PM મોદીએ વિજય રૂપાણીને યાદ કર્યા: “વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી” : PM મોદીએ જણાવ્યું કે તેમની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચાઓ હંમેશા યાદ રહેશે

અમદાવાદ, શુક્રવાર : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 260થી વધુ લોકોના નિધનને કારણે રાજ્યભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ દુર્ઘટનાના પગલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા હતા. તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને પ્લેન અકસ્માતમાં બચી ગયેલા યુવાન સાથે પણ મુલાકાત કરી હતી.
આ મુલાકાત બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારજનો, જેમાં તેમના પત્ની અંજલી રૂપાણીનો સમાવેશ થાય છે, તેમને મળીને સાંત્વના પાઠવી હતી. વડાપ્રધાનને જોઈને અંજલી રૂપાણી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાન મોદી સાથે ઉપસ્થિત હતા.
PM મોદીએ વિજય રૂપાણીને યાદ કર્યા: “વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા X પર એક ભાવુક પોસ્ટ લખીને વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે લખ્યું, “વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે.”
PM મોદીએ વિજય રૂપાણીના સરળ અને સાલસ સ્વભાવની પ્રશંસા કરતા જણાવ્યું કે તેઓ ખૂબ મહેનતુ હતા અને પક્ષની વિચારધારા પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હતા. તેમણે વિજય રૂપાણીની રાજકીય કારકિર્દીને યાદ કરી, જે એક પાયાના કાર્યકર તરીકે શરૂ થઈ હતી. સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, રાજ્યસભાના સાંસદ તરીકે, પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે, કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકે – વિજય રૂપાણીને સોંપાયેલ દરેક ભૂમિકામાં તેમણે એક અનોખો ચીલો ચાતર્યો હતો.
“તેમની મુલાકાતો અને ચર્ચા હંમેશાં યાદ રહેશે”
વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે જ્યારે વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમને તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનો અવસર મળ્યો હતો. રૂપાણીએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા માટે અનેક પગલાં લીધા હતા, જેમાં ‘ઈઝ ઑફ લિવિંગ’ નોંધપાત્ર પહેલ હતી. PM મોદીએ જણાવ્યું કે તેમની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચાઓ હંમેશા યાદ રહેશે. અંતે, વડાપ્રધાન મોદીએ સદગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી: “ૐ શાંતિ…!!”











