પ્રેમલગ્ન કરનારી યુવતીનું ફિલ્મી ઢબે અપહરણ: ગાંધીનગરના રાયસણમાં પિયરપક્ષના 5 શખ્સો કારમાં પરિણીતાને ઉઠાવી ગયા, પરિવારને જાનથી મારવાની ધમકી

ગાંધીનગરના રાયસણમાંથી પ્રેમલગ્ન કરનારી 21 વર્ષીય યુવતીનું તેના ભાઈઓ સહિત 5 શખ્સોએ કારમાં ફિલ્મી ઢબે અપહરણ કર્યું. પોલીસે ફરિયાદ નોંધી, જાણો શું છે સમગ્ર મામલો.

ગાંધીનગર, મંગળવાર
પ્રેમલગ્ન કર્યા બાદ માત્ર બે જ મહિનામાં ગાંધીનગરના રાયસણ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં વણજારાવાસમાં રહેતા 21 વર્ષના ઉમેદ વણજારાની પ્રેમલગ્ન કરેલી પત્ની લાભુ રાઠોડનું તેના ભાઈઓ સહિત પાંચ શખ્સોએ બરેલા દિવસે બળજબરીપૂર્વક અપહરણ કર્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે, અને પરિવારે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આઠ મહિનાનો પ્રેમ, ઓગસ્ટ 2025માં લગ્ન
ફરિયાદ મુજબ, ઉમેદના પિતાના અવસાન બાદ તે મજૂરી માટે સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે માસીના ઘરે રહેવા ગયો હતો. ત્યાં તેની માસીની ભત્રીજી લાભુ રાઠોડ સાથે તેને પ્રેમ થયો. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું, પણ જ્યારે લાભુના પરિવારને આ સંબંધની જાણ થઈ, ત્યારે તેઓએ લાભુના લગ્ન બીજે કરાવવાની વાત શરૂ કરી દીધી. આથી, ગત ઓગસ્ટ 2025માં બંને થાનગઢથી ભાગીને 5 સપ્ટેમ્બરે પ્રેમલગ્ન કર્યા અને પતિ-પત્ની તરીકે રાયસણ સ્થિત ઉમેદના ઘરે રહેવા લાગ્યા હતા.

ધમકીઓનો દોર અને ફિલ્મી ઢબે અપહરણ
લાભુના પરિવારજનો આ લગ્નથી સખત નારાજ હતા. તેઓએ ઉમેદના સગા-સંબંધીઓ પર દબાણ લાવવાનું શરૂ કર્યું. લાભુના કાકાના દીકરા અશ્વિન ચંદુજી રાઠોડએ ઉમેદના કાકા નરસીભાઈને ફોન પર અવારનવાર ધમકી આપી હતી કે લાભુને પાછી આપી દો અને છૂટાછેડા કરાવી દો, નહીં તો તેઓ માથાભારે માણસો સાથે આવીને લાભુને ઉઠાવી જશે અને ઉમેદને જીવતો નહીં છોડે.

આ ધમકીઓ વચ્ચે, ગત તારીખ 3 ઓક્ટોબરના રોજ સાંજે આશરે 8 વાગ્યે આ ઘટના બની. ઉમેદ, તેની પત્ની લાભુ, માતા અને બહેન ઘરે જમવાની તૈયારી કરી રહ્યા હતા. તે જ સમયે, લાભુના ભાઈઓ દિનેશ સુંદરજી રાઠોડ અને ખિમાજી સુંદરજી રાઠોડ ઉપરાંત રોહિતભાઈ રબારી અને ઘેલાભાઈ રબારી નામના કુલ ચાર શખ્સો હાથમાં લાકડીઓ લઈને ઘરમાં ઘૂસી ગયા.

ઘરમાં ઘૂસીને આ શખ્સોએ પરિવારને ચૂપચાપ બેસી રહેવા અને પોલીસ ફરિયાદ ન કરવાની ધમકી આપી. જો ફરિયાદ કરી તો કોઈને જીવતા નહીં છોડવાની ધમકી પણ આપી. ત્યારબાદ, આ ચારેય જણાએ લાભુનું મોઢું દબાવીને તેને ઘરની બહાર ઘસડીને લઈ જવાનું શરૂ કર્યું. ઉમેદે વચ્ચે પડવાનો પ્રયત્ન કર્યો તો ખિમાજીએ તેને માર માર્યો, જેના કારણે તે નીચે પડી ગયો. આખરે, ઘરથી થોડે દૂર ઊભી રાખેલી સફેદ કલરની સ્વિફ્ટ કારમાં લાભુનું બળજબરીપૂર્વક અપહરણ કરીને તેઓ ફરાર થઈ ગયા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!