અમદાવાદના નહેરૂનગરમાં 675 કરોડની જમીન પચાવી પાડવા નિવૃત્ત DySP એ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું. પોલીસે પુત્ર અને પુત્રી સાથે ધરપકડ કરી મોટો પર્દાફાશ કર્યો છે.

અમદાવાદ, શુક્રવાર
અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા નહેરૂનગરમાં બે દિવસ પહેલા થયેલા ફાયરિંગ કેસમાં મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. પાથરણા બજારમાં થયેલા 5 રાઉન્ડ ફાયરિંગ પાછળ 675 કરોડ રૂપિયાની કિંમતી જમીનનો વિવાદ જવાબદાર છે. આ કેસમાં ફાયરિંગ કરનાર કોઈ સામાન્ય ગુનેગાર નહીં, પરંતુ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ છે. સેટેલાઈટ પોલીસે કડક કાર્યવાહી કરતા અશોકસિંહ અને તેમના દીકરા-દીકરીની ધરપકડ કરીને તેમને જેલના હવાલે કરી દીધા છે.
દાદાની નોકરી અને પિતાની ચાની કીટલીથી જમીન પચાવવાનો ખેલ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે નહેરૂનગરમાં આવેલી પોણા 6 વીઘા (આશરે 13,500 ચોરસ મીટર) જમીન પર નિવૃત્ત DySP ની નજર બગડી હતી. આ જમીનની આજની બજાર કિંમત 675 કરોડ રૂપિયાથી પણ વધુ છે. વર્ષો પહેલાં અશોકસિંહ ચૌહાણના દાદા આ જ જગ્યા પર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને તેમના પિતા પ્યારેસિંહ ત્યાં ચાની કીટલી ચલાવતા હતા. આ જૂના કનેક્શનનો ગેરલાભ ઉઠાવીને અશોકસિંહ પોતે ભાડૂઆત છે તેવા ખોટા દસ્તાવેજો ઊભા કરીને આખી જમીન હડપ કરવાનો કારસો રચી રહ્યા હતા.
કાયદાકીય લડતમાં દરેક વખતે મળી હાર
કરોડોની જમીન પચાવી પાડવા માટે ચૌહાણ પરિવારે કાયદાનો દુરુપયોગ કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું, પરંતુ દર વખતે કોર્ટ અને તંત્રએ તેમને લપડાક આપી છે:
વર્ષ 2000: મામલતદારે અશોકસિંહનો દાવો ફગાવી દીધો. જેની સામે SDM માં અપીલ કરતા ત્યાં પણ મામલતદારનો ઓર્ડર માન્ય રાખી દાવો નકારી કાઢવામાં આવ્યો.
વર્ષ 2016: સિટી સિવિલ કોર્ટે પણ તેમનો ભાડૂઆત હોવાનો દાવો ફગાવી દીધો. છતાં અશોકસિંહે પોતાના IT રિટર્નમાં આ જમીન પોતાની હોવાનું ગેરકાયદેસર રીતે દર્શાવ્યું હતું.
વર્ષ 2023 અને 2026: એપ્રિલ 2023 માં તેમણે ‘એડવર્સ પઝેશન’ (લાંબા સમયના ગેરકાયદે કબજાના આધારે માલિકી હક) માટે અરજી કરી. પરંતુ જમીનના મૂળ માલિક બપિન વાડીલાલ મહેતાના વારસદારોની રજૂઆત બાદ 6 મે 2026ના રોજ કોર્ટે આ ઓર્ડર પણ રિજેક્ટ કરી દીધો.
ગેરકાયદે ભાડું વસૂલવાનું મોટું કૌભાંડ
કોઈ કાયદેસરનો હક ન હોવા છતાં, ચૌહાણ પરિવારે વર્ષ 2025 માં પાથરણાવાળાઓ સાથે ગેરકાયદેસર રીતે ભાડા કરાર કરી લીધા હતા. તેમણે વેપારીઓ પાસેથી આશરે 30 લાખ રૂપિયા એડવાન્સ લીધા અને દર મહિને 1 લાખ રૂપિયા જેટલું ભાડું વસૂલવાનું ચાલુ કરી દીધું હતું. જોકે, પાછળથી AMC (કોર્પોરેશન) દ્વારા કાર્યવાહી કરીને આ ગેરકાયદે બજાર બંધ કરાવી દેવાયું હતું.
5 રાઉન્ડ ફાયરિંગ અને પુત્ર-પુત્રીની દાદાગીરીનો વિડીયો વાયરલ
6 મે 2026 ના રોજ કોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ ચૌહાણ પરિવાર ઉશ્કેરાઈ ગયો હતો. જેમને જગ્યા ભાડે આપી હતી તેમની સાથે જ વિવાદ વકર્યો અને અદાવતમાં નિવૃત્ત DySP અશોકસિંહે ધડાધડ 5 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન સોશિયલ મીડિયા અને CCTV ના ચોંકાવનારા ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં અશોકસિંહના દીકરા અને દીકરી હાથમાં લોખંડની પાઇપ, સળિયા અને ધોકા લઈને લોકોને ધમકાવતા અને જમીનની રખેવાળી કરતા દેખાયા હતા. આખરે પોલીસે આ વીડિયો અને પુરાવાઓના આધારે નિવૃત્ત DySP સહિત તેમના પુત્ર અને પુત્રી સામે ગુનો નોંધીને ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.











