ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે કતારથી ભારત આવતો ગેસ પુરવઠો ખોરવાયો છે. જેને પગલે ગુજરાત ગેસે મોરબીના સિરામિક ઉદ્યોગોના ગેસ સપ્લાયમાં 50% નો મોટો કાપ મૂક્યો છે.

અમદાવાદ, ગુરુવાર
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના ભયંકર યુદ્ધની અસર હવે ગુજરાતના ઉદ્યોગો સુધી પહોંચી ગઈ છે. ભારતને સૌથી વધુ નેચરલ ગેસ પૂરો પાડતા દેશ કતારે ગેસ પુરવઠા અંગે ‘ફોર્સ મેજ્યોર’ (અનિવાર્ય પરિસ્થિતિ) જાહેર કરી છે. ઈરાનના ડ્રોન હુમલા અને દરિયાઈ માર્ગમાં ઊભી થયેલી અશાંતિને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય કટોકટી વચ્ચે ગુજરાત ગેસ દ્વારા ઉદ્યોગોને અપાતા ગેસ સપ્લાયમાં 50 ટકાનો મોટો કાપ મૂકવાનો નિર્ણય લેવાયો છે.
મોરબીના સિરામિક ઉદ્યોગ પર સીધી અસર
વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામિક ક્લસ્ટર પર આ યુદ્ધની માઠી અસર પડી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે R-LNG ગેસની અછત ઊભી થતાં ગુજરાત ગેસ લિમિટેડ (GGL) એ પણ ગેસ વેચાણ કરાર હેઠળ ‘ફોર્સ મેજ્યોર’ લાગુ કરી દીધી છે. કંપનીના આકરા નિયમો નીચે મુજબ છે:
6 માર્ચ 2026 થી 31 માર્ચ 2026 સુધી તમામ સિરામિક એકમોના ગેસ સપ્લાયમાં 50 ટકાનો તોતિંગ કાપ જાહેર કરવામાં આવ્યો છે. નિયમિત ગ્રાહકો માટે ફેબ્રુઆરી 2026 ના દૈનિક વપરાશના આધારે નવો ક્વોટા (DCQ) માત્ર 50% નક્કી કરાયો છે.
કંપનીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ ફેક્ટરી નક્કી કરેલા ક્વોટા કરતા વધુ ગેસ વાપરશે, તો કોઈ પણ પૂર્વ નોટિસ આપ્યા વિના તેમનું કનેક્શન તાત્કાલિક કાપી નાખવામાં આવશે. બીજી તરફ, Non-MGO (મિનિમમ ગેરંટીડ ઓફટેક) ગ્રાહકોનો દૈનિક ક્વોટા 6 માર્ચથી સંપૂર્ણપણે ઝીરો (0) કરી દેવાયો છે. જો આવા એકમો ગેસ વાપરશે તો તેમની પાસેથી ઊંચો ચાર્જ વસૂલાશે અને સીધું જ કનેક્શન કાપી નાખવામાં આવશે.
ભારત માટે કતાર કેમ મહત્વનું છે?
ભારત દર વર્ષે 2.7 કરોડ ટન લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) ની આયાત કરે છે, જેમાંથી 40 ટકા ગેસ માત્ર કતાર પાસેથી ખરીદવામાં આવે છે. આ ગેસનો ઉપયોગ વીજળી, ખાતર, CNG અને ઘરગથ્થુ PNG માં થાય છે. ઈરાન દ્વારા ખાડી દેશો પર થઈ રહેલા સતત હુમલાઓને કારણે કતારે સોમવારે પોતાનું LNG ઉત્પાદન અટકાવી દીધું છે.
હોર્મુઝ સમુદ્ર માર્ગ ઈરાને બંધ કરી દેતા ક્રૂડ ઓઈલ અને ગેસના જહાજો અટવાયા છે. જેના કારણે શિપિંગ ખર્ચ અને યુદ્ધના જોખમનો વીમો પણ મોંઘો થઈ ગયો છે. આ બાબતની જાણકારી ગેસ આયાત કરતી કંપની પેટ્રોનેટ LNG લિમિટેડ દ્વારા વિતરણ કંપનીઓને આપવામાં આવી છે.
સામાન્ય જનતા અને ઉદ્યોગો પર શું અસર થશે?
આ વૈશ્વિક કટોકટી વચ્ચે સામાન્ય લોકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે સરકારે ગેસ સપ્લાયની પ્રાથમિકતા નક્કી કરી છે:
રહેણાક (Domestic PNG): રાંધણ ગેસ એ રોજિંદી અને પ્રાથમિક જરૂરિયાત હોવાથી ઘરગથ્થુ ગેસના સપ્લાયમાં કોઈ જ કાપ મૂકાયો નથી. કંપનીઓએ રિઝર્વ જથ્થો અકબંધ રાખ્યો છે, જેથી ગૃહિણીઓને કોઈ મુશ્કેલી નહીં પડે.
વાહનો (CNG): સામાન્ય જનજીવન અને વાહનવ્યવહાર ખોરવાય નહીં તે માટે CNG પંપો પર પણ હાલ કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી. પુરવઠો રાબેતા મુજબ ચાલુ રહેશે.
ઉદ્યોગો (Industrial): ગેસ કટોકટીનો સંપૂર્ણ અને સૌથી મોટો માર માત્ર ઉદ્યોગો પર પડ્યો છે. સિરામિક સહિતના ઔદ્યોગિક એકમોને અપાતા ગેસમાં જ આ 50% નો કાપ ઝીંકવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ સર્જાયેલી આ કટોકટીના કારણે મોરબીના હજારો સિરામિક ઉદ્યોગોના ઉત્પાદન પર ગંભીર સંકટ ઊભું થયું છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી સમયમાં ઉદ્યોગોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.











