ગાંધીનગરના ચકચારી સાંતેજ ગેંગરેપ કેસમાં કલોલની સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 8 વર્ષ પહેલા 17 વર્ષીય સગીરા પર હેવાનિયત આચરનાર 3 દોષિતોને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારવામાં આવી. જાણો શું હતી સમગ્ર ઘટના.

ગાંધીનગર, બુધવાર
ગાંધીનગર જિલ્લાના એક સંવેદનશીલ કેસમાં કલોલની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક ઐતિહાસિક અને સમાજમાં દાખલો બેસાડતો ચુકાદો આપ્યો છે. લગભગ 8 વર્ષ પહેલાં, એક 17 વર્ષીય સગીરાના અપહરણ અને સામૂહિક બળાત્કારની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. આ કેસમાં કોર્ટે ત્રણ મુખ્ય આરોપીઓને દોષિત ઠેરવીને તેમના છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે.
પ્રેમ સંબંધનો ભયંકર અંત આવ્યો
આ ઘટનાની શરૂઆત 11 જુલાઈ, 2018 ના રોજ થઈ હતી. સાંતેજ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય પીડિતાને તેના સ્કૂલ સમયના મિત્ર વિપુલ સેંધાજી ઠાકોર સાથે પ્રેમ સંબંધ હતો. વિપુલે પૂર્વ-આયોજિત કાવતરાના ભાગરૂપે સગીરાને બાઇક પર બેસાડીને સઈજ ગામના એક ખેતરમાં લઈ ગયો. ત્યાં અંધારાનો લાભ લઈને તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
મદદના બહાને વધુ એક હેવાનિયત
આઘાતમાં સરી પડેલી સગીરા જ્યારે રડી રહી હતી, ત્યારે વિપુલે તેને ધમકાવીને ચૂપ કરાવી દીધી અને તેનો મોબાઇલ અને દુપટ્ટો લઈને તેને શેરીસા કેનાલ પાસે એકલી છોડીને ભાગી ગયો. સુમસાન જગ્યાએ રડતી પીડિતાએ મદદ માટે એક કારને રોકી. તે કાર ચાલકને પોતાની આપવીતી જણાવી રહી હતી, તે જ સમયે બે બાઇક પર પાંચ યુવકો ત્યાં આવી પહોંચ્યા.
તેમણે કાર ચાલકને ત્યાંથી જતા રહેવા કહ્યું અને પોતે સગીરાને દવાખાને લઈ જશે તેવો દેખાવ કર્યો. પરંતુ, મદદ કરવાને બદલે તેઓ સગીરાને નજીકના એક નાળિયામાં લઈ ગયા. ત્યાં અરવિંદ મેલાજી ઠાકોર (ઉંમર 24) અને બળદેવ ઉર્ફે પપ્પુ ઠાકોર (ઉંમર 24) એ અન્ય એક સગીર આરોપીની મદદથી પીડિતા પર ફરીથી સામૂહિક દુષ્કર્મ આચર્યું. આ સમયે તેમની સાથેના અન્ય બે યુવકોએ આ કૃત્યનો વિરોધ કરતા કહ્યું કે, આવું ન કરાય, આ આપણી બહેન કહેવાય, પરંતુ ત્રણેય આરોપીઓએ તેમને ગાળો આપીને ભગાડી દીધા હતા.
પીડિતાની દર્દનાક હાલત અને પોલીસ ફરિયાદ
આ હેવાનિયત અને ધોધમાર વરસાદને કારણે પીડિતા બેભાન થઈ ગઈ હતી. થોડા સમય પછી જ્યારે તેને ભાન આવ્યું, ત્યારે તે નજીકના એક મંદિરે પહોંચી અને ત્યાં ફરીથી બેભાન થઈ ગઈ. ત્યારબાદ તેને સીધી સિવિલ હોસ્પિટલમાં ભાન આવ્યું હતું. આ સમગ્ર મામલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં વિપુલ ઠાકોર, અરવિંદ ઠાકોર અને બળદેવ ઠાકોર સહિત સગીર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
કોર્ટનો સખત ચુકાદો
આ કેસ કલોલની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો, જ્યાં સરકારી વકીલ જીગ્નેશ જોશીએ સમાજમાં દાખલો બેસે તેવી કડકમાં કડક સજાની માંગ કરી. કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને પાંચમા સેશન્સ જજ બી. આર. રાજપૂતે ત્રણેય મુખ્ય આરોપીઓ – વિપુલ ઠાકોર, અરવિંદ ઠાકોર અને બળદેવ ઉર્ફે પપ્પુ ઠાકોરને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા સંભળાવી. આ સાથે જ કોર્ટે પીડિતાને 5 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.










