અમદાવાદના નારોલમાં શ્રીજી કલર કેમ કંપની સાથે 68 લાખ રૂપિયાની છેતરપિંડી. પરિચિત વેપારીએ ઉધાર માલ અને રોકાણની લાલચ આપી લાખો રૂપિયા પચાવી પાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદ, મંગળવાર
વેપારમાં વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે, પરંતુ જ્યારે કોઈ પોતાનો જ માણસ આ વિશ્વાસ તોડે છે ત્યારે લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. તાજેતરમાં જ અમદાવાદના નારોલ વિસ્તારમાંથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કાપડના કલરનો બિઝનેસ કરતી એક જાણીતી કંપની સાથે પરિચિત વેપારીએ જ અધધ રૂ. 68 લાખથી વધુની છેતરપિંડી આચરી છે. કલર નો વેપાર કરતા વેપારીએ જ કંપનીને ચૂનો ચોપડી દેતા આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
10 વર્ષનો પરિચય અને વિશ્વાસઘાત
નારોલ વિસ્તારમાં રહેતા 37 વર્ષીય ગોપાલભાઈ રાણાભાઈ ભરવાડ છેલ્લા 8 વર્ષથી શ્રીજી કલર કેમ નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની કંપની કાપડના કલરના વ્યવસાય સાથે સંકળાયેલી છે. તેમની જ લાઈનમાં અને નારોલ વિસ્તારમાં જ જલારામ ડાયસ્ટફ નામે ધંધો કરતા જયમીનભાઈ પ્રવીણભાઈ ઠક્કર સાથે ગોપાલભાઈની કંપનીને છેલ્લા 10 વર્ષથી સારો પરિચય હતો. વર્ષ 2019 માં જયમીનભાઈએ પોતાના ધંધાની સારી સ્થિતિનું ચિત્ર ઊભું કર્યું અને સમયસર પેમેન્ટ આપવાની ખાતરી આપીને કંપનીનો પૂરો વિશ્વાસ જીતી લીધો હતો.
ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ ઊંચા કરી દીધા
વિશ્વાસ કેળવાયા બાદ, એપ્રિલ 2023 થી માર્ચ 2024 ના સમયગાળા દરમિયાન આરોપી જયમીનભાઈએ શ્રીજી કલર કેમ પાસેથી 60 દિવસની ઉધારી પર કુલ રૂ. 75,83,556 નો માલ ખરીદ્યો હતો. જોકે, પેમેન્ટ કરવાનો સમય આવ્યો ત્યારે તેમણે માત્ર રૂ. 21,75,000 જ ચૂકવ્યા હતા. બાકીના રૂ. 54,08,556 આપવાના બહાના કાઢીને હાથ અદ્ધર કરી દીધા હતા.
રોકાણની લાલચ આપી વધુ રૂપિયા પડાવ્યા
માલના રૂપિયા તો બાકી જ હતા, તેમાં આરોપીએ ઠગાઈનો નવો કીમિયો અપનાવ્યો. ધંધામાં સારું વળતર મળશે તેવી મોટી મોટી વાતો કરીને જયમીનભાઈએ ગોપાલભાઈની કંપની પાસેથી વધુ રૂ. 20,00,000 નું રોકાણ પોતાના અને પોતાની પત્નીના બેંક ખાતામાં કરાવી લીધું. આ રોકાણમાંથી પણ માત્ર રૂ. 6,00,000 પરત કર્યા અને બાકીના રૂ. 14,00,000 ઓળવી ગયા હતા.
આરોપી દંપતી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
આમ, ઉધાર માલના રૂ. 54,08,556 અને રોકાણના નામે પડાવેલા રૂ. 14,00,000 મળીને કુલ રૂ. 68,08,556 ની માતબર રકમ પરત ન મળતા આખરે કંપનીના મેનેજર ગોપાલભાઈએ કાયદાનો આશરો લીધો છે. તેમણે આરોપી જયમીન ઠક્કર અને તેમની પત્ની વિરુદ્ધ પોલીસમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના કાપડ બજારના અન્ય વેપારીઓ માટે પણ એક લાલબત્તી સમાન છે કે ધંધામાં માત્ર ઓળખાણ પર લાખો રૂપિયાની ઉધારી કેટલી ભારે પડી શકે છે.











