આજથી ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા, હેલ્પલાઇન નંબર અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના નવા નિયમો વિશે અહીં વાંચો.

ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાતભરના લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આજથી (26મી ફેબ્રુઆરી) વિધિવત પ્રારંભ થયો છે. રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ લેવાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્રથી લઈને પોલીસ વિભાગ સુધી સૌ કોઈ વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધા માટે ખડેપગે છે.
કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા?
આ વર્ષે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી મોટી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, રાજ્યભરમાંથી કુલ 16.63 લાખથી વધુ વિદ્યાર્થીઓ (ગુજકેટ સહિત) નોંધાયા છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:
* ધોરણ 10: 9.07 લાખથી વધુ વિદ્યાર્થીઓ
* ધોરણ 12 (સામાન્ય પ્રવાહ): 5.01 લાખથી વધુ વિદ્યાર્થીઓ
* ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ): 1.19 લાખથી વધુ વિદ્યાર્થીઓ
આ તમામ વિદ્યાર્થીઓ માટે રાજ્યભરમાં કુલ 1701 પરીક્ષા સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે.
પરીક્ષા કેન્દ્રો અને ઝોનની વ્યવસ્થા
પરીક્ષા વ્યવસ્થાપનને સરળ બનાવવા માટે રાજ્યમાં અલગ-અલગ ઝોન પાડવામાં આવ્યા છે. ધોરણ 10 (SSC) માટે કુલ 87 ઝોન અને ધોરણ 12 (HSC) માટે 59 ઝોનની રચના કરાઈ છે.
ધોરણ 10 માટે કુલ 1006 કેન્દ્રો છે.
ધોરણ 12 માટે કુલ 695 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે (જેમાં સામાન્ય પ્રવાહના 539 અને સાયન્સના 156 કેન્દ્રોનો સમાવેશ થાય છે).
દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર
આ વખતે બોર્ડ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ વખત એવો નિયમ લાગુ કરાયો છે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓને 3 કલાકના પેપરમાં પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારે આપવામાં આવશે. એટલે કે તેમને પેપર લખવા માટે પૂરતો સમય મળી રહેશે.
વિદ્યાર્થી રસ્તામાં અટવાય તો પોલીસ બનશે મદદગાર
પરીક્ષાના દિવસે ટ્રાફિક, વાહન બગડવું કે એડ્રેસ ન મળવું જેવી સમસ્યાઓ વિદ્યાર્થીઓને મુંઝવતી હોય છે. આ માટે તંત્રએ ખાસ વ્યવસ્થા કરી છે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર શોધવામાં મુશ્કેલી અનુભવે અથવા રસ્તામાં વાહન ખરાબ થઈ જાય, તો ગભરાવાની જરૂર નથી.
આવી સ્થિતિમાં વિદ્યાર્થી કે વાલીએ તાત્કાલિક કંટ્રોલરૂમમાં જાણ કરવાની રહેશે. જાણ થતાની સાથે જ પોલીસ તે વિદ્યાર્થીને તેમના નિયત પરીક્ષા કેન્દ્ર પર સુરક્ષિત રીતે પહોંચાડશે. આ માટે જિલ્લા શિક્ષણાધિકારીએ પોલીસ સાથે સંકલન સાધીને વ્યવસ્થા ગોઠવી છે.
મદદ માટે આ નંબરો નોંધી લો (Helpline Numbers)
વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈપણ મૂંઝવણ હોય તો માર્ગદર્શન મેળવવા માટે ખાસ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે.
જિલ્લા કંટ્રોલરૂમ નંબર: 079 232 20314
આ નંબર સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે (જાહેર રજાના દિવસે પણ). અહીં તમે પરીક્ષા કેન્દ્ર ન મળતું હોય કે અન્ય કોઈ ઈમરજન્સી હોય તો ફોન કરી શકો છો.
રાજ્ય કક્ષાની હેલ્પલાઇન: 1800 233 5500
આ ટોલ-ફ્રી નંબર સવારે 10 થી સાંજે 6:30 સુધી કાર્યરત રહેશે.
ગુજરાત બોર્ડ અને પોલીસ વિભાગ વિદ્યાર્થીઓને અપીલ કરે છે કે તેઓ તણાવમુક્ત થઈને, શાંત મને પરીક્ષા આપે. તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ‘બેસ્ટ ઓફ લક’.











