં સુધી તમને કોઈ વ્યક્તિનું ચોક્કસ યુઝરનેમ ખબર નહીં હોય, ત્યાં સુધી તમે તેને સર્ચ કરીને મેસેજ કરી શકશો નહીં.
વોટ્સએપનું યુઝરનેમ ફીચર નંબર છુપાવવા માટે એક ઉત્તમ પગલું છે, પરંતુ તે સાયબર સુરક્ષા માટે કેટલું સેફ છે તે મોટો પ્રશ્ન છે. હાલમાં કેન્દ્ર સરકાર આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે વોટ્સએપે ભારતના યુઝર્સની સુરક્ષા માટે પોતાના પ્લેટફોર્મ પર કયા નવા ફેરફારો કરવા પડશે.











