ઉત્તર પ્રદેશના કાનપુરના મેસ્ટન રોડ પર બુધવારે બજાર નજીક ઊભેલી બે સ્કૂટીમાં અચાનક થયેલા ભીષણ વિસ્ફોટના મામલામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે

ઉત્તર પ્રદેશના કાનપુરના મેસ્ટન રોડ પર બુધવારે બજાર નજીક ઊભેલી બે સ્કૂટીમાં અચાનક થયેલા ભીષણ વિસ્ફોટના મામલામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. કાનપુરના પોલીસ કમિશનર રઘુબીર લાલે જણાવ્યું કે આ ધમાકો કોઈ મોટા બોમ્બ કે ષડયંત્રને કારણે નહીં, પરંતુ અવૈધ રીતે સંગ્રહ કરાયેલા ફટાકડાના કારણે થયો હતો.
વિસ્ફોટમાં આઠથી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ચાર ગંભીર ઘાયલોને લખનઉ રિફર કરાયા છે. વિસ્ફોટ બાદ લોકોમાં અફવાઓ ફેલાઈ હતી, જેના કારણે હોસ્પિટલમાં પણ થોડો સમય અરાજકતાનો માહોલ સર્જાયો હતો. કમિશનરે સ્વીકાર્યું કે કેટલાક લોકોએ આ મામલાને ડાયવર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે તપાસમાં સત્ય બહાર આવ્યું છે.
આ મામલે યુપી ATS અને કાનપુર પોલીસના સંકલનથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે અને અત્યાર સુધીમાં 6 લોકોની અટકાયત કરવામાં આવી છે.
કમિશનરે સ્વીકાર્યું છે કે આ અવૈધ સ્ટોકિંગ કોઈના સંરક્ષણ (પ્રોટેક્શન) હેઠળ કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે. તેમણે ચેતવણી આપી છે કે જે લોકોએ અવૈધ ફટાકડાનો સંગ્રહ કર્યો હતો, તેમની સાથે સાથે તેમને રક્ષણ આપનારા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પણ હવે સખત કાર્યવાહી કરવામાં આવશે.











