મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ વ્યક્ત કર્યો શોક : ગૌતમ અદાણીએ દુર્ઘટનાને ગણાવી ખૂબ જ દુઃખી
અમદાવાદ, શુક્રવાર : ગુજરાતના અમદાવાદમાં ગઈકાલે થયેલા કરુણ પ્લેન ક્રેશને પગલે સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા છે જ્યારે એકમાત્ર વ્યક્તિનો આશ્ચર્યજનક રીતે બચાવ થયો છે. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, પરંતુ ટેકઓફ થયા બાદ તરત જ ક્રેશ થયું હતું. આ શોકજનક ઘટના પર ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, આનંદ મહિન્દ્રા, હર્ષ ગોયેન્કા અને વિજય માલ્યા સહિત અનેક દિગ્ગજોએ દુઃખ વ્યક્ત કર્યું છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ વ્યક્ત કર્યો શોક
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીએ અમદાવાદ વિમાન દુર્ઘટના પર ગહન શોક વ્યક્ત કર્યો છે. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “નીતા અને હું, સમગ્ર રિલાયન્સ પરિવાર સાથે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં થયેલા જાનહાનિથી ખૂબ જ દુઃખી છીએ. અમે આ દુ:ખદ ઘટનાથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ. દુઃખની આ ઘડીમાં રિલાયન્સ રાહત કામગીરીમાં સંપૂર્ણ મદદ કરશે અને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા તૈયાર છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં તમામ અસરગ્રસ્ત લોકોને શક્તિ અને સાંત્વના મળે.”
ગૌતમ અદાણી: “ખૂબ જ દુઃખી”
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના X એકાઉન્ટ પર લખ્યું હતું કે, “એર ઇન્ડિયા ફ્લાઇટ 171ની દુર્ઘટનાથી અમે આઘાત પામ્યા છીએ અને ખૂબ જ દુઃખી છીએ. અકલ્પનીય નુકસાન સહન કરનારા પરિવારો સાથે અમારી સંવેદના છે. અમે તમામ અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને જમીન પર રહેલા પરિવારોને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છીએ.” અદાણી ગ્રુપે ખાતરી આપી હતી કે તે એર ઇન્ડિયા વિમાનના દુર્ઘટના પછી ચાલી રહેલા બચાવ અને રાહત કામગીરીમાં સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે.
આનંદ મહિન્દ્રાએ પણ વ્યક્ત કર્યું દુઃખ
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અકસ્માત બાદ દુઃખ વ્યક્ત કર્યું અને લખ્યું હતું કે, “આ ખૂબ જ દુઃખદ ઘટના છે. મારા હૃદયમાં દુઃખ વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો નથી. આ અકસ્માતમાં પ્રભાવિત થયેલા તમામ લોકો સાથે મારી સંવેદના છે, જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. હું તેમના માટે અને શોકમાં રહેલા લોકો માટે પ્રાર્થના કરું છું.”
હર્ષ ગોયેન્કાની ભાવનાત્મક પોસ્ટ
RPG ગ્રુપના હર્ષ ગોયેન્કાએ પણ X પર ભાવનાત્મક પોસ્ટ કરી હતી કે, “તમે નવી નોકરી માટે ફ્લાઇટ બુક કરાવી પણ ક્યારેય પહોંચ્યા નહીં. તમે ફેમિલી વેકેશનનું આયોજન કર્યું પણ તમને દગો મળ્યો. તમે મેડિકલ હોસ્પિટલમાં બેઠા હતા અને કાટમાળ તમારા પર પડે છે. જીવન હંમેશા ન્યાયી નથી હોતું. ક્યારેક તે ફક્ત ક્રૂર હોય છે. આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે. આ બધું ખૂબ જ ખોટું થયું છે.”











