દહેગામ પોલીસને આવતી જોઈ બુટલેગર સહિત ફરાર : ૧૩, ૫૦૦ થી વધુ બોટલ કબજે લીધી : વોન્ટેડ બન્ને આરોપીઓને શોધવા પોલીસ દોડતી થઇ

દહેગામ, બુધવાર : દારૂ મામલે દહેગામ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. જોકે આ બુટલેગર ઘ્વારા લાંબા સમયથી દારૂનો ધંધો કરવામાં આવતો હોવાની પણ ચર્ચા છે. દહેગામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને બાતમી મળેલ કે દહેગામના રામનગર ખાતે રહેતા દિનેશ ભરવાડ સહિતના બે વ્યક્તિ દહેગામના કડાદરા ગામની સીમમાં વિદેશી દારૂનો મોટો જથ્થો રાખ્યો છે અને તેનું વેચાણ કરવાની ફિરાકમાં છે. ત્યાર બાદ દહેગામ પોલીસ પુરી તૈયારીઓ સાથે ચતુરાઈ પૂર્વક સ્થળ પર પહોંચી હોવા છતાં આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
દહેગામ પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર PSI બી. એન. પ્રજાપતિ તથા એમ. એફ. ઝાલા તથા સ્ટાફના ઘનશ્યામસિંહ, મોહનભાઇ, કેતનકુમાર, સચિનકુમાર, હરેશભાઇ, અનિલભાઈ, વેશીભાઈ, સોહીલસિંહ, પિયુષકુમાર, કિરણકુમાર અને ભુપતસિંહ ઝાક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ સમયે મોહનભાઇ અને અનિલસિંહ ને બાતમી મળેલ કે કડાદરા ગામે કરોલી જવાના માર્ગ પર આવેલ ખેતરમાં આવેલ મકાન અને ઓરડીની વચ્ચેની જગ્યામાં દહેગામના રામનગર ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર દિનેશભાઇ ડાહ્યાભાઈ ભરવાડ અને દસ્ક્રોઈ તાલુકાના પસુંજની મુવાડી ગામના સંજય રમેશભાઈ ડાભીએ વિદેશી દારૂનો મોટો જથ્થો લાવી વેચાણ કરવાની ફિરાકમાં છે.
આ મળેલી બાતમીના આધારે દહેગામ પોલીસ સ્ટેશનના ઉપરોક્ત સ્ટાફે જગ્યા પર જઈ રેડ કરી હતી. આ દરમિયાન આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ પોલીસે દારૂનો જથ્થો કબજે લઈ ગણતરી કરતા આશરે ૬૦ લાખની કિંમતનો ૩૭૮ પેટીમાં રહેલ ૧૩,૫૭૨ નાની મોટી બોટલો કબજે લીધી છે. આ મામલે દહેગામ પોલીસે ઉપરોક્ત બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.











