ગાંધીનગરમાં વ્યાજખોરોનો ત્રાસ: 1.61 કરોડ સામે 1.80 કરોડ ચૂકવ્યા છતાં વેપારીને જાનથી મારી નાખવાની ધમકી, 7 સામે પોલીસ ફરિયાદ

ગાંધીનગરના રાંધેજામાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. એક યુવા વેપારીએ વ્યાજખોરોને મુદલ કરતાં વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ મામલે 7 શખ્સો સામે ગુનો નોંધાયો છે.

ગાંધીનગર, મંગળવાર
ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જરૂરિયાતમંદ લોકો મજબૂરીમાં ઊંચા વ્યાજે રૂપિયા લે છે અને પછી આખી જિંદગી વ્યાજનું ચક્રવ્યૂહ તોડી શકતા નથી. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ગાંધીનગરના રાંધેજામાંથી સામે આવ્યો છે, જ્યાં એક ઓટોમોબાઈલના વેપારીએ લાખો-કરોડો રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરો તેને જીવવા દેતા નથી.

શું છે સમગ્ર મામલો?
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગરના રાંધેજા ગામમાં રહેતા અને મેટ્રો ઓટોમોબાઈલ નામનું ગેરેજ ચલાવતા ધ્રુવકુમાર રમેશભાઈ દેસાઈએ ધંધામાં આર્થિક ભીડ પડતા વ્યાજે રૂપિયા લીધા હતા. છેલ્લા 4 વર્ષ દરમિયાન તેમણે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી 2 ટકાથી લઈ અઠવાડિયે 10 ટકા જેટલા તોતિંગ વ્યાજે નાણાં લીધા હતા. જોકે, મુદલ કરતાં અનેકગણું વ્યાજ ચૂકવ્યા પછી પણ વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ નથી.

મુદલ કરતાં વધુ ચૂકવ્યા છતાં ઉઘરાણી ચાલુ
ધ્રુવ દેસાઈની ફરિયાદ અનુસાર, તેમણે કોલવડા ગામના કરણસિંહ વાઘેલા પાસેથી 1.61 કરોડ રૂપિયા લીધા હતા. તેની સામે અત્યાર સુધીમાં તેમણે કુલ 1.80 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. આમ છતાં, કરણસિંહ હજુ પણ પઠાણી ઉઘરાણી કરી રહ્યો છે અને પૈસા માટે દબાણ કરી રહ્યો છે.

અન્ય વ્યાજખોરોનો ત્રાસ અને ધમકીઓ
ફરિયાદીએ પોલીસને આપેલી વિગતો મુજબ અન્ય શખ્સોનો ત્રાસ નીચે મુજબ છે:

જમીન વેચીને દેવું ભર્યું છતાં ત્રાસ: સેકટર 26માં રહેતા તેજાભાઇ દેસાઈ પાસેથી ધ્રુવભાઈએ ટુકડે-ટુકડે 17.20 લાખ રૂપિયા લીધા હતા. આ પૈસા ભરવા માટે તેમણે પોતાની જમીન પણ વેચી દીધી અને નાણાં પરત કર્યા, છતાં તેજાભાઈ હજુ વ્યાજની માંગણી કરી રહ્યા છે.

દૈનિક 4 ટકા વ્યાજ: રાંધેજાના મીનત પટેલ પાસેથી 24 લાખ રૂપિયા લીધા હતા, જેનું દરરોજનું 4 ટકા લેખે 96 હજાર રૂપિયા વ્યાજ ધ્રુવભાઈ ચૂકવતા હતા. આ રકમ ચૂકવાઈ ગઈ હોવા છતાં મીનત પટેલ ચેક પાછો આપતા નથી.

ઘર ખાલી કરાવવાની ધમકી: રાંધેજાના હાર્દિક પટેલ પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા, જેના બદલામાં 10 ટકા લેખે વ્યાજ ચૂકવ્યું છે. તેમ છતાં હાર્દિક હવે ઘર ખાલી કરાવી દેવાની ધમકી આપે છે.
ચેક પરત ન આપવા: ઈન્દ્રોડાના અશોકજી ઠાકોર પાસેથી લીધેલા 1 લાખ રૂપિયા વ્યાજ સહિત આપી દીધા છે, પણ તેઓ સિક્યુરિટી પેટે આપેલો ચેક પાછો આપતા નથી. તેવી જ રીતે સેકટર 26ના તેજપાલસિંહ વાઘેલા અને સુરેન્દ્રસિંહ ગજેરાને પણ નાણાં ચૂકવી દીધા હોવા છતાં તેઓ જૂના ચેક રાખીને માનસિક ત્રાસ આપી રહ્યા છે.

પોલીસ કાર્યવાહી
વ્યાજખોરો સિક્યુરિટી પેટે રાખેલા કોરા ચેક પાછા આપતા નથી અને વેપારી તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે. આથી કંટાળીને ધ્રુવ દેસાઈએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગંભીરતા દાખવીને ઉક્ત સાતેય વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!