ગુજરાતના રાજકારણમાં ગરમાવો: વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠા ભરવાડનું રાજીનામું, જાણો શું છે અંદરની વાત

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે અચાનક રાજીનામું આપી દેતા રાજકારણમાં ચર્ચા જાગી છે. કામના ભારણ અને સામાજિક જવાબદારીનું કારણ આગળ ધરી તેમણે સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે. વાંચો આ નિર્ણય પાછળની સંપૂર્ણ વિગત.

ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાતના રાજકીય ગલિયારામાંથી આજે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવતા જેઠા ભરવાડે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. અનેક મોટી સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા અને પીઢ નેતા ગણાતા જેઠા ભરવાડે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. જોકે, અચાનક આવેલી આ ખબરને કારણે રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે, પરંતુ સત્તાવાર રીતે જે કારણો સામે આવ્યા છે તે સીધા તેમની વ્યસ્તતા સાથે જોડાયેલા છે.

આ રાજીનામું કોઈ બંધ બારણે નહીં, પણ પક્ષના શીર્ષ નેતૃત્વની હાજરીમાં આપવામાં આવ્યું હતું. જ્યારે જેઠા ભરવાડ રાજીનામું આપવા ગયા ત્યારે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકર પણ પ્રત્યક્ષ રીતે હાજર હતા. જેઠા ભરવાડે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું હતું, જેનો તેમણે તત્કાલ સ્વીકાર પણ કરી લીધો હતો. આ ઘટનાક્રમ સૂચવે છે કે આ નિર્ણય પક્ષ અને નેતા વચ્ચેની સમજૂતીથી લેવામાં આવ્યો છે.

હવે સવાલ એ થાય છે કે રાજીનામું કેમ આપવું પડ્યું? આ અંગે ખુલાસો કરતા જેઠા ભરવાડે જણાવ્યું હતું કે, તેમના પર કામનું ભારણ ઘણું વધારે હતું. તેઓ અન્ય હોદ્દાઓ અને સામાજિક જવાબદારીઓમાં વ્યસ્ત હોવાને કારણે આ નિર્ણય લીધો છે. રાજીનામા બાદ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “ચર્ચા કરનારા ભલે ચર્ચા કરતા રહે, મને તેનાથી કોઈ ફેર પડતો નથી. મેં મારી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. કામનો લોડ વધારે હતો અને મારો હેતુ એ પણ છે કે હવે આ સ્થાન પર અન્યોને પણ કામ કરવાનો મોકો મળવો જોઈએ.”

જેઠા ભરવાડની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો તેઓ ગુજરાત ભાજપના એક મજબૂત અને પ્રભાવશાળી નેતા છે. તેઓ પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક પરથી ચૂંટાય છે અને આ વિસ્તારમાં તેમનું સારું એવું પ્રભુત્વ છે. શહેરા બેઠક પરથી તેઓ 2012, 2017 અને 2022માં સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. રાજકારણ સિવાય સહકારી ક્ષેત્રે પણ તેમનું નામ ખૂબ મોટું છે. તેઓ પંચામૃત ડેરીના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા અને અગાઉ NAFED જેવી રાષ્ટ્રીય સંસ્થાના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. આમ, સહકારી ક્ષેત્ર અને રાજનીતિ બંનેમાં સક્રિય હોવાથી કામનું ભારણ સ્વાભાવિક રીતે જ વધુ રહેતું હતું.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!