અમદાવાદમાં એક અનોખા કિસ્સામાં લસણ-ડુંગળી ખાવાના વિવાદે 11 વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો. જાણો કેવી રીતે રસોડાનો આ ઝઘડો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો અને આખરે શું ચુકાદો આવ્યો.

અમદાવાદ, બુધવાર
લગ્નજીવનમાં નાના-મોટા ઝઘડા થવા એ સામાન્ય બાબત છે, પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે લસણ અને ડુંગળી જેવા રસોડાના સામાન્ય મસાલા કોઈના 11 વર્ષના સંબંધને તોડી શકે છે? અમદાવાદમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ખાણી-પીણીની આદતોના કારણે એક દંપતીના છૂટાછેડા થઈ ગયા અને મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો.
શું હતો સમગ્ર વિવાદ?
આ કહાનીની શરૂઆત વર્ષ 2002માં થઈ, જ્યારે દંપતીના લગ્ન થયા. પત્ની સ્વામિનારાયણ સંપ્રદાયનું ચુસ્તપણે પાલન કરતી હતી, જેના કારણે તે લસણ-ડુંગળીથી સંપૂર્ણપણે દૂર રહેતી હતી. બીજી તરફ, પતિના પરિવારમાં ખાણી-પીણી પર આવો કોઈ પ્રતિબંધ ન હતો. શરૂઆતમાં તો બધું ઠીક ચાલ્યું, પણ સમય જતાં પતિ અને સાસુએ પત્ની પર લસણ-ડુંગળી ખાવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. પત્ની પોતાની ધાર્મિક માન્યતાઓને વળગી રહી, જેના કારણે ઘરમાં રોજ કંકાસ થવા લાગ્યો. વાત એટલી વણસી કે ઘરમાં બે અલગ-અલગ રસોઈ બનવા લાગી.
મામલો કોર્ટ સુધી પહોંચ્યો
રોજ-રોજના કંકાસથી કંટાળીને, પત્ની પોતાના બાળક સાથે પતિનું ઘર છોડીને જતી રહી. આ ઘટના બાદ, વર્ષ 2013માં પતિએ અમદાવાદની ફેમિલી કોર્ટમાં ક્રૂરતાના આધારે છૂટાછેડા માટે અરજી કરી. લાંબા સમય સુધી કેસ ચાલ્યા બાદ, મે 2024માં ફેમિલી કોર્ટે પતિની અરજી મંજૂર કરી અને છૂટાછેડાને મંજૂરી આપી. કોર્ટે પતિને પત્નીને ભરણપોષણ ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો.
હાઇકોર્ટે પણ લગાવી મહોર
ફેમિલી કોર્ટના આ ચુકાદાથી અસંતુષ્ટ થઈને બંને પક્ષોએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા. પત્નીએ છૂટાછેડાના નિર્ણય અને ભરણપોષણની રકમને પડકારી, જ્યારે પતિએ ભરણપોષણના આદેશ સામે વાંધો ઉઠાવ્યો.
જોકે, હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન પત્નીએ જણાવ્યું કે હવે તેને છૂટાછેડા સામે કોઈ વાંધો નથી. પતિએ પણ બાકી રહેતી ભરણપોષણની રકમ કોર્ટની રજિસ્ટ્રીમાં હપ્તેથી જમા કરાવવાની સંમતિ આપી. આખરે, ગુજરાત હાઇકોર્ટે ફેમિલી કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો અને પત્નીની અરજી ફગાવી દીધી. આમ, લસણ અને ડુંગળી જેવી સામાન્ય બાબતથી શરૂ થયેલો વિવાદ છૂટાછેડા સુધી પહોંચ્યો અને 11 વર્ષ જૂના સંબંધનો અંત આવ્યો. આ અનોખો કિસ્સો હાલ અમદાવાદમાં ચર્ચાનો વિષય બન્યો છે.










