અમદાવાદમાં હાઈપ્રોફાઈલ ઠગાઈ: શેરબજારમાં 50% નફાની લાલચ આપી સગા મામા પાસેથી 10 કરોડ ખંખેરનાર CA દંપતીની ધરપકડ

અમદાવાદમાં મોટું કૌભાંડ! શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી સગા મામા અને સંબંધીઓ પાસેથી 10 કરોડથી વધુ પડાવનાર CA દંપતીની EOW પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર મામલો.

અમદાવાદ, બુધવાર
અમદાવાદમાં પૈસા કમાવવાની લાલચમાં પોતાના જ સગા સંબંધીઓને છેતરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. શહેરમાં એક મોટો ખુલાસો થયો છે, જ્યાં એક ભણેલા-ગણેલા CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) દંપતીએ શેરબજારમાં રોકાણના નામે પોતાના જ સગા મામા અને અન્ય સંબંધીઓ પાસેથી 10 કરોડથી વધુ રકમ ખંખેરી લીધી છે. અમદાવાદ ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) એ આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને ઠગાઈ આચરનાર આરોપી દંપતીની ધરપકડ કરી છે.

લાલચ આપીને સગા મામાને જ બનાવ્યા શિકાર
પ્રાપ્ત માહિતી અનુસાર, જગતપુર અને ગાંધીનગરમાં CA ફર્મ ચલાવતા જવલીન નાયક (જે જોય અથવા જયપ્રકાશ તરીકે પણ ઓળખાય છે) અને તેની પત્ની બોસકી નાયકે આયોજનપૂર્વક આ મોટું કૌભાંડ આચર્યું છે. આ દંપતીએ તેમના કૌટુંબિક મામા કૌશલ નાયકને વિશ્વાસમાં લઈ જણાવ્યું હતું કે તેમને મોટી કંપનીઓ સાથે સીધા કરાર છે. તેમણે શેરબજારમાં રોકાણ કરીને મહિને 3% અથવા કુલ 50% જેટલા જંગી નફાની લાલચ આપી હતી.

આરોપીઓ પોતે CA હોવાથી અને દેખાડા માટે એકદમ લક્ઝુરિયસ (લેવિશ) લાઈફસ્ટાઈલ જીવતા હોવાથી, સંબંધીઓને તેમની આર્થિક સદ્ધરતા પર જલ્દી વિશ્વાસ આવી ગયો હતો. પરિણામે, વર્ષ 2021 થી 2025 દરમિયાન લાંબા ગાળાના રોકાણના બહાને મામા કૌશલ નાયકે આશરે 5.91 કરોડ અને અન્ય 6 થી 7 સગા-સંબંધીઓએ મળીને 4.44 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આમ, કુલ 10.36 કરોડથી વધુની રકમ આ દંપતીએ પડાવી લીધી હતી.

કૌભાંડનો પર્દાફાશ કેવી રીતે થયો?
આ સમગ્ર હાઈપ્રોફાઈલ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ફરિયાદી કૌશલ નાયકની દીકરીને USA જવા માટે વિઝા પ્રક્રિયા અર્થે અચાનક પૈસાની જરૂર પડી. તેમણે આરોપી ભાણિયા પાસે પોતાના રોકાણ કરેલા રૂપિયા પરત માંગ્યા. પરંતુ પૈસા પાછા આપવાને બદલે, આરોપીઓએ મામાના બેંક એકાઉન્ટમાં 50 લાખ રૂપિયા જમા કરાવ્યા હોવાની એક તદ્દન બોગસ (નકલી) બેંક સ્લીપ તેમને પકડાવી દીધી. જ્યારે બેંકમાં તપાસ કરતા આ સ્લીપ ખોટી હોવાની જાણ થઈ, ત્યારે મામાને સમજાયું કે તેમની સાથે બહુ મોટી છેતરપિંડી થઈ છે અને છેવટે આરોપીઓએ પૈસા આપવાની પણ ચોખ્ખી ના પાડી દીધી હતી.

નકલી કંપની અને બનાવટી સહીઓનો ખેલ
પોલીસ તપાસમાં એ પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ શાતિર દંપતીએ છેતરપિંડી કરવાના ઈરાદે ફરિયાદી મામાના નામે જ એક બોગસ કંપની ઊભી કરી દીધી હતી. એટલું જ નહીં, તેમાં મામાની ખોટી સહીઓ કરીને લાખો રૂપિયાના ગેરકાયદેસર બેંક ટ્રાન્ઝેક્શન પણ કર્યા હતા.

પોલીસની કડક કાર્યવાહી અને 21 જૂન સુધીના રિમાન્ડ
આ બનાવ અંગે જાણ થતાં જ EOW માં સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો હતો. EOW ના ACP એ સમગ્ર મામલે જણાવ્યું કે, “પોલીસે તાત્કાલિક એક્શન લઈને જવલીન અને બોસકીની ધરપકડ કરી છે અને તેમને કોર્ટમાં રજૂ કરીને 21 જૂન સુધીના રિમાન્ડ પણ મેળવી લીધા છે.”

મની ટ્રેલની સઘન તપાસ: આરોપીઓ CA હોવાથી નાણાકીય લેવડદેવડ કેવી રીતે છુપાવવી તેમાં ખૂબ માહેર છે. આથી પોલીસે હવે મની ટ્રેલ શોધવાની કવાયત હાથ ધરી છે.
મિલકતો થશે જપ્ત: આ 10 કરોડ રૂપિયા ક્યાં છુપાવ્યા છે અથવા ક્યાં રોકાણ કર્યા છે તેની તપાસ ચાલી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આરોપીઓએ પોતાના કે અન્યના નામે જે પણ મિલકતો વસાવી હશે તેને શોધીને ટૂંક સમયમાં સીઝ (જપ્ત) કરવામાં આવશે.

અન્ય ભોગ બનનારને અપીલ
હાલમાં આ કેસમાં અન્ય કોઈ નવા પીડિત સામે આવ્યા નથી. પરંતુ, પોલીસનું માનવું છે કે આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી અન્ય લોકોને પણ છેતરવામાં આવ્યા હોઈ શકે છે. જો કોઈ અન્ય વ્યક્તિ આ દંપતીની ઠગાઈનો ભોગ બની હોય, તો તેમને ડર્યા વિના આગળ આવીને પોલીસનો સંપર્ક કરવા અને ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!