બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પડ્યા બાદ શું બદલાયું? BRAC ના નવા રિપોર્ટ મુજબ ત્યાં ઈસ્લામિક કટ્ટરપંથીઓનો ઉદય થયો છે. જાણો આ વિદ્રોહ પછીની અસલી હકીકત અને મહિલાઓ પર તેની ગંભીર અસરો વિશે.

બાંગ્લાદેશ, સોમવાર
બાંગ્લાદેશમાં જુલાઈ 2024 માં વિદ્યાર્થીઓના નેતૃત્વમાં થયેલા મોટા વિદ્રોહે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. આ આંદોલને 15 વર્ષથી સત્તા પર રહેલી શેખ હસીનાની સરકારને ઉખાડી ફેંકી અને દેશમાં એક નવા રાજકીય યુગની શરૂઆત થઈ. લોકોને આશા હતી કે હવે બધું બદલાઈ જશે, લોકશાહી મજબૂત થશે. પરંતુ, હાલમાં જ આવેલા એક રિપોર્ટે બધાને ચોંકાવી દીધા છે. હકીકત કંઈક અલગ જ છે.
બીઆરએસી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ગવર્નન્સ એન્ડ ડેવલપમેન્ટ (BIGD) ના નવા રિપોર્ટ ‘રપ્ચર, રિફોર્મ એન્ડ રિઈમેજિનિંગ ડેમોક્રેસી’ મુજબ, સત્તા પરિવર્તન પછી પણ બાંગ્લાદેશમાં કોઈ મોટો અને સારો સુધારો જોવા મળ્યો નથી. ઉલટાનું, રાજકીય ખાલીપાનો ફાયદો ઉઠાવીને ઈસ્લામિક કટ્ટરપંથી તાકાતો મજબૂત બની છે.
શું ખરેખર કોઈ મોટો બદલાવ આવ્યો?
રિપોર્ટના લેખકોમાંના એક, ડૉ. મિર્ઝા એમ. હસને આ સ્થિતિનું વિશ્લેષણ કરતા જણાવ્યું હતું કે, લોકોને જેવી આશા હતી તેવો કોઈ પાયાનો ફેરફાર થયો નથી. લોકોને એમ હતું કે પાર્ટી સિસ્ટમ, કાયદાકીય વ્યવસ્થા અને શાસન પદ્ધતિમાં સુધારો થશે. એક નવી સિસ્ટમ બનશે અને કાયદાનું શાસન સ્થપાશે. પરંતુ, હકીકતમાં અત્યારે ત્યાં અરાજકતા જેવો માહોલ છે. વચગાળાની સરકાર નબળી સાબિત થઈ રહી છે, જે ભીડને કાબૂમાં નથી રાખી શકતી અને લોકશાહીની આશાઓ પર ખરી ઉતરી નથી. ડૉ. હસનના મતે, આને કોઈ ક્રાંતિકારી બદલાવ કહેવો અતિશયોક્તિ ગણાશે. આ માત્ર સત્તાનું પરિવર્તન છે, તેનાથી વિશેષ કઈ નહીં.
ઈસ્લામિક રાજનીતિનો ઉદય
શેખ હસીનાની સરકારના પતન બાદ જે રાજકીય શૂન્યાવકાશ સર્જાયો, તેનો સૌથી મોટો ફાયદો દબાયેલા ઈસ્લામિક જૂથોને મળ્યો છે. અગાઉના શાસનમાં જે ઈસ્લામિક પાર્ટીઓ અને સંગઠનો દબાયેલા હતા, તેઓ હવે ખુલીને બહાર આવ્યા છે અને પોતાની પકડ મજબૂત બનાવી છે.
બાંગ્લાદેશની રાજનીતિમાં અત્યાર સુધી અવામી લીગ અને BNP જેવી પાર્ટીઓનું વર્ચસ્વ હતું, જે મધ્ય-દક્ષિણપંથી વિચારધારા ધરાવતી હતી. પરંતુ હવે ઈસ્લામિક રાજનીતિ અને ખાસ કરીને ‘જમાત’ જેવા સંગઠનોના ઉદયને કારણે વિચારધારા પૂરેપૂરી જમણેરી (Right-wing) તરફ વળી ગઈ છે. આ એક મોટો વૈચારિક બદલાવ છે જે વિદ્રોહ પછી જોવા મળી રહ્યો છે.
મહિલાઓ માટે ચિંતાનો વિષય
આ રિપોર્ટમાં સૌથી ચિંતાજનક બાબત મહિલાઓની સ્થિતિને લઈને વ્યક્ત કરવામાં આવી છે. ડૉ. હસને ચેતવણી આપતા કહ્યું કે ઈસ્લામિક રાજનીતિના વધતા પ્રભાવની સીધી અને નકારાત્મક અસર મહિલાઓ પર પડશે. તેમણે જણાવ્યું કે, “અલબત્ત, લઘુમતીઓની વાત કરીએ તો કદાચ કટ્ટરપંથીઓ તેમને સહન કરી લેશે અથવા પોતાની સાથે ભેળવી દેશે કારણ કે તેમનાથી સત્તાને મોટો ખતરો નથી. પરંતુ મહિલાઓના કિસ્સામાં પરિસ્થિતિ અલગ છે. ઈસ્લામિક શાસન વ્યવસ્થામાં મહિલાઓને ‘શિસ્ત’ માં લાવવાના નામે તેમના પર ઘણા નિયંત્રણો આવી શકે છે.”
રિપોર્ટ અનુસાર, જ્યાં સુધી કોઈ ભવિષ્યની સરકાર આ બાબતને ગંભીરતાથી નહીં લે, ત્યાં સુધી સ્થિતિ સુધરવી મુશ્કેલ છે. બાંગ્લાદેશમાં હવે ઔપચારિક કે અનૌપચારિક રીતે ઈસ્લામિક શાસનનો પ્રભાવ જોવા મળશે, જે મહિલાઓની સ્વતંત્રતા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આ વિદ્રોહ પછીની એક દુઃખદ વાસ્તવિકતા છે.











